સુરતમાં સતીશ મરાઠા હત્યાકાંડ: મુખ્ય સૂત્રધાર રાહુલ મંડલનો લાજપોર જેલમાંથી કબ્જો મેળવાયો, જેલમાંથી રચાયું હતું ખૂની કાવતરું
સુરત શહેરના ચકચારી અને ભારે સળગતા સતીશ મરાઠા હત્યા કેસમાં ભેસ્તાન પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ બહુચર્ચિત ગંભીર ગુનામાં પોલીસે મુખ્ય સૂત્રધાર અને માસ્ટરમાઇન્ડ રાહુલ મંડલનો કબ્જો મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાહુલ મંડલ અગાઉથી જ અન્ય ગુનામાં લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ હતો. ભેસ્તાન પોલીસે અદાલતમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવીને તેનો જેલમાંથી કબ્જો મેળવ્યો છે અને આ સનસનાટીભર્યા હત્યાકાંડના તમામ પાસાઓ પર ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી રાહુલ મંડલે જેલની ચાર દીવાલો વચ્ચે બેઠા બેઠા જ સતીશ મરાઠાની હત્યાનું આખું કાવતરું રચ્યું હતું. જેલમાં હોવા છતાં તેણે બહાર સક્રિય પોતાના સાગરીતો જેવા કે કેતન ઉર્ફે સન્ની, રાહુલ આર. કે. અને આકાશ બટકા સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો હતો. આ સાગરીતો સાથે મળીને તેણે સતીશ મરાઠાને રસ્તામાંથી હટાવવા માટેનું આયોજનબદ્ધ પ્લાનિંગ ઘડી કાઢ્યું હતું. ભેસ્તાન પોલીસ હાલ રાહુલ મંડલ પાસે હત્યામાં વપરાયેલાં ઘાતક હથિયારો, કાર કે મોટરસાઇકલ જેવાં વાહનોની વ્યવસ્થા કોણે કરી અને ક્યાંથી કરવામાં આવી તે તમામ બાબતે સઘન પૂછપરછ કરી રહી છે. આ ઉપરાંત આ ગુનાહિત કાવતરામાં અન્ય કોઈ બહારના શખ્સો કે મદદગારોની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે.

આ સમગ્ર હત્યાકાંડમાં પોલીસ તપાસ દરમિયાન વધુ એક મહત્વની વિગત સામે આવી છે. ઘટના સ્થળે આરોપીઓ દ્વારા ત્રણ રાઉન્ડ એર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરણ ઉર્ફે પુદ્દુલ હીરામણી રાજેન્દ્ર દુબે નામના આરોપીએ કર્યું હોવાનું સ્પષ્ટ થયું છે. જોકે, નવાઈની વાત એ છે કે આ ત્રણેય રાઉન્ડ ગોળીબાર સતીશ મરાઠા પર સીધો કરવામાં આવ્યો ન હતો, પરંતુ જમીન પર પાણીમાં કરવામાં આવ્યો હતો. આરોપીઓએ સતીશ પર સીધો ગોળીબાર કરવાને બદલે જમીન પર પાણીમાં ફાયરિંગ કેમ કર્યું તે પ્રશ્ન હજુ પોલીસ માટે રહસ્ય બનેલો છે. દહેશત ફેલાવવા માટે કે પછી અન્ય કોઈ ચોક્કસ કારણસર આ ફાયરિંગ કરાયું હતું તે સત્ય બહાર લાવવા ભેસ્તાન પોલીસે પૂછપરછનો દોર શરુ કર્યો છે.
આ બહુચર્ચિત કેસમાં રિંકુસિંઘ નામના શખ્સની ભૂમિકા અંગે પણ અનેક અટકળો વહી રહી છે. હાલના તબક્કે રિંકુસિંઘની ભૂમિકા સંપૂર્ણપણે અસ્પષ્ટ છે. તે આ કાવતરામાં સીધી રીતે સામેલ હતો કે માત્ર પરોક્ષ મદદગાર હતો, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, મુખ્ય સૂત્રધાર રાહુલ મંડલની પૂછપરછ પૂર્ણ થયા બાદ અને પુરાવાઓ એકત્ર થયા પછી પોલીસ જ રિંકુસિંઘની ભૂમિકા અંગે સત્તાવાર ફોડ પાડશે.
ઉલ્લેખનીય છે કે આ ચકચારી હત્યાકાંડમાં અંદાજિત નવ જેટલા આરોપીઓએ ભેગા મળીને અત્યંત નિર્મમ રીતે ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટના સમયે વાયરલ થયેલો લાઇવ વિડિયો સોશિયલ મીડિયા પર સામે આવતાં જ આખા શહેરમાં ભય અને અરેરાટીનો માહોલ સર્જાયો હતો. વીડિયોમાં આરોપીઓનો ખૂની ખેલ સ્પષ્ટ દેખાતો હતો, જેના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરીને ઝડપી પાડવાની કામગીરી તેજ કરી હતી.