વાપી રેલવે સ્ટેશને માનવતા મહેકી: વરસાદમાં ફસાયેલા મુસાફરો માટે દેવદૂત બન્યું જમિયત ઉલમા-એ-વાપી ટ્રસ્ટ!
વાપી: ભારે વરસાદના કારણે વાપી રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરો અટવાઈ જતાં જમિયત ઉલમા-એ-વાપી ટ્રસ્ટ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના કાર્યકરો દ્વારા સમયસર સ્ટેશન પર પહોંચીને મુસાફરોને ભોજન અને પીવાના પાણીનું સતત વિતરણ કરવામાં આવ્યું. અંદાજે એક હજારથી વધુ મુસાફરોને ભોજન અને પાણીની વ્યવસ્થા કરી રાહત પહોંચાડવામાં આવી હતી.

આ સમગ્ર સેવા કાર્યમાં જમિયત ઉલમા-એ-વાપી ટ્રસ્ટના આગેવાન ઇંતેખાબ ખાન સહિત ટ્રસ્ટના તમામ સભ્યોએ સક્રિય ભૂમિકા ભજવી હતી. ભારે વરસાદ અને પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે પણ સેવાભાવી કાર્યકરોએ સતત હાજર રહી મુસાફરોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપી હતી. લાંબા સમયથી સ્ટેશન પર ફસાયેલા મુસાફરોને આ સેવા કાર્યથી મોટી રાહત મળી હતી.
જમિયત ઉલમા-એ-વાપી ટ્રસ્ટ સમાજસેવાના વિવિધ કાર્યો માટે વાપી અને આસપાસના વિસ્તારમાં ઓળખ ધરાવે છે. ટ્રસ્ટના સભ્યો કોઈપણ આપત્તિ, અકસ્માત કે મુશ્કેલીના સમયે માનવસેવાના કાર્યોમાં હંમેશા આગળ રહે છે. ખાસ કરીને કુદરતી આપત્તિના સમયમાં જરૂરિયાતમંદ લોકો સુધી તાત્કાલિક મદદ પહોંચાડવાનું કાર્ય સતત કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા લગભગ 30 વર્ષથી જમિયત ઉલમા-એ-વાપી ટ્રસ્ટ દ્વારા વાપી રેલવે સ્ટેશન સહિત અન્ય સ્થળોએ લાવારિસ મૃતદેહોની માહિતી મળતાં જ પોતાની એમ્બ્યુલન્સ સાથે સ્થળ પર પહોંચી માનવતાના ધોરણે સેવા આપવામાં આવે છે. મૃતકનો કોઈ ધર્મ કે જાતિનો ભેદભાવ રાખ્યા વિના સંબંધિત ધાર્મિક પરંપરા મુજબ દફનવિધિ અથવા અંતિમ સંસ્કાર કરવાની કામગીરી પણ ટ્રસ્ટ દ્વારા નિઃસ્વાર્થભાવથી કરવામાં આવે છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, જમિયત ઉલમા-એ-વાપી ટ્રસ્ટ વર્ષોથી નિઃસ્વાર્થ સમાજસેવાનું કાર્ય કરી રહ્યું છે અને જરૂરિયાતના સમયે માનવતાને સર્વોપરી માની સેવા આપવાની તેની પરંપરા આજે પણ યથાવત્ જળવાઈ રહી છે. ભારે વરસાદ દરમિયાન મુસાફરોને આપવામાં આવેલી આ સેવા પણ માનવતા અને સામાજિક જવાબદારીનું એક પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.