નકામી નોટો સળગાવાશે નહીં પરંતુ થશે રિસાયકલ: આરબીઆઈની ઈકો-ફ્રેન્ડલી ‘ક્લીન નોટ પોલિસી’
ભારતમાં પોલિમર એટલે કે પ્લાસ્ટિકની ચલણી નોટો રજૂ કરવા અંગેની ચર્ચાઓ અને ટ્રાયલ ઝડપથી આગળ વધી રહી છે. પ્રાથમિક તબક્કામાં રૂ. ૧૦ અને રૂ. ૨૦ ની પ્લાસ્ટિક નોટો માર્કેટમાં લાવવાની યોજના છે. આ નિર્ણય વચ્ચે સામાન્ય નાગરિકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે બજારમાં રહેલી જૂની કાગળની નોટોનું શું થશે?
હકીકતમાં, ભારતીય રિઝર્વ બેંક (RBI) ની ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ, ચલણમાંથી બહાર ફેંકાતી અથવા ફાટેલી-ગંદી નોટોને માત્ર ફેંકી દેવામાં કે સળગાવવામાં આવતી નથી, પરંતુ અત્યંત સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજી દ્વારા તેનો નાશ કરીને રિસાયકલ કરવામાં આવે છે.
ખરાબ અને નકલી નોટોની ઓળખ કેવી રીતે થાય છે?
જ્યારે કોઈ નાગરિક બેંકમાં જૂની, ફાટેલી કે મિલાવટી નોટો જમા કરાવે છે, ત્યારે વાણિજ્યિક બેંકો આ નોટો એકત્ર કરીને આરબીઆઈના ‘કરન્સી ચેસ્ટ’ માં મોકલે છે. અહીંથી આ નોટોને ‘કરન્સી વેરિફિકેશન એન્ડ પ્રોસેસિંગ સિસ્ટમ’ (CVPS) માં નાખવામાં આવે છે.
આ એક પૂર્ણપણે ઓટોમેટેડ મશીન સિસ્ટમ છે, જે પ્રતિ સેકન્ડ ૫૦ થી ૬૦ નોટોની ચકાસણી કરવાની ક્ષમતા ધરાવે છે. આ મશીન કાગળની ગુણવત્તા, વોટરમાર્ક અને સિક્યોરિટી થ્રેડના આધારે સાચી અને નકલી નોટનો ભેદ પારખે છે. નકલી નોટોને તાત્કાલિક અલગ કરીને જપ્ત કરાય છે, જ્યારે અનફિટ (ચલણ માટે અયોગ્ય) કાગળની નોટોને નાશ કરવા માટે માર્ક કરવામાં આવે છે.

હવે બાળવામાં નથી આવતી નોટો: કેમ બદલાઈ પદ્ધતિ?
ભૂતકાળમાં જૂની કે ક્ષતિગ્રસ્ત ચલણી નોટોનો નાશ કરવા માટે તેને ભઠ્ઠીઓમાં બાળી નાખવામાં આવતી હતી. પરંતુ તેનાથી થતા ભારે વાયુ પ્રદૂષણ અને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને ધ્યાનમાં રાખીને આરબીઆઈ દ્વારા આ પદ્ધતિ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.
હવે તેના સ્થાને અત્યાધુનિક ઔદ્યોગિક શ્રેડર (Shredder) મશીનોનો ઉપયોગ થાય છે. જ્યારે નોટો પોતાની આયુ પૂરી કરે છે, ત્યારે સીવીપીએસ સાથે જોડાયેલા મશીનો તેનું ‘માઇક્રો-શ્રેડિંગ’ કરે છે. એટલે કે નોટના અત્યંત બારીક અને તીક્ષ્ણ ટુકડા કરી દેવામાં આવે છે, જેથી તેને કોઈ પણ સંજોગોમાં ફરી ભેગી કરીને દુરુપયોગ ન કરી શકાય.
કચરામાંથી બ્લોક્સ અને બ્રિકેટ્સનું નિર્માણ
કાપેલા કાગળના બારીક ટુકડાઓને હવાની તાકાત (ન્યુમેટિક ટ્યુબ) દ્વારા ‘બ્રેકેટિંગ યુનિટ’ સુધી પહોંચાડવામાં આવે છે. અહીં કોઈ પણ ઝેરી કેમિકલ કે ગુંદરનો ઉપયોગ કર્યા વગર, શક્તિશાળી હાઇડ્રોલિક પ્રેસ મશીન દ્વારા આ ટુકડાઓને દબાવીને નાની ઇંટો અથવા સિલિન્ડર આકારના સખત બ્લોક્સ (Briquettes) માં ફેરવી દેવામાં આવે છે.
આરબીઆઈની તિજોરીમાંથી આ બ્લોક્સ બહાર નીકળે તે પહેલાં તેનું કડક વજન કરીને ચોક્કસ ડિજિટલ રેકોર્ડ રાખવામાં આવે છે, જેથી સુરક્ષામાં કોઈ ખામી ન રહે.

સ્ટેશનરી અને બોઈલર ફ્યુઅલમાં રિસાયક્લિંગ
નાશ પામેલી નોટોના આ સખત બ્લોક્સને ફેંકી દેવાને બદલે સેલ્યુલોઝ પલ્પમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ પલ્પને વર્જિન ફાઈબર સાથે ભેળવીને ઓફિસ ફાઈલ ફોલ્ડર્સ, ક્લિપબોર્ડ, કેલેન્ડર, ડાયરીઓ અને પેકેજિંગ મટીરીયલ બનાવવામાં આવે છે.
આ ઉપરાંત, આ બ્લોક્સનો ઉપયોગ કેટલાક પ્રમાણિત ઔદ્યોગિક એકમોમાં પર્યાવરણ-અનુકૂળ ‘બોઈલર ઈંધણ’ તરીકે પણ થાય છે.
શું આમાંથી RBI પણ કમાણી કરે છે?
હા, રિઝર્વ બેંક આ રિસાયકલ કરેલી સામગ્રીમાંથી પણ આવક મેળવે છે. કટકા થયેલી નોટોમાંથી બનેલા બ્રિકેટ્સને ઔપચારિક અને પારદર્શી ઈ-ટેન્ડર પ્રક્રિયા દ્વારા લાયક ઔદ્યોગિક ખરીદદારોને વેચવામાં આવે છે. આનાથી પર્યાવરણનું રક્ષણ પણ થાય છે, કચરાનો ઉત્પાદક ઉપયોગ થાય છે અને બેંકને નાણાકીય મૂલ્ય પણ પ્રાપ્ત થાય છે.