દિલ્હીથી કેરળ સુધી આકાશમાં વાદળોની ઘેરાબંદી, પંજાબ-હરિયાણામાં ઓરેન્જ એલર્ટ અને તમિલનાડુમાં ભારે આફતની ચેતવણી
ભારતમાં ઉનાળાની આકરી ગરમી અને ચોમાસાના આગમન વચ્ચે અત્યારે કુદરતનો અનોખો સંગ્રામ જોવા મળી રહ્યો છે. દેશના કરોડો લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે નૈઋત્યનું ચોમાસું હવે આંગણે આવીને ઊભું છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી સાનુકૂળ હવામાન પ્રણાલીને કારણે દક્ષિણ ભારતથી લઈને ઉત્તર ભારતના પહાડો સુધી હવામાનનો મિજાજ ઝડપથી બદલાઈ રહ્યો છે.
સમગ્ર દેશમાં અત્યારે પ્રચંડ ગરમી અને અસહ્ય બફારા વચ્ચે હવામાનમાં એક બહુ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. જૂન મહિનાના પ્રારંભિક અઠવાડિયામાં જ દક્ષિણ ભારતમાં કુદરતનો મિજાજ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એકસાથે અનુકૂળ સિસ્ટમ સક્રિય થવાના કારણે કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને લક્ષદ્વીપના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. જે આગામી દિવસોમાં દેશના અન્ય ભાગો તરફ આગળ વધશે.
ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ગરમી અને વરસાદનો ડબલ એટેક
જ્યાં એકતરફ દક્ષિણ ભારતમાં ચોમાસાની આહલાદક શરૂઆત થઈ છે, ત્યાં બીજી તરફ પશ્ચિમ રાજસ્થાનના વિસ્તારો હજુ પણ કાળઝાળ ગરમી અને હીટવેવ (ગરમીનું મોજું) નો સામનો કરી રહ્યા છે. જોકે, હવામાન વિભાગે આશ્વાસન આપ્યું છે કે પૂર્વ રાજસ્થાનના વિસ્તારોમાં સાંજના સમયે અચાનક વાવાઝોડું ફૂંકાઈ શકે છે અને હળવા વરસાદી છાંટા પડવાથી સ્થાનિક લોકોને અસહ્ય ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે. આ જ સમયે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તરાખંડના કેટલાક સંવેદનશીલ ભાગો માટે તો હવામાન વિભાગ દ્વારા ખાસ વહીવટી ચેતવણી પણ જારી કરવામાં આવી છે.
પંજાબ અને હરિયાણામાં નવો પશ્ચિમી વિક્ષેપ અને ઓરેન્જ એલર્ટ
મેદાની વિસ્તારોની વાત કરીએ તો પંજાબ અને હરિયાણામાં એક નવો પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) સક્રિય થયો છે. આ કૂદરતી બદલાવને કારણે હવામાન વિભાગે ગુરુવારે બંને રાજ્યો માટે ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કર્યું છે. વાતાવરણમાં આવેલો આ ફેરફાર આગામી ૬ જૂન સુધી યથાવત રહેવાની સંભાવના છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારોમાં આકાશ એકદમ સ્વચ્છ હતું અને ઊંચા તાપમાનને કારણે હરિયાણાનું સિરસા ૪૧.૨ ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ સ્થળ નોંધાયું હતું. છેલ્લા ત્રણ દિવસથી વરસાદ ગાયબ હોવાને કારણે પારો ફરી ઉપર ચડ્યો હતો, પરંતુ હવે આ નવા એલર્ટથી ગરમી ઘટવાની આશા જાગી છે.
મુંબઈ અને મહારાષ્ટ્ર તરફ ચોમાસાની કૂચ
હવામાન નિષ્ણાતોના મતે કેરળ પહોંચ્યા બાદ ચોમાસું ધીમે ધીમે આગળ વધશે. મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો સુધી પહોંચવામાં ચોમાસાને હજુ લગભગ એક અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે. જો પવનની ગતિ અને વાતાવરણની સાનુકૂળતા સામાન્ય રહેશે, તો ચોમાસાને દેશની આર્થિક રાજધાની મુંબઈ સુધી પહોંચતા ૧૦ દિવસ જેટલો સમય લાગશે. હાલમાં કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં અવિરત વરસાદ ચાલુ છે, જ્યારે મહારાષ્ટ્રના કોંકણ અને ગોવા પ્રદેશોમાં છૂટાછવાયા વાવાઝોડાનો અનુભવ થઈ રહ્યો છે. આગામી ૩ થી ૪ દિવસમાં આ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિમાં તીવ્ર વધારો થવાની ધારણા છે.
બીજી તરફ, મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો જેવા કે નવી મુંબઈ, થાણે અને વસઈ-વિરારમાં આજે હળવો વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. આ પ્રી-મોન્સૂન એક્ટિવિટીને કારણે હવામાં ભેજનું પ્રમાણ વધશે અને તાપમાનમાં થોડો ઘટાડો થશે. જોકે, મુંબઈગરાઓને ગરમીમાંથી સંપૂર્ણ અને કાયમી રાહત મેળવવા માટે હજુ થોડા દિવસો રાહ જોવી પડશે. ૮ અને ૯ જૂન પછી આ વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાની તીવ્રતા બમણી થવાની સંભાવના છે, જે સામાન્ય જનજીવનને લાંબા સમયથી ચાલતી ગરમીમાંથી મુક્તિ અપાવશે.
તમિલનાડુના ૧૬ જિલ્લા ભારે વરસાદથી પ્રભાવિત
દક્ષિણના રાજ્ય તમિલનાડુમાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. હવામાન વિભાગે તમિલનાડુના ૧૬ મહત્વના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની કટોકટી જાહેર કરી છે. રાજ્યના ઘણા આંતરિક ભાગોમાં અત્યારથી જ એટલો ભારે વરસાદ પડી રહ્યો છે કે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, અનેક જગ્યાએ વીજળી ગુલ થઈ ગઈ છે તથા જનજીવન ખોરવાઈ ગયું છે. આગામી બે દિવસ દરમિયાન કોઈમ્બતુર, નીલગિરિ, થેની, તિરુપ્પુર, તિરુનેલવેલી અને કન્યાકુમારી જેવા પ્રમુખ જિલ્લાઓમાં લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

