નોકરીયાતો માટે લોટરી! પીએફ ખાતા પર મળશે ૭ લાખનો મફત વીમો અને ૧ લાખનો વધારાનો લાભ
દેશના કરોડો પગારદાર (સેલેરીડ) કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર અને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તરફથી ખૂબ જ મહત્વના અને રાહત આપનારા સમાચાર આવ્યા છે. સામાજિક સુરક્ષા સંહિતા ૨૦૨૦ હેઠળ, કેન્દ્ર સરકારે ૫૦ વર્ષ એટલે કે પાંચ દાયકા જૂની સિસ્ટમમાં મોટો સુધારો કરીને નવી ‘કર્મચારીઓની ડિપોઝિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ સ્કીમ ૨૦૨૬’ (EDLI Scheme 2026) ને મંજૂરી આપી દીધી છે. ૨૯ જૂનથી દેશભરમાં સત્તાવાર રીતે અમલમાં આવેલા આ નવા કાયદા હેઠળ, હવે પીએફ ખાતાધારક કર્મચારીના પરિવારને કોઈ અનિચ્છનીય ઘટના કે મૃત્યુના કિસ્સામાં ૭ લાખ રૂપિયાના મફત જીવન વીમાની સાથે ૧ લાખ રૂપિયાનો વધારાનો ખાતરીપૂર્વકનો લાભ (એશ્યોર્ડ બેનિફિટ) પણ મળશે. આ નવો નિયમ નોકરીયાત પરિવારોની આર્થિક સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.
પીએફ બેલેન્સ સાથે જોડાયેલ સીધો આર્થિક લાભ
નવી EDLI ૨૦૨૬ યોજનાની સૌથી ખાસ બાબત એ છે કે તેમાં મળનારો નવો એશ્યોર્ડ બેનિફિટ સીધો કર્મચારીના પીએફ ખાતામાં જમા થયેલી રકમ (PF Balance) સાથે લિંક કરવામાં આવ્યો છે. નવા નિયમો અનુસાર, જો કોઈ ઇપીએફ (EPF) સભ્યનું અકાળે અવસાન થાય છે, તો તેના નોમિની અથવા વારસદારને ખાતામાં જમા થયેલા કુલ પીએફની રકમ તો મળશે જ, પરંતુ તેની સાથે એક ખાસ ફોર્મ્યુલા હેઠળ ગણતરી કરીને વધારાના પૈસા પણ ચૂકવવામાં આવશે. જો મૃતક કર્મચારીનું સરેરાશ પીએફ બેલેન્સ ૫૦,૦૦૦ રૂપિયાથી વધુ હશે, તો તેના પરિવારને ૫૦,૦૦૦ રૂપિયાની ફિક્સ રકમ પ્લસ આ મર્યાદા (૫૦,૦૦૦) થી વધુની રકમના ૪૦% ઉમેરીને આપવામાં આવશે. આ નવી જોગવાઈ હેઠળ સરકાર તરફથી મળનારા આ સીધા લાભની મહત્તમ મર્યાદા ૧ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

હાલનું ૭ લાખનું રક્ષણ પણ અકબંધ રહેશે
નવા ફેરફારોની સાથે સરકારે કર્મચારીઓને અગાઉ મળતા મૂળભૂત વીમા કવચના લાભો પણ જાળવી રાખ્યા છે. જે કર્મચારીએ પોતાના મૃત્યુના અગાઉના ૧૨ મહિના દરમિયાન સતત નોકરી કરી હશે, તેમનો પરિવાર જૂની ફોર્મ્યુલા મુજબ પૂરા વીમા ક્લેમ માટે પાત્ર ગણાશે. આ અંતર્ગત દાવાની રકમની ગણતરી કર્મચારીના સરેરાશ માસિક પગારના ૩૫ ગણા અને તેના સરેરાશ પીએફ બેલેન્સના ૫૦% રકમને જોડીને કરવામાં આવે છે. આ સ્કીમમાં પરિવારોને ઓછામાં ઓછા ૨.૫ લાખ રૂપિયાથી લઈને વધુમાં વધુ ૭ લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય મળવાની ગેરંટી સુરક્ષિત રાખવામાં આવી છે. એટલું જ નહીં, ખાસ સંજોગોમાં આ એશ્યોર્ડ બેનિફિટમાં વધારાના ૨૦% ઉમેરવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે.
નોકરી છોડ્યા પછી પણ ૬ મહિના સુધી વીમો ચાલુ રહેશે
ભૂતકાળમાં એવું ઘણું જોવા મળ્યું છે કે કંપનીમાંથી પીએફનું કન્ટ્રીબ્યુશન (યોગદાન) બંધ થઈ ગયા પછી જો કર્મચારીનું મૃત્યુ થાય, તો તેના પરિવારને વીમાની રકમ મેળવવામાં ભારે મુશ્કેલી પડતી હતી અથવા ક્લેમ રિજેક્ટ થઈ જતો હતો. આ મોટી ખામીને દૂર કરીને સરકારે હવે નિયમો વધુ ઉદાર બનાવ્યા છે. નવા નિયમ મુજબ, જો કોઈ EPF સભ્ય કંપની છોડી દે અથવા તેનું પીએફ યોગદાન બંધ થઈ જાય, છતાં તેના છેલ્લા કન્ટ્રીબ્યુશનના આગામી ૬ મહિનાની અંદર જો તેનું મૃત્યુ થાય, તો પણ તેનો પરિવાર ૭ લાખ રૂપિયાના વીમા દાવા માટે સંપૂર્ણપણે હકદાર રહેશે, ભલે તે વ્યક્તિ તે સમયે કંપનીના સક્રિય પેરોલ પર ન હોય.

લેટ લતીફ અધિકારીઓ પર કડક તવાઈ: ૧૨% વ્યાજનો દંડ
EPFO એ સામાન્ય જનતાને હેરાનગતિથી બચાવવા અને વીમાની રકમ ઝડપથી ચૂકવવા માટે કડક આદેશો જારી કર્યા છે. હવે તમામ સાચા દસ્તાવેજો સાથે સબમિટ કરાયેલા વીમા ક્લેમનું નિકાલ (સેટલમેન્ટ) ૨૦ દિવસની અંદર કરવું કાયદાકીય રીતે ફરજિયાત છે. જો કોઈ પીએફ અધિકારી કોઈ વ્યાજબી કારણ વગર ૨૦ દિવસમાં ક્લેમ મંજૂર નહીં કરે, તો વિભાગે પીડિત પરિવારને વાર્ષિક ૧૨% ના દરે દંડાત્મક વ્યાજ ચૂકવવું પડશે. સૌથી મોટી વાત એ છે કે આ વ્યાજની રકમ જે-તે જવાબદાર અધિકારીના પગાર અથવા ખિસ્સામાંથી સીધી વસૂલવામાં આવશે. આ સાથે જ એમ્પ્લોયર્સ માટે ૧૫ દિવસમાં ડિજિટલ મોડથી વીમા ફંડ જમા કરાવવાનું ફરજિયાત કરાયું છે. પેપરવર્ક અને લાંચખોરી નાબૂદ કરવા માટે ફોર્મ સબમિટ કરવાથી લઈને રિટર્ન ફાઈલ કરવા સુધીની સમગ્ર પ્રક્રિયાને હવે ૧૦૦% ઓનલાઈન (ડિજિટલ) કરી દેવામાં આવી છે.