પ્રદૂષણ સામે યુપી સરકારનું આકરું વલણ: ૧ ઓક્ટોબરથી NCR માં ‘નો PUC, નો ફ્યુઅલ’ નિયમ, પંપ પર લાગશે હાઇ-ટેક કેમેરા
વધતા જતા શહેરીકરણ અને વાહનોના ધુમાડાના કારણે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં વાયુ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની ગયું છે. આ પ્રદૂષણને નાથવા અને હવાની ગુણવત્તા સુધારવા માટે ઉત્તર પ્રદેશ સરકારે એક અત્યંત કડક અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. વર્ષ ૨૦૨૬ સુધીમાં પ્રદૂષણના સ્તરમાં ૩૦ થી ૩૫ ટકાનો મોટો ઘટાડો કરવાના અદભુત લક્ષ્ય સાથે, રાજ્યના મુખ્ય સચિવ એસ.પી. ગોયલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં વાહનો માટે એક નવો અને ડિજિટલ માસ્ટર પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં વાયુ પ્રદૂષણના સતત વધતા જતા જોખમ સામે એક નિર્ણાયક અને અભૂતપૂર્વ પગલું ભરતા ઉત્તર પ્રદેશ સરકારે મોટો આદેશ જારી કર્યો છે. યુપીના એનસીઆર જિલ્લાઓમાં આગામી ૧ ઓક્ટોબરથી ‘નો પીયુસીસી, નો ફ્યુઅલ’ (પ્રદૂષણ પ્રમાણપત્ર નહીં, તો ઇંધણ નહીં) નો કડક નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે. આ નવા નિયમ અંતર્ગત જો તમારા વાહનનું પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (PUCC) માન્ય નહીં હોય, તો તમને પેટ્રોલ પંપ પર પેટ્રોલ, ડીઝલ કે સીએનજી (CNG) જેવું કોઈ પણ ઇંધણ આપવામાં આવશે નહીં. વર્ષ ૨૦૨૬ સુધીમાં આ ક્ષેત્રોમાં પ્રદૂષણનું સ્તર ૩૦ થી ૩૫ ટકા સુધી ઘટાડવાના મક્કમ ઉદ્દેશ્ય સાથે જૂના અને નિયત મર્યાદા કરતા વધુ ધુમાડો છોડતા વાહનો પર હવે સંપૂર્ણ કાનૂની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. મુખ્ય સચિવ એસ.પી. ગોયલની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ ઐતિહાસિક નિર્ણયને સત્તાવાર લીલી ઝંડી આપી દેવામાં આવી છે.
NCR ના ૧,૦૪૧ પેટ્રોલ પંપ પર કડક અમલવારી અને ANPR કેમેરા
આ નવો નિયમ ૧ ઓક્ટોબરથી ઉત્તર પ્રદેશના એનસીઆર હેઠળ આવતા મુખ્ય જિલ્લાઓ જેવા કે ગાઝિયાબાદ, નોઈડા, ગ્રેટર નોઈડા અને મેરઠના તમામ ૧,૦4૧ પેટ્રોલ પંપ પર એકસાથે લાગુ કરવામાં આવશે. આ નિયમમાં કોઈ માનવીય ભૂલ કે પક્ષપાત ન થાય તે માટે પેટ્રોલ પંપ પર ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) કેમેરા લગાવવાનો મોટો નિર્ણય લેવાયો છે.
આ હાઇ-ટેક કેમેરાની ખાસિયત એ છે કે જેવું કોઈ વાહન ઇંધણ ભરાવવા માટે પેટ્રોલ પંપના પરિસરમાં પ્રવેશ કરશે, કેમેરો તરત જ તેની નંબર પ્લેટને ડિજિટલી સ્કેન કરી લેશે. આ સિસ્ટમ સીધી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કેન્દ્રીય સર્વર સાથે જોડાયેલી હશે, જેના કારણે કેમેરો સ્કેન કરતાની સાથે જ પંપના કોમ્પ્યુટર સ્ક્રીન પર દેખાઈ જશે કે વાહનનું PUC સર્ટિફિકેટ માન્ય છે કે એક્સપાયર થઈ ગયું છે. જો સર્ટિફિકેટ અમાન્ય હશે, તો મશીનમાંથી ઇંધણ આપવાની પ્રક્રિયા આપોઆપ બ્લોક થઈ જશે.
૩૭,૦૦૦ થી વધુ જૂના વાહનો કરાયા સ્ક્રેપ
પર્યાવરણ મંત્રાલય અને પરિવહન વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલી “નયા સફર” યોજના અંતર્ગત એનસીઆરના ચાર પ્રમુખ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં અંદાજે ૨૬.૧૯ લાખ જેટલા એવા વાહનો (EOL – એન્ડ-ઓફ-લાઇફ) ઓળખી કાઢવામાં આવ્યા છે જેમણે કાયદાકીય રીતે પોતાનું નિર્ધારિત આયુષ્ય પૂર્ણ કરી લીધું છે. સરકારી આંકડાઓ અનુસાર, ફક્ત જાન્યુઆરીથી એપ્રિલ ૨૦2૬ ના ટૂંકા ગાળા દરમિયાન જ ૩૭,૧૫૬ જેટલા અતિશય જૂના અને ખટારા વાહનોને સુરક્ષિત રીતે સ્ક્રેપ (નષ્ટ) કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, રસ્તા પર ખુલ્લેઆમ ઝેરી ધુમાડો ફેલાવતા ૪૬૦ વાહનોને ટ્રાફિક પોલીસે જપ્ત કરીને કાયદાકીય લોકઅપમાં મોકલી આપ્યા છે.
પ્રદૂષણ મુક્તિ માટે રૂ. ૩,૬૬૬ કરોડનો મેગા માસ્ટર પ્લાન
હવાની ગુણવત્તામાં કાયમી સુધારો લાવવા માટે ઉત્તર પ્રદેશ સરકારે માત્ર નિયમો જ નથી બનાવ્યા, પરંતુ સમાંતર રૂપે રૂ. ૩,૬૬૬ કરોડના તોતિંગ બજેટ સાથે એક મેગા ડેવલપમેન્ટ પ્લાન પણ તૈયાર કર્યો છે. આ યોજના હેઠળ ગાઝિયાબાદ, નોઈડા, ગ્રેટર નોઈડા અને મેરઠમાં જાહેર પરિવહનને સંપૂર્ણ ગ્રીન બનાવવા માટે કુલ ૯૭૫ અત્યાધુનિક ઇલેક્ટ્રિક (E-Buses) દોડાવવાનું લક્ષ્ય નક્કી કરાયું છે, જેમાંથી ૧૦૦ બસો હાલમાં સફળતાપૂર્વક રસ્તા પર દોડી રહી છે.
આ સિવાય, શહેરોમાં ઉડતી ધૂળ અને પર્ટીક્યુલેટ મેટર (PM 10) ને નિયંત્રિત કરવા માટે ૧,૭૯૨ કિલોમીટર લાંબા મુખ્ય રસ્તાઓનું વૈજ્ઞાનિક પદ્ધતિથી નવીનીકરણ અને ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. હવાની લાઈવ ગુણવત્તા સતત માપવા માટે એનસીઆરમાં ૪૩ સ્પેશિયલ કન્ટીન્યુઅસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન (CAAQMS) સ્થાપિત થઈ રહ્યા છે, જેમાંથી ૨૫ સ્ટેશનોએ અત્યારથી જ લાઈવ ડેટા મોકલવાનું શરૂ કરી દીધું છે. સામાન્ય જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ ૧ ઓક્ટોબરની રાહ જોયા વિના પોતાના વાહનોની સમયસર તપાસ કરાવી લે જેથી ભવિષ્યની મોટી મુશ્કેલીઓથી બચી શકાય.