શું સોનગઢ TSP કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચારને છુપાવવા પત્રકારો પર કરાયો હુમલો? ઉઠતા અનેક સવાલો

4 Min Read

તાપીમાં ભ્રષ્ટાચારનો ખેલ: પાપ છુપાવવા માટે સરકારી અધિકારીઓ અને પત્રકારો પર હુમલાના પ્રયાસો?

ગુજરાતના તાપી જિલ્લામાં ભ્રષ્ટાચારની એક એવી ઘટના સામે આવી છે જેણે સરકારી તંત્રની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. એફ.આર.એ. (FRA) ૨૦૧૯/૨૦ની યોજના હેઠળ ગરીબ લાભાર્થીઓને કૂવા બનાવવા માટે મંજૂર થયેલી કરોડોની ગ્રાન્ટમાં થયેલી ગેરરીતિએ હવે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. એક તરફ વિજિલન્સ તપાસનો ધમધમાટ છે, તો બીજી તરફ ભ્રષ્ટાચારી અધિકારીઓ પોતાનું પાપ છુપાવવા માટે પત્રકારો પર હુમલા કરાવવા સુધીની હદે નીચે ઉતરી ગયા છે.

શું છે સમગ્ર કૌભાંડની કહાની?

વાત એમ છે કે, ૨૦૧૯/૨૦ની યોજના અંતર્ગત સાત લાખ રૂપિયાના ખર્ચે આરસીસી કૂવો, પંપ મશીન, પાઇપલાઇન, લોખંડની જાળી અને સિમેન્ટ કોંક્રીટની રિંગ ભરવાનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. ઉચ્છલ તાલુકાના એક લાભાર્થી માટે ૨૦૨૧માં વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જોકે, કામના નામે સ્થળ પર માત્ર બે-ત્રણ ફૂટનો ખાડો કરી, કૂવા જેવી રિંગ મૂકી દેવામાં આવી હતી. આટલું ઓછું હોય તેમ, અધિકારીઓએ આ અધૂરા અને નકલી કામના ફોટા પાડીને લાખો રૂપિયાનું બિલ પણ મંજૂર કરાવી લીધું હતું.

- Advertisement -

tapi1.jpg

આ ગેરરીતિ સામે વર્ષ ૨૦૨૧માં કુવાના મૂળ માલિક કુસુમબેન વસાવાએ ઉચ્છલ ટીડીઓ અને સિંચાઈ વિભાગમાં લેખિત ફરિયાદ કરી હતી. પરંતુ તંત્રના અધિકારીઓએ તેમને ન્યાય આપવાને બદલે ગોળ-ગોળ ફેરવીને કેસને ટલ્લે ચડાવી દીધો હતો. તંત્રની મિલીભગત સામે જ્યારે કોઈ રસ્તો ન દેખાયો, ત્યારે એક સામાજિક કાર્યકરે ગુજરાત તકેદારી આયોગ (વિજિલન્સ)માં ફરિયાદ કરી હતી. તારીખ ૨૭/૦૮/૨૦૨૫ના રોજ તત્કાલીન તાપી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર મલક એચ. ગામિત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી (ફરિયાદ નંબર: GVC3482025).

- Advertisement -

વિજિલન્સ તપાસ આવતા જ હડકંપ

હવે જ્યારે આ મામલે વિજિલન્સની તપાસ શરૂ થઈ છે, ત્યારે ભ્રષ્ટાચારી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જે કામ ૨૦૨૧માં કાગળ પર પૂરું કરી દેવાયું હતું, તેને હવે તપાસથી બચવા માટે રાતોરાત સ્થળ પર કૂવો ખોદીને પૂરું કરવાનું નાટક કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે, જે સ્પષ્ટ કરે છે કે સરકારી તંત્ર કઈ હદે ભ્રષ્ટાચારના પુરાવા નષ્ટ કરવામાં માહેર છે.

કોનું પાપ છુપાવવા માટે આ રમત?

સૌથી મોટો પ્રશ્ન એ છે કે, અત્યારે આ કામ કોણ કરાવી રહ્યું છે? જે કોન્ટ્રાક્ટરને કામ મળ્યું હતું તેનું મૃત્યુ થઈ ગયું છે, અને જે ઇજનેરના સમયમાં આ ભ્રષ્ટાચાર થયો હતો તેમની પણ બદલી થઈ ગઈ છે. આમ છતાં, આટલા મોટા પાયે રાતોરાત કૂવાનું કામ કોના આદેશથી થઈ રહ્યું છે? શું આ માત્ર એક કૂવાનું કૌભાંડ છે કે પછી આવા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર બહાર આવવાની બીકથી રાતોરાત કામ પૂરું કરવાનું નાટક રચવામાં આવી રહ્યું છે?

tapi.jpg

- Advertisement -

સૂત્રોના જણાવ્યા અનુસાર, ટી.એસ.પી. (TSP) કચેરી સોનગઢના જવાબદાર અધિકારીઓ તપાસની આંચ પોતાની સુધી ન પહોંચે તે માટે હવાતિયા મારી રહ્યા છે. એટલું જ નહીં, આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા ગયેલા પત્રકારો પર હુમલા કરાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તંત્રનો આ ડર દર્શાવે છે કે આ કૌભાંડ માત્ર એક અધિકારી પૂરતું સીમિત નથી, પરંતુ તેમાં ઉપર સુધીના કનેક્શન હોવાની પૂરેપૂરી શક્યતા છે.

તાપીના વહીવટી તંત્રની ભૂમિકા શંકાના દાયરામાં

જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને તાપી જિલ્લા કલેક્ટરની કામગીરી પણ અત્યારે શંકાના દાયરામાં છે. જો ઉચ્ચ અધિકારીઓ ઈચ્છે તો સ્થળ તપાસ કરી આ આખું કૌભાંડ ગણતરીના કલાકોમાં બહાર લાવી શકે તેમ છે. પરંતુ, તપાસમાં વિલંબ કરીને તેઓ શું સાબિત કરવા માંગે છે? શું તેઓ ભ્રષ્ટાચારીઓને બચાવવા માંગે છે?

જો તટસ્થ તપાસ થાય તો તાપી જિલ્લામાં FRA અને સિંચાઈ વિભાગના નામે થયેલા કરોડોના ભ્રષ્ટાચારના અનેક પડદાફાશ થઈ શકે તેમ છે. પ્રજાના ટેક્સના પૈસાનો આ રીતે દુરુપયોગ અને ભ્રષ્ટાચાર આચરનારા સામે કડક પગલાં લેવા અનિવાર્ય છે. પત્રકારો અને સામાજિક કાર્યકરો જે સત્ય બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમને દબાવવા માટે હુમલા કરાવવા એ લોકશાહીમાં અક્ષમ્ય અપરાધ છે

Share This Article