હોર્મુઝ સંકટ પર ટ્રમ્પની નવી ચાલ: ફીના બદલે રોકાણનો માસ્ટરપ્લાન! શું ઈરાન અમેરિકા-ઇઝરાયલની જાળમાં ફસાઈ જશે?
વૈશ્વિક તેલ વેપારના સૌથી મહત્વપૂર્ણ ગણાતા ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Strait of Hormuz) ને લઈને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો રાજકીય ધડાકો કર્યો છે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટમાં ટ્રમ્પે દાવો કર્યો છે કે, મધ્ય પૂર્વ (Middle East) ના નેતાઓ સાથે ખૂબ જ સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચાઓ થયા બાદ તેમણે અમેરિકાની ૨૦% સુરક્ષા ભરપાઈ ફી વસૂલવાની યોજના પડતી મૂકી છે. તેના બદલે હવે ગલ્ફ રાષ્ટ્રો અમેરિકા સાથે મોટા પાયે વેપાર અને રોકાણ કરારો કરશે.
ટ્રમ્પ ભલે પોતાની પરિભાષા બદલી રહ્યા હોય, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકાનો મૂળ હેતુ એ જ છે: હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષા આપવાના બહાને અબજો ડોલરનો નફો કમાવવો. આ નવી વ્યૂહરચના પાછળ અમેરિકા અને ઇઝરાયલનો એક મોટો ગુપ્ત પ્લાન હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જે વૈશ્વિક તેલ બજાર પર સંપૂર્ણ કબજો મેળવવાનો છે.
ઈરાનનો વળતો પ્રહાર: “તેલનું એક ટીપું પણ બહાર નહીં જવા દઈએ”
અત્યાર સુધી ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર ટોલ ટેક્સ વસૂલીને મોટો નફો મેળવવાની યોજના બનાવી રહ્યું હતું. પરંતુ ટ્રમ્પની એન્ટ્રી અને અમેરિકાની કડકાઈ બાદ ઈરાન બોખલાઈ ગયું છે. ઈરાની સૈન્યએ ખુલ્લી ધમકી આપી છે કે જ્યાં સુધી અમેરિકા સાથેનો આ સંઘર્ષ ચાલુ રહેશે, ત્યાં સુધી આ પ્રદેશમાંથી તેલ કે ગેસનું એક ટીપું પણ નિકાસ થવા દેવામાં આવશે નહીં.

પ્રદેશમાં ભયનો માહોલ અને રડાર બંધ:
ટેન્કરો ગાયબ: ઈરાનની ધમકી અને અમેરિકાના કડક નિયમોના કારણે હોર્મુઝમાંથી પસાર થતા કાર્ગો જહાજો અને ટેન્કરોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે.
ટ્રાન્સપોન્ડર બંધ: સંયુક્ત આરબ અમીરાત (UAE) થી રવાના થતા તેલના ટેન્કરો પણ પકડાવાના ડરથી પોતાના રડાર અને ટ્રાન્સપોન્ડર બંધ કરી રહ્યા છે. જહાજોને ડર છે કે જો તેઓ ઈરાનની રેન્જમાં આવશે તો મિસાઈલ હુમલો થઈ શકે છે, અને જો અમેરિકાની નજરે ચડશે તો તેમનો ડેટા યુએસના નવા રોકાણ કરારોની ખાતાવહીમાં નોંધી લેવાશે.
ટ્રમ્પનો ‘પ્લાન-B’: અલાસ્કા અને ટેક્સાસથી તેલનો સુનામી લાવવાની તૈયારી
હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી આ કટોકટી વચ્ચે ટ્રમ્પે અમેરિકાના પોતાના તેલ ભંડારોનો ઉપયોગ કરીને વૈશ્વિક બજાર પર પ્રભુત્વ મેળવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે અમેરિકા હવે હોર્મુઝના વિકલ્પો શોધી ચૂક્યું છે.
૧. ટેક્સાસનું પર્મિયન બેસિન
અમેરિકાના ટેક્સાસમાં આવેલું પર્મિયન બેસિન અને ઇગલ ફોર્ડ પ્રદેશો તેલના અખૂટ ભંડારો ધરાવે છે. આ વિસ્તારો હાલમાં દરરોજ ૫૮ લાખ બેરલ તેલનું ઉત્પાદન કરે છે, જે સમગ્ર અમેરિકાના કુલ ઉત્પાદનના ૪૨% જેટલું છે.
૨. અલાસ્કાનો ઉત્તર ઢોળાવ (North Slope)
અલાસ્કામાં પણ તેલનું ઉત્પાદન વધારવા માટે ‘નુના’ અને ‘પિક્કા’ નામના બે મોટા પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે, જેનાથી ઉત્પાદનમાં ૧૩% નો મોટો ઉછાળો આવ્યો છે. અહીંથી તેલ સપ્લાય કરવા માટે ૮૦૦ કિલોમીટર લાંબી ટ્રાન્સ-અલાસ્કા પાઇપલાઇન પહેલેથી જ સક્રિય છે.
લક્ષ્યાંક ૨૦૨૭: અમેરિકન તેલ કંપનીઓ અત્યારે નવી ટેકનોલોજી (હાઇડ્રોલિક ફ્રેક્ચરિંગ) ની મદદથી નવા કુવાઓ ખોદી રહી છે. અમેરિકાનો લક્ષ્યાંક વર્ષ ૨૦૨૭ સુધીમાં પોતાના ક્રૂડ ઓઇલના ઉત્પાદનને ૧૪.૨ મિલિયન (૧.૪૨ કરોડ) બેરલ પ્રતિદિન સુધી લઈ જવાનો છે.
ઇઝરાયલ બનશે નવું વૈશ્વિક તેલ હબ; રશિયાને આર્થિક ફટકો મારવાની પેરવી
આ સમગ્ર ભૌગોલિક રાજકીય (Geopolitical) રમતમાં ઇઝરાયલની ભૂમિકા સૌથી મહત્વની રહેવાની છે. અમેરિકાની યોજના વૈશ્વિક તેલ પુરવઠાના કેન્દ્રને ગલ્ફ દેશોમાંથી હટાવીને ઇઝરાયલમાં શિફ્ટ કરવાની છે. ભવિષ્યમાં દુનિયાનો તેલ વેપાર ઇઝરાયલના માધ્યમથી થાય તેવો બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, યુએસ આ કટોકટીનો ઉપયોગ કરીને રશિયા જેવા પોતાના કટ્ટર હરીફોના તેલ વેપારને આર્થિક રીતે તોડી પાડવા માંગે છે. યુક્રેન સંઘર્ષ દ્વારા રશિયન તેલ પુરવઠાને પહેલેથી જ અસર પહોંચાડવામાં આવી રહી છે, અને હવે અમેરિકા પોતાના તેલ માટે યુરોપ અને એશિયામાં નવા ગ્રાહકો ઝડપથી શોધી રહ્યું છે.
હોર્મુઝ વગર કેવી રીતે થશે તેલનો વેપાર? નવો નકશો તૈયાર!
UAE ની ADCOP પાઇપલાઇન: આ પાઇપલાઇનને સાઉદી અરેબિયાની પૂર્વ-પશ્ચિમ (East-West) મુખ્ય પાઇપલાઇન સાથે જોડવામાં આવી શકે છે.
કતારનું જોડાણ: કતારના ગેસ અને તેલ નેટવર્કને પણ સાઉદી અરેબિયાના પાઇપલાઇન ગ્રીડ સાથે સાંકળી લેવાની યોજના છે.
આ વૈકલ્પિક માર્ગો સીધા લાલ સમુદ્ર (Red Sea) અથવા ઓમાનના અખાત તરફ ખુલશે, જેથી જહાજોને હોર્મુઝની જોખમી ખાડીમાં જવાની જરૂર જ નહીં પડે.