હવે નાગરિકતા સાબિત કરવા માટે પાસપોર્ટ કામ નહીં આવે? કેન્દ્ર સરકારે સંસદમાં રાતોરાત બદલી નાખ્યા ગણિત!
ભારતમાં પાસપોર્ટને અત્યાર સુધી આપણે સૌ ભારતીય હોવાની સૌથી મજબૂત ઓળખ માનતા આવ્યા છીએ. પરંતુ કેન્દ્ર સરકારે તાજેતરમાં સંસદમાં એક અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે, જેનાથી દેશના કરોડો લોકોની જૂની માન્યતા બદલાઈ ગઈ છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય પાસપોર્ટ હોવો અને દેશની નાગરિકતા (Citizenship) હોવી – આ બંને વચ્ચે કાનૂની રીતે મોટો તફાવત છે. પાસપોર્ટ ધારક ભારતીય છે કે નહીં તેની ખાતરી કર્યા પછી જ આપવામાં આવે છે, પરંતુ આ દસ્તાવેજનો પ્રાથમિક અને મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટેનો છે, નાગરિકતાના એકમાત્ર આખરી પુરાવા તરીકેનો નથી.

રાજ્યસભામાં સાંસદે પૂછ્યો હતો સવાલ
આ સમગ્ર મામલો રાજ્યસભામાં સંસદ સભ્ય (MP) અબ્દુલ વહાબ દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નથી સામે આવ્યો હતો. તેમણે સરકાર સમક્ષ ત્રણ મુખ્ય મુદ્દાઓ પર જવાબ માગ્યો હતો:
૧. શું ભારતીય પાસપોર્ટને નાગરિકતાના આખરી અને અંતિમ પુરાવા તરીકે ગણી શકાય?
૨. પાસપોર્ટ મેળવવા માટેના મુખ્ય માપદંડો કયા છે?
૩. જો કોઈ ભારતીય નાગરિક વિદેશની નાગરિકતા સ્વીકારે તો તેનાથી શું ફેર પડે છે?
આ પ્રશ્નનો લેખિત જવાબ આપતાં વિદેશ મંત્રાલયના રાજ્ય મંત્રી (MoS for External Affairs) કીર્તિ વર્ધન સિંહે સરકારનો સત્તાવાર પક્ષ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પાસપોર્ટ આપવા માટે એક ચોક્કસ ચકાસણી પ્રક્રિયા (Verification Process) હોય છે, પરંતુ તે નાગરિકતાનો સ્વતંત્ર પ્રમાણપત્ર નથી.
પાસપોર્ટ એક્ટ, ૧૯૬૭ શું કહે છે?
વિદેશ મંત્રી કીર્તિ વર્ધન સિંહે રાજ્યસભામાં ખુલાસો કરતા જણાવ્યું કે, ભારતીય પાસપોર્ટ એ ‘પાસપોર્ટ એક્ટ, ૧૯૬૭’ હેઠળ ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવતો એક સત્તાવાર પ્રવાસ દસ્તાવેજ (Travel Document) છે.
તેમણે ઉમેર્યું હતું કે, “આ દસ્તાવેજનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય નાગરિકોના વિદેશ ગમન અને પ્રવાસનું નિયમન કરવાનો છે. નિયમો અનુસાર સ્થાપિત કરાયેલી ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ યોગ્ય ઉમેદવારને પાસપોર્ટ ફાળવવામાં આવે છે.”
જોકે, સરકારે પોતાના જવાબમાં ક્યાંય એવું સ્પષ્ટ નહોતું કહ્યું કે પાસપોર્ટ પોતાની જાતે જ નાગરિકતાનો બિનશરતી કે આખરી પુરાવો બની જાય છે. કાયદા મુજબ પાસપોર્ટ મેળવવા માટે ભારતીય નાગરિક હોવું એ એક પ્રાથમિક શરત (Prerequisite) છે, અને જો અરજદાર ભારતીય નાગરિક ન હોય તો સત્તાવાળાઓને પાસપોર્ટ આપવાનો ઇનકાર કરવાનો પૂરો અધિકાર છે. પરંતુ, તે માત્ર મુસાફરી કરવા માટેનો પરવાનો છે, નાગરિકતા સાબિત કરવાનું સર્ટિફિકેટ નહીં.

ભારતમાં ડ્યુઅલ સિટિઝનશિપ (બેવડી નાગરિકતા) નો નિયમ નથી
આ જ પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે વિદેશી નાગરિકતા સ્વીકારનારા ભારતીયો માટે પણ સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. સરકારે પુનરોચ્ચાર કર્યો કે ભારતીય બંધારણ અને કાયદો કોઈ પણ સંજોગોમાં બેવડી નાગરિકતા (Dual Citizenship) ને મંજૂરી આપતો નથી.
વિદેશ મંત્રીએ બંધારણીય જોગવાઈઓનો હવાલો આપતાં કહ્યું કે, “ભારતના બંધારણની કલમ ૯ અને ૧૧, તેમજ ‘નાગરિકતા અધિનિયમ, ૧૯૫૫’ (Citizenship Act, 1955) ની કલમ ૯ મુજબ ભારતમાં ડ્યુઅલ સિટિઝનશિપનો કોઈ જ અવકાશ નથી.”
આ કાયદાકીય જોગવાઈ અનુસાર, જ્યારે પણ કોઈ ભારતીય નાગરિક સ્વેચ્છાએ અન્ય કોઈ દેશની નાગરિકતા સ્વીકારે છે, ત્યારે તેની ભારતીય નાગરિકતા આપોઆપ રદ થઈ જાય છે. આવી સ્થિતિમાં તે વ્યક્તિએ પોતાનો ભારતીય પાસપોર્ટ તરત જ સરકાર સમક્ષ સરેન્ડર (જમા) કરવાનો રહે છે, કારણ કે નાગરિકતા બદલાતાં જ તે પાસપોર્ટ કાનૂની રીતે અમાન્ય (Invalid) બની જાય છે.
વિદેશ મંત્રાલય (MEA) નું અગાઉનું વલણ પણ આ જ રહ્યું છે
સંસદમાં રજૂ કરવામાં આવેલો આ જવાબ વિદેશ મંત્રાલયની જૂની અને પ્રસ્થાપિત નીતિને જ સુસંગત છે. આ અગાઉ પણ વિદેશ મંત્રાલયે અનેક વખત સ્પષ્ટ કર્યું છે કે પાસપોર્ટ એ માત્ર નાગરિકોને વિદેશ પ્રવાસની સુવિધા આપવા માટેનું એક માધ્યમ છે અને તેને સ્વતંત્ર નાગરિકતા પ્રમાણપત્ર તરીકે વાપરી શકાય નહીં.
અગાઉ વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જેસ્વાલે પણ આ જ વાત દોહરાવતા કહ્યું હતું કે, “ઈન્ડિયન પાસપોર્ટ એ પાસપોર્ટ એક્ટ ૧૯૬૭ અંતર્ગત જારી કરાતો એવો દસ્તાવેજ છે જે માત્ર ભારતમાંથી ભારતીય નાગરિકોની બહાર જવાની પ્રક્રિયાને નિયંત્રિત અને સુવ્યવસ્થિત કરવા માટે જ બનાવવામાં આવ્યો છે.”
સામાન્ય નાગરિકો માટે આ ચુકાદા/ખુલાસાનું શું મહત્વ છે?
આજના સમયમાં જ્યારે દેશમાં રાષ્ટ્રીયતા, નાગરિકતા અને વિવિધ સરકારી ઓળખપત્રો (જેવા કે વોટર આઈડી, રેશન કાર્ડ વગેરે) ને લઈને વ્યાપક ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે સરકારની આ સ્પષ્ટતા ખૂબ મહત્વની બની રહે છે.
સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે જો તેમની પાસે ભારતીય પાસપોર્ટ છે, તો તેમને નાગરિકતા માટે અન્ય કોઈ પુરાવાની જરૂર નથી. પરંતુ કાનૂની દ્રષ્ટિએ પાસપોર્ટ એ માત્ર તમારી પ્રવાસ કરવાની પાત્રતા દર્શાવે છે. જો ભવિષ્યમાં કોઈ વ્યક્તિની નાગરિકતા સામે કાનૂની સવાલો ઊભા થાય, તો માત્ર પાસપોર્ટ બતાવીને તે છટકી શકતી નથી; તેણે નાગરિકતા કાયદા હેઠળ યોગ્ય આધાર-પુરાવા જ રજૂ કરવા પડશે.