CBSE ‘ટેન્ડર કૌભાંડ’ અને ૧૭ વર્ષના વ્હિસલબ્લોઅરની કહાની: જ્યારે એક કિશોર સામે સરકારે ઝૂકવું પડ્યું
કોઈ ૧૭ વર્ષનો સામાન્ય વિદ્યાર્થી, જે હજી માંડ ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓની તૈયારી કરતો હોય, તે દેશના સૌથી મોટા શૈક્ષણિક બોર્ડ (CBSE) ના ટોચના અધિકારીઓની ખુરશીઓ હલાવી દે અને સરકારને ગણતરીના કલાકોમાં એક્શન લેવા મજબૂર કરી દે – આવું ફિલ્મોમાં જોવાનું ગમે, પણ દિલ્હીના રાજકીય અને શૈક્ષણિક ગલિયારાઓમાં આ હકીકત બનીને સામે આવ્યું છે.
ઝારખંડના રાંચીના રહેવાસી અને ધોરણ ૧૨ના વિદ્યાર્થી સાર્થક સિદ્ધાંત માટે આ મંગળવાર યાદગાર બની રહ્યો. એક સામાન્ય બ્લોગર તરીકે શરૂઆત કરનાર સાર્થકે એવું તે શું કર્યું કે વિપક્ષના સૌથી મોટા નેતા રાહુલ ગાંધીએ તેને રૂબરૂ મળીને પીઠ થાબડવી પડી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખવું પડ્યું: “સાર્થક, તમારા સિદ્ધાંતો પર અડગ રહો.”
બ્લોગથી શરૂ થયેલી લડાઈ સંસદ સુધી પહોંચી
આ આખી ઘટનાની શરૂઆત સાર્થક સિદ્ધાંતના એક બ્લોગથી થઈ હતી. સાર્થકે CBSE (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન) ની પરીક્ષા પદ્ધતિ, ખાસ કરીને ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમના ટેન્ડરોનો ઊંડો અભ્યાસ કર્યો. તેણે શોધી કાઢ્યું કે બોર્ડે જે કંપનીને આ કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, તેને ફાયદો કરાવવા માટે ટેન્ડરના નિયમોમાં જ ધરખમ ફેરફારો કરવામાં આવ્યા હતા.
સાર્થકના જણાવ્યા અનુસાર, તેના રિપોર્ટમાં અંદાજે ૧૫ જેટલી મોટી નાણાકીય અને વહીવટી વિસંગતતાઓ (Anomalies) હતી. આક્ષેપ એવો છે કે ૧૭ ફેબ્રુઆરીથી પરીક્ષાઓ શરૂ થવાની હતી તેના માત્ર ૭૪ દિવસ પહેલા, એટલે કે ૫ ડિસેમ્બરે ‘Coempt EduTeck’ નામની કંપનીને ઉતાવળે આ કોન્ટ્રાક્ટ આપી દેવાયો હતો. જો કે, સાર્થક પોતે ટેકનોલોજીની વિરુદ્ધ નથી. તેનું કહેવું છે કે, “OSM એક સારો બદલાવ છે, પરંતુ તેને મોટા પાયે લાગુ કરતાં પહેલાં વ્યાપક ટ્રાયલ અને ડેમો પ્રોજેક્ટ્સ કરવા જોઈતા હતા.”
આ ગંભીર દસ્તાવેજો સાથે સાર્થક દિલ્હી પહોંચ્યો અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહની અધ્યક્ષતાવાળી શિક્ષણ ક્ષેત્રની સંસદીય સ્થાયી સમિતિ (Parliamentary Standing Committee) સમક્ષ સાત પાનાનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે સાર્થક સંસદ ભવનના એનેક્સીમાં આ પ્રેઝન્ટેશન આપી રહ્યો હતો, ત્યારે બોર્ડના એ જ ઉચ્ચ અધિકારીઓ ત્યાં હાજર હતા જેમની સામે આ આક્ષેપો હતા.
સરકારની ત્વરિત કાર્યવાહી: અધિકારીઓની બદલી
સાર્થકની રજૂઆત અને વધતા રાજકીય દબાણના કારણે સરકારે મંગળવારે સાંજ સુધીમાં મોટો નિર્ણય લેવો પડ્યો. CBSE ના તત્કાલીન અધ્યક્ષ રાહુલ સિંહ અને સચિવ હિમાંશુ ગુપ્તાની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી. પ્રશાંત લોખંડેને બોર્ડના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે.
આ ઉપરાંત, આ સમગ્ર ખરીદી પ્રક્રિયાની તપાસ કરવા માટે સરકારે તાત્કાલિક ધોરણે ‘કેપેસિટી બિલ્ડિંગ કમિશન’ ના વડા એસ. રાધા ચૌહાણની એક સભ્યની તપાસ સમિતિની રચના કરી છે. જો કે, બોર્ડ અને સંબંધિત કંપનીએ આ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે તમામ પ્રક્રિયા જનરલ ફાઇનાન્સિયલ રૂલ્સ (GFR) મુજબ જ થઈ છે.
રાજકીય ગરમાવો અને વિપક્ષના આકરા પ્રહારો
કોંગ્રેસે આ ઘટનાને ‘જનરેશન ઝેડ’ (આજની યુવા પેઢી) ની તાકાત તરીકે ગણાવી છે. કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન NSUI ના સંયોજક અંશુલ ત્રિવેદીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, સવારે સાર્થક સંસદીય સમિતિને મળ્યો અને સાંજ સુધીમાં મોદી સરકારને ઘૂંટણિયે પડીને એક્શન લેવા પડ્યા.
બીજી તરફ, વિપક્ષે આ મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ તેજ કરી દીધી છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આકરા પ્રહારો કરતાં કહ્યું:
“CBSE ના ચેરમેન અને સેક્રેટરીની બદલી એ માત્ર આંખમાં ધૂળ નાખવા (આંખ ધોવા) જેવું કામ છે. પીએમ મોદીએ તાત્કાલિક શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને બરતરફ કરવા જોઈએ. ૧૮.૫ લાખ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે આનાથી ઓછું કશું જ મંજૂર નથી.”
કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ સૂર પુરાવતા કહ્યું કે સાચો ન્યાય ત્યારે જ ગણાશે જ્યારે મંત્રી પદ પરથી હટશે.
દેશમાં પરીક્ષા તંત્ર સામે કિશોરોનો બંડ
આ કોઈ એકલદોકલ ઘટના નથી. હાલમાં દેશના પરીક્ષા તંત્ર સામે અવાજ ઉઠાવનારાઓમાં ત્રણ કિશોરો મુખ્ય ચહેરા તરીકે ઉભરી આવ્યા છે:
૧. સાર્થક સિદ્ધાંત: ટેન્ડર કૌભાંડનો પર્દાફાશ કરનાર.
૨. વેદાંત શ્રીવાસ્તવ: જેને બોર્ડ દ્વારા ખોટી ઉત્તરવહી મોકલાઈ હતી. સોશિયલ મીડિયા પર તેની લડત બાદ બોર્ડે સ્કેનિંગની ભૂલ સ્વીકારવી પડી હતી. રાહુલ ગાંધી વેદાંતને પણ મળી ચૂક્યા છે.
૩. નિસર્ગ અધિકારી (૧૯ વર્ષ): એક નૈતિક હેકર (Ethical Hacker), જેણે બોર્ડના OSM પોર્ટલમાં મોટી ખામીઓ અને સુરક્ષા ખતરો દર્શાવ્યો હતો.
सार्थक, अपने सिद्धांतों पर अडिग रहो।#TenderInvestigator pic.twitter.com/aJoaYev6M8
— Rahul Gandhi (@RahulGandhi) June 2, 2026
આ ત્રણેય યુવાનોના સમર્થનમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) નામનું એક ઓનલાઈન યુવા આંદોલન ઊભું થયું છે. આ અનોખું નામ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંતની એક કથિત ટિપ્પણી બાદ અસ્તિત્વમાં આવ્યું, જેમાં તેમણે બેરોજગાર યુવાનોની સરખામણી કોકરોચ સાથે કરી હોવાનો આક્ષેપ છે. આ સંગઠનના સ્થાપક અભિજીત દીપકે આ અપમાનજનક શબ્દને જ હથિયાર બનાવી “જો બધા કોકરોચ એક થઈ જાય તો?” ના નારા સાથે સોશિયલ મીડિયા પર વાયરલ ઝુંબેશ છેડી છે. આ સંગઠન આગામી ૬ જૂને દિલ્હીના જંતર-મંતર પર મોટા વિરોધ પ્રદર્શનની તૈયારી કરી રહ્યું છે.
સોનમ વાંગચુકનું સમર્થન અને રાષ્ટ્રીય ચિંતા
લદ્દાખના જાણીતા આંદોલનકારી અને ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક પણ હવે આ યુવાનોની વહારે આવ્યા છે. તાજેતરમાં જ છ મહિનાની NSA (રાષ્ટ્રીય સુરક્ષા કાયદો) હેઠળની અટકાયતમાંથી મુક્ત થયેલા વાંગચુકે વડાપ્રધાનને અપીલ કરતાં કહ્યું છે કે, “જો હમણાં નહીં, તો ક્યારે? જો આપણે નહીં, તો કોણ?” તેમણે ચેતવણી આપી છે કે જો સરકાર ૫ જૂન સુધીમાં પરીક્ષાના વિવાદો પર કોઈ નક્કર પગલાં નહીં લે, તો તેઓ પોતે ૬ જૂને જંતર-મંતરના પ્રદર્શનમાં જોડાશે. અગાઉ કેન્દ્ર સરકારે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે વાંગચુક બાંગ્લાદેશ કે નેપાળ જેવા ‘જેન-ઝેડ’ આંદોલનો ભારતમાં ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
વ્યાપક શૈક્ષણિક કટોકટી
CBSE નો આ વિવાદ દેશમાં ચાલી રહેલી મોટી શૈક્ષણિક કટોકટીનો એક ભાગ માત્ર છે. વિપક્ષે આ મુદ્દાને તાજેતરની અન્ય નિષ્ફળતાઓ સાથે સાંકળ્યો છે, જેમાં:
- પેપર લીક થવાના કારણે રદ થયેલી અને ૨૧ જૂને ફરીથી યોજાનારી NEET-UG 2026.
- યુપી અને બિહારના કેન્દ્રો પર ભારે અરાજકતા સર્જનાર SSC-GD કોન્સ્ટેબલ પરીક્ષા.
- ૩૦ મેના રોજ દેશના ઘણા કેન્દ્રો પર વિલંબથી શરૂ થયેલી CUET-UG પરીક્ષા.
