બેંક FD કે મ્યુચ્યુઅલ ફંડ? સુરક્ષિત માસિક આવક માટે કેમ ઉત્તમ છે પોસ્ટ ઓફિસની MIS સ્કીમ?
શેરબજારમાં જોવા મળતી સતત અસ્થિરતા અને જોખમો વચ્ચે ભારતીય રોકાણકારો ફરી એકવાર સુરક્ષિત અને નિશ્ચિત વળતર આપતા રોકાણના વિકલ્પો તરફ વળી રહ્યા છે. ખાસ કરીને નિવૃત્ત થયેલા વરિષ્ઠ નાગરિકો કે જેઓ પોતાના જીવનભરની મૂડી પર કોઈ જોખમ લેવા માગતા નથી, તેમના માટે પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના (POMIS) એક ઉત્તમ અને ભરોસાપાત્ર માધ્યમ બનીને સામે આવી છે.
છેલ્લા કેટલાક સમયથી શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં જોવા મળતી ભારે વધઘટને કારણે નાના અને મધ્યમ વર્ગના રોકાણકારો ચિંતામાં મૂકાયા છે. જે લોકો નિવૃત્તિ પછી અથવા પોતાની જમાપૂંજી પર વ્યાજની નિયમિત આવક પર નિર્ભર છે, તેમના માટે સુરક્ષિત જગ્યાએ રોકાણ કરવું સૌથી મહત્ત્વનું બની જાય છે. આવી સ્થિતિમાં ભારત સરકાર દ્વારા સમર્થિત પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (Post Office Monthly Income Scheme – POMIS) રોકાણકારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
આ યોજના હેઠળ રોકાણકારો પોતાની થાપણ પર બજારના જોખમોથી મુક્ત રહીને દર મહિને એક ચોક્કસ રકમ આવક તરીકે મેળવી શકે છે.

શું છે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (POMIS)?
પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક અત્યંત લોકપ્રિય અને સુરક્ષિત નાની બચત યોજના છે. આ સ્કીમનો મુખ્ય ઉદ્દેશ્ય રોકાણકારોને તેમની જમા રકમ પર દર મહિને ગેરંટીડ આવક પૂરી પાડવાનો છે. હાલમાં સરકાર આ યોજના પર વાર્ષિક ૭.૪ ટકાના દરે આકર્ષક વ્યાજ ઓફર કરી રહી છે. ખાસ કરીને સીનિયર સિટિઝન્સ અને ગેરંટીડ રિટર્ન ઈચ્છતા સુરક્ષાપ્રિય રોકાણકારોમાં આ યોજના ખૂબ જ લોકપ્રિય છે.
રોકાણની મર્યાદા અને વ્યાજની ગણતરી
પોસ્ટ ઓફિસના નિયમો મુજબ, આ યોજના હેઠળ સિંગલ એકાઉન્ટ (એકલા વ્યક્તિના નામે) માં મહત્તમ ₹૯ લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. જ્યારે સંયુક્ત ખાતામાં (Joint Account) રોકાણની મર્યાદા ₹૧૫ લાખ સુધીની છે.
જો કોઈ પતિ-પત્ની અથવા બે વ્યક્તિઓ મળીને સંયુક્ત ખાતું ખોલાવે છે અને તેમાં ₹૧૫ લાખની મહત્તમ રકમ જમા કરાવે છે, તો ૭.૪ ટકાના વર્તમાન વ્યાજ દર મુજબ તેમને વાર્ષિક ₹૧,૧૧,૦૦૦ નું કુલ વ્યાજ મળે છે. આ વાર્ષિક વ્યાજને ૧૨ મહિનામાં વિભાજિત કરવામાં આવે તો રોકાણકારને દર મહિને બરાબર ₹૯,૨૫૦ ની ગેરંટીકૃત આવક સીધી તેમના બેંક કે પોસ્ટ ઓફિસ ખાતામાં મળી રહે છે.

૫ વર્ષમાં મળશે ₹૫.૫૫ લાખનું વ્યાજ
આ યોજનાની કુલ મુદત ૫ વર્ષની છે. જો રોકાણકાર ૫ વર્ષ સુધી આ યોજનામાં પોતાના ₹૧૫ લાખ જાળવી રાખે છે, તો દર મહિને મળતા ₹૯,૨૫૦ લેખે ૬૦ મહિનામાં તેમને કુલ ₹૫,૫૫,૦૦૦ ની રકમ માત્ર વ્યાજ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. મુદત પૂરી થયા બાદ મૂળ રોકાણની ₹૧૫ લાખની રકમ પણ સંપૂર્ણપણે સુરક્ષિત પાછી મળી જાય છે.
ખાતું અકાળે બંધ કરવા (Pree-mature Closure) ના નિયમો
પોસ્ટ ઓફિસ MIS માં રોકાણ કરતા પહેલાં તેના સમયપત્રક અને દંડના નિયમો જાણવા જરૂરી છે. આ એકાઉન્ટ ખોલાવ્યાના એક વર્ષ સુધી તેને બંધ કરી શકાતું નથી.
જો ખાતું ખોલાવ્યાના ૧ વર્ષથી ૩ વર્ષની વચ્ચે બંધ કરવામાં આવે, તો તમારી મૂળ થાપણ રકમમાંથી ૨ ટકા દંડ તરીકે કાપી લેવામાં આવે છે. જ્યારે ૩ વર્ષથી ૫ વર્ષની વચ્ચે ખાતું બંધ કરાવવા પર મૂળ રકમમાંથી ૧ ટકો રકમ કાપીને બાકીના પૈસા પરત કરવામાં આવે છે. ૫ વર્ષ પૂરા થવા પર કોઈ કપાત વગર પૂરેપૂરી રકમ પાછી મળે છે.
ટેક્સના નિયમો અને TDS
ટેક્સની દ્રષ્ટિએ જોઈએ તો, પોસ્ટ ઓફિસ MIS માં કરવામાં આવેલું રોકાણ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કરમુક્તિ માટે પાત્ર નથી. આ યોજનામાંથી દર મહિને મળતું વ્યાજ રોકાણકારની વાર્ષિક આવકમાં ઉમેરાય છે અને તેમની આવકવેરાની સ્લેબ મુજબ તેના પર કર લાગુ પડે છે. જો કે, રોકાણકારો માટે મોટી રાહત એ છે કે પોસ્ટ ઓફિસ વ્યાજની ચૂકવણી કરતી વખતે સીધો TDS (Tax Deducted at Source) કાપતી નથી.
સરકારી સિક્યોરિટી અને શૂન્ય જોખમ સાથે દર મહિને સ્થિર કમાણી કરવા માંગતા લોકો માટે પોસ્ટ ઓફિસની આ માસિક આવક યોજના એક આદર્શ અને વિશ્વાસપાત્ર માધ્યમ છે.