સુરત પોલીસનું “નો ડ્રગ્સ ઇન સુરત સિટી” અભિયાન: પુણા વિસ્તારમાંથી 64.53 ગ્રામ MD ડ્રગ્સ સાથે યુવક ઝબ્બે, ક્રાઈમ બ્રાન્ચે રૂ. 1.93 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
સુરત શહેરને નશા મુક્ત કરવા માટે સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ખાસ “નો ડ્રગ્સ ઇન સુરત સિટી” અભિયાનને વધુ એક મોટી સફળતા સાંપડી છે. શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવાની દિશામાં સુરત ક્રાઈમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરતા પુણા વિસ્તારમાંથી કરોડોના ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા એક શખ્સની રંગેહાથ ધરપકડ કરી લીધી છે. નશાના કાળા કારોબાર સામે ક્રાઈમ બ્રાન્ચે આદરેલી આ લડાઈથી શહેરમાં ડ્રગ્સ સપ્લાય કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
મળેલી ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે પુણા વિસ્તારમાં એક વિશેષ વોચ ગોઠવી હતી. આ દરોડા દરમિયાન પોલીસે મીઠીખાડી, લિંબાયત ખાતે રહેતા યુનુસ શેખ નામના શખ્સને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો. પોલીસે જ્યારે આરોપીની કડક તલાશી લીધી, ત્યારે તેની પાસેથી 64.53 ગ્રામ હાઈ-ક્વોલિટી એમડી (MD) ડ્રગ્સ નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી ડ્રગ્સ, રોકડ રકમ અને અન્ય સામગ્રી મળીને કુલ રૂપિયા 1.93 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આરોપી યુનુસ શેખની પ્રાથમિક પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે આ એમડી ડ્રગ્સનો જથ્થો સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા એક શખ્સ પાસેથી ખરીદ્યો હતો. તે આ ડ્રગ્સને સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં નાના-નાના પડીકા બનાવીને છૂટક ભાવે યુવાનોને વેચવાની પેરવીમાં હતો. તે ડ્રગ્સ ગ્રાહકો સુધી પહોંચાડે તે પહેલાં જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને તેના મનસુબા પર પાણી ફેરવી દીધું હતું.
પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને સરથાણા ખાતેથી ડ્રગ્સનો જથ્થો આપનાર મૂળ સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેની શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાંત, આ ડ્રગ્સ નેટવર્કના તાર ક્યાં-ક્યાં જોડાયેલા છે, આ સિન્ડિકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે, અને બહારના કયા શહેરો કે રાજ્યોમાંથી આ નશીલા પદાર્થો સુરતમાં ઘૂસાડવામાં આવી રહ્યા છે તે તમામ દિશાઓમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે.
શહેરમાં યુવાધનને બરબાદ કરતા નશાના કારોબારને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે સુરત પોલીસ કટિબદ્ધ છે. “નો ડ્રગ્સ ઇન સુરત સિટી” ઝુંબેશ હેઠળ આગામી દિવસોમાં પણ આવા અસામાજિક તત્વો સામે વધુ કડક અને આકરા પગલાં લેવામાં આવશે તેમ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હાલમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપી સામે કાયદેસરનો ગુનો નોંધીને આગળની કાનૂની કાર્યવાહી તેજ કરી દીધી છે.