E20 બળતણ નીતિ સામે કેજરીવાલનો મોટો મોરચો: ‘જેલથી ન ડરનારા ૧૦૦ લોકો’ સાથે ૪ ઓગસ્ટે પીએમ આવાસ તરફ કૂચની જાહેરાત
૨ લાખથી વધુ નાગરિકોની સહી વાળી અરજી સાથે કેજરીવાલ મોદી સરકાર સમક્ષ ૩ મુખ્ય માંગણીઓ મુકશે; બીજી તરફ મંત્રાલયે તમામ આક્ષેપોને ભ્રામક ગણાવ્યા.
દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારની ફરજિયાત E20 ઇંધણ-મિશ્રણ (Ethanol Blending) નીતિ સામે પોતાની ઝુંબેશને વધુ તીવ્ર બનાવી દીધી છે. દિલ્હીમાં યોજાયેલા એક ટાઉનહોલ કાર્યક્રમ દરમિયાન કેજરીવાલે જાહેરાત કરી હતી કે તેઓ ૪ ઓગસ્ટના રોજ બપોરે ૧૨ વાગ્યે નવી દિલ્હી સ્થિત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન તરફ કૂચ કરશે. આ વિરોધ કૂચ દરમિયાન તેઓ કેન્દ્રની ઇંધણ નીતિમાં ફેરફાર કરવાની માંગ સાથે ૨ લાખથી વધુ નાગરિકો દ્વારા ડિજિટલી હસ્તાક્ષર કરાયેલી અરજી પીએમ સુધી પહોંચાડશે.
આ જાહેરાત સાથે જ આમ આદમી પાર્ટી અને કેન્દ્ર સરકાર વચ્ચે ઇંધણ નીતિને લઈને ચાલી રહેલો વિવાદ વ્યાપક રાજકીય રૂપ ધારણ કરી રહ્યો છે.

‘જેલ અને લાઠીથી ન ડરનારા ૧૦૦ સાથીઓ’
નવી દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબની બહાર આયોજિત ટાઉનહોલમાં જનમેદનીને સંબોધિત કરતા કેજરીવાલે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આ વિરોધ પ્રદર્શન માટે કોઈ વિશાળ ભીડ એકઠી કરવા માંગતા નથી, પરંતુ નિર્ધારિત કાર્યકરો સાથે જશે.
“અગાઉ મેં દેશના નાગરિકોને વડા પ્રધાનને સંબોધિત એક અરજી પર સહી કરવા વિનંતી કરી હતી. અત્યાર સુધીમાં ૨,૦૦,૦૦૦ થી વધુ લોકોએ તેના પર ઓનલાઈન હસ્તાક્ષર કર્યા છે અને મેં તે તમામ સહીઓની પ્રિન્ટઆઉટ લઈ લીધી છે. ૪ તારીખે, મંગળવારે બપોરે ૧૨:૦૦ વાગ્યે, હું આ અરજી વ્યક્તિગત રીતે વડા પ્રધાન નિવાસસ્થાને સોંપવા જઈશ,” તેમણે ઉમેર્યું.
પોતાના સંબોધનમાં આગળ બોલતા કેજરીવાલે કહ્યું:
“અમારે આ કૂચ માટે લાખો લોકોની ભીડ સાથે જવાની જરૂર નથી.”
“હું મારી સાથે માત્ર ૧૦૦ એવા લોકોને લઈ જઈશ જેઓ પોલીસના ડંડાથી કે જેલ જવાથી ડરતા નથી.”
“જે લોકો આ સત્યાગ્રહમાં જોડાવા માંગતા હોય તેમણે મને મેસેજ કરવો અથવા ટેગ કરવો. અમે ૧૦૦ લોકો વડા પ્રધાન આવાસ તરફ આગળ વધીશું અને પછી જોઈશું કે આગળ શું થાય છે.”
मेरी देश के लोगों की तरफ से सरकार से 3 मांगें हैं..
1) पेट्रोल पंप पर E20 और प्योर पेट्रोल का ऑप्शन होना चाहिए
2) प्योर पेट्रोल से E20 सस्ता होना चाहिए
3) पेट्रोल का दाम 84 रुपए/लीटर से कम होना चाहिए pic.twitter.com/ukbfNVDwVQ
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 1, 2026
કેજરીવાલની ૩ મુખ્ય માંગણીઓ અને જનતાને અપીલ
પસંદગીનો અધિકાર: દરેક પેટ્રોલ પંપ પર ગ્રાહકોને E20 ઇંધણ અને શુદ્ધ (Pure) પેટ્રોલ વચ્ચે મુક્ત રીતે પસંદગી કરવાનો વિકલ્પ મળવો જોઈએ.
કિંમતમાં વ્યાજબી તફાવત: ઇથેનોલ મિશ્રિત E20 ઇંધણ શુદ્ધ પેટ્રોલ કરતાં નોંધપાત્ર રીતે સસ્તું બનાવવામાં આવે.
કિંમત મર્યાદા: સામાન્ય જનતા પરનો આર્થિક બોજ ઘટાડવા માટે પેટ્રોલની કિંમત પ્રતિ લિટર ₹84 થી નીચે નક્કી કરવામાં આવે.
આ ઉપરાંત, કેજરીવાલે વાહનચાલકો અને સામાન્ય નાગરિકોને એક વિશેષ અપીલ પણ કરી હતી. તેમણે લોકોને વિનંતી કરી કે જ્યાં સુધી ભારતીય ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી સંપૂર્ણપણે E100 (100% ઇથેનોલ) થી ચાલતા વાહનોનું ઉત્પાદન શરૂ ન કરે, ત્યાં સુધી લોકોએ નવા પેટ્રોલ કે ડીઝલ વાહનો ખરીદવાથી દૂર રહેવું જોઈએ.
E20 ઇંધણ અંગેનો વિવાદ અને AAPના આક્ષેપો
આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાક સમયથી કેન્દ્રની ઇથેનોલ મિશ્રણ નીતિ સામે સતત આક્રમક વલણ અપનાવી રહી છે. આપનો આરોપ છે કે E20 પેટ્રોલના કારણે દેશના કરોડો વાહન માલિકો હેરાન થઈ રહ્યા છે. પેટ્રોલ સાથે ઇથેનોલનું ૨૦ ટકા મિશ્રણ કરવાથી જૂના તેમજ નવા વાહનોના એન્જિનને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે અને ઇંધણની કાર્યક્ષમતા (માઇલેજ) ઘટી રહી છે.
मेरी देश के लोगों से अपील है कि पेट्रोल और डीज़ल की गाड़ियां खरीदना बंद कर दें। जब तक देश में E100 की गाड़ियां बनना शुरू न हो जाएं, गाड़ी न खरीदें। यह सरकार आपको बर्बाद कर देगी। pic.twitter.com/FwzJVRnnnw
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 1, 2026
કેજરીવાલે કેન્દ્રીય મંત્રીઓ અને મંત્રાલયો દ્વારા આપવામાં આવતા નિવેદનો પર સવાલ ઉઠાવતા કહ્યું:
“એક તરફ તેઓ કહે છે કે E20 સારું છે, તો બીજી તરફ કહે છે કે તે ખરાબ છે. એક મંત્રાલય કહે છે કે એન્જિન પર ૨ થી ૫ ટકાની અસર પડે છે, જ્યારે બીજું મંત્રાલય ૪ ટકા કહે છે. સરકારે આ અંગે કોઈ યોગ્ય અભ્યાસ કર્યો નથી; તેઓ ફક્ત લોકો પર નીતિ લાદી રહ્યા છે… વાહનોને નુકસાન થઈ રહ્યું છે અને માઇલેજ ઘટી રહી છે. સરકાર આ નીતિ કેમ જબરદસ્તી લાદી રહી છે? આમાં સરકારનો શો સ્વાર્થ છે?”
કેન્દ્ર સરકાર અને પેટ્રોલિયમ મંત્રાલય તરફથી પ્રતિભાવ
બીજી તરફ, કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે કેજરીવાલ અને AAP દ્વારા કરવામાં આવેલા તમામ દાવાઓને સખત શબ્દોમાં ફગાવી દીધા છે અને તેને “ભ્રામક અને તથ્યવિહીન” ગણાવ્યા છે.
મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે E20 ઇંધણ અમલમાં મૂકતા પહેલા વ્યાપક વૈજ્ઞાનિક ચકાસણી અને વાસ્તવિક પરિસ્થિતિઓમાં લાંબા ગાળાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે:
| વિગત | મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા આંકડા અને સ્પષ્ટતા |
| ચલણનો સમયગાળો | E15-પ્લસ ઇંધણ સાડા ત્રણ વર્ષથી વધુ અને E19-E20 ઇંધણ અઢી વર્ષથી વધુ સમયથી વપરાશમાં છે. |
| વાહનોની સંખ્યા | દેશભરમાં ૨૦ કરોડથી વધુ ટુ-વ્હીલર અને ૩ કરોડથી વધુ પેટ્રોલ કાર સફળતાપૂર્વક આ ઇંધણ પર ચાલી રહી છે. |
| એન્જિન નુકસાન | વ્યાપક ઉપયોગ બાદ પણ ઇંધણના કારણે એન્જિન નિષ્ફળ જવાનો કે મોટા પાયે નુકસાન થવાનો કોઈ પ્રમાણિત પુરાવો મળ્યો નથી. |