શું તમને ખબર છે? ગુજરાતમાં પૂરની આપત્તિ રોકવા માટે સેટેલાઇટ અને વાયરલેસ ટૅકનોલોજીનો ઉપયોગ થાય છે!
હવામાનમાં આવી રહેલા વૈશ્વિક પરિવર્તનના કારણે હવે ટૂંક સમયમાં જ અત્યંત મુસળધાર વરસાદ પડવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી બદલાતી અને પડકારજનક આબોહવામાં આપત્તિ વ્યવસ્થાપન માટે માત્ર પરંપરાગત રસ્તાઓ પૂરતા નથી, પરંતુ ટૅકનોલોજીનો ઉપયોગ કરવો એ સમયની માંગ અને પ્રાથમિકતા બની ગઈ છે. ગુજરાતમાં જળ સંપત્તિ વિભાગ અંતર્ગત ગાંધીનગર ખાતે કાર્યરત ‘સેન્ટ્રલ ફ્લડ કન્ટ્રોલ સેલ’ (CFCC) આ વાતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. આ એકમ દર્શાવે છે કે કેવી રીતે એન્જિનિયરિંગમાં નવીનતા, ડિજિટલ ગવર્નન્સ અને રિયલ-ટાઇમ સંકલન દ્વારા પૂરની પૂર્વ તૈયારીઓ અને જળ સંસાધનનું વ્યવસ્થાપન વધુ સુદ્રઢ બનાવી શકાય છે.
જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના માર્ગદર્શન હેઠળ, રાજ્યમાં ચોમાસા દરમિયાન પૂરની કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તથા ડેમો અને જળાશયોમાં પાણીની આવક-જાવક પર સતત દેખરેખ રાખવા માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ચોમાસા પૂર્વેની તૈયારીઓ અને ૨૪x૭ કાર્યરત કંટ્રોલ રૂમ
ચોમાસું શરૂ થાય તે પહેલાં જ સમગ્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અને સંબંધિત અધિકારીઓની ટેલિફોન ડિરેક્ટરી અદ્યતન (અપડેટ) કરી દેવામાં આવે છે. આ તમામ જરૂરી વિગતો ‘Reservoir Data Management System’ ના પોર્ટલ ([https://wrd-dam.gujarat.gov.in/index.php](https://wrd-dam.gujarat.gov.in/index.php)) પર નાગરિકો અને તંત્ર માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
દર વર્ષે ચોમાસા દરમિયાન, એટલે કે ૧ જૂનથી ૩૧ ઓક્ટોબર સુધી, ગાંધીનગર સ્થિત મધ્યસ્થ પૂર નિયંત્રણ એકમ અને રાજ્યના અન્ય ૧૨ પ્રાદેશિક પૂર નિયંત્રણ એકમો ચોવીસેય કલાક (૨૪x૭) ધમધમતા રહે છે.
૧૨ પ્રાદેશિક એકમો અને ૨૦૭ જળાશયોનું રિયલ-ટાઇમ મોનિટરિંગ
રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઝડપી સંચાલન માટે ૧૨ પ્રાદેશિક પૂર નિયંત્રણ એકમો કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં નીચે મુજબના શહેરોનો સમાવેશ થાય છે:
-
ઉકાઈ અને સુરત
-
દમણગંગા, વડોદરા અને નડિયાદ
-
ગોધરા, અમદાવાદ અને હિંમતનગર
-
વિસનગર, ભાવનગર, રાજકોટ અને ભુજ
આ તમામ એકમો દ્વારા સરદાર સરોવર સહિત રાજ્યના મુખ્ય ૨૦૭ જળાશયો પર સતત નજર રાખવામાં આવે છે. જેમાં ૧૮ મોટા, ૮૬ મધ્યમ અને ૧૦૩ નાના જળાશયોનો સમાવેશ થાય છે. અહીં જળાશયોની પાણીની સપાટી (વોટર લેવલ) તેમજ પાણીની આવક અને જાવકનું રિયલ-ટાઇમ મોનિટરિંગ થાય છે.
મોટા ડેમની વિગતો દર કલાકે મેળવવામાં આવે છે. આ ઉપરાંત, દરરોજ સવારે ૮:૦૦ કલાકે અને બપોરે ૪:૦૦ કલાકે તમામ ડેટા એકત્રિત કરીને એક સંયુક્ત અહેવાલ તૈયાર કરાય છે, જે ઉચ્ચ અધિકારીઓ અને સંબંધિત વિભાગોને તુરંત મોકલવામાં આવે છે.
સંચાર વ્યવસ્થા: હોટલાઈન, સેટેલાઈટ ફોન અને વાયરલેસ નેટવર્ક
પૂર જેવી કટોકટીની સ્થિતિમાં સંચાર વ્યવસ્થા (Communication Network) ખોરવાય નહીં તે માટે અત્યંત મજબૂત માળખું ઊભું કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ વોટર કમિશન (CWC) સાથે ઝડપી સંકલન માટે પ્રાદેશિક એકમોને ૧૨ ડેડિકેટેડ હોટલાઈન કનેક્શનથી જોડવામાં આવ્યા છે.
આ સિવાય:
-
૧૪ મુખ્ય જળાશયો ખાતે ખાસ સેટેલાઈટ ફોન પૂરા પાડવામાં આવ્યા છે.
-
ડેમ સાઇટ અને પ્રાદેશિક એકમો પર કુલ ૪૧૩ વાયરલેસ સેટ (૩૦૪ રાજ્ય સરકારના + ૧૦૯ CWC ના) કાર્યરત છે.
-
આ સાથે લેન્ડલાઇન અને મોબાઇલ સેવાઓનો સતત ઉપયોગ કરવામાં આવે છે.
CWC દ્વારા નર્મદા, તાપી, સાબરમતી, મહી, દમણગંગા, બનાસ અને શેત્રુંજી જેવી આંતર-રાજ્ય નદીઓના બેઝીન માટે ‘ઇનફ્લો અને ફ્લડ લેવલ ફોરકાસ્ટ’ (પાણીની આવક અને પૂરના સ્તરનું પૂર્વાનુમાન) મોકલવામાં આવે છે. આ માહિતીના આધારે ડેમમાં પાણીનો સંગ્રહ કરવો કે દરવાજા ખોલીને પાણી છોડવું તે અંગેના નિર્ણયો વિલંબ વગર લઈ શકાય છે.
જીઓસ્પેશિયલ સેલ અને તંત્ર વચ્ચે સચોટ સંકલન
ગાંધીનગરનું સેન્ટ્રલ સેલ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેચ૨ (SEOC) સાથે સતત સંપર્કમાં રહે છે, જેથી રાજ્ય અને જિલ્લા વહીવટી તંત્રને પૂરતી માહિતી મળતી રહે. દર મંગળવારે SEOC ખાતે યોજાતી ‘વેધર વોચ ગ્રુપ’ની બેઠકમાં તમામ જળાશયોની તાજી સ્થિતિ રજૂ કરવામાં આવે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા અપાતી ‘Nowcast’ (તાત્કાલિક હવામાન આગાહી) અને ‘Forecast’ તેમજ જળાશયોના વોર્નિંગ મેસેજ સંબંધિત ક્ષેત્રીય અધિકારીઓને તુરંત મોકલી દેવાય છે.
બીજી તરફ, ગાંધીનગર સ્થિત જીઓસ્પેશિયલ સેલ દ્વારા સિંચાઈ યોજનાઓના ડિજિટલ નકશાઓ અને પૂરના સંભવિત વિસ્તારો દર્શાવતા ઈન્ડિકેટિવ મેપ્સ તૈયાર કરાયા છે. આ મેપિંગના કારણે ચોમાસા દરમિયાન કયા નીચાણવાળા કે પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોનું સ્થાનાંતરણ કરવું પડશે તેની આગોતરી યોજના બનાવી શકાય છે.
૨૪ કલાક ખડેપગે રહેતી નિષ્ણાતોની ટીમ
કોઈપણ સિસ્ટમ માત્ર સાધનોથી નથી ચાલતી, પણ તેની પાછળ કામ કરતી ટીમ મહત્વની હોય છે. ગાંધીનગર સ્થિત મધ્યસ્થ એકમ અને SEOC ખાતે ત્રણ પાળીમાં નાયબ કાર્યપાલક ઈજનેર, મદદનીશ ઈજનેર તથા અન્ય સપોર્ટ સ્ટાફ ૨૪ કલાક રાઉન્ડ ધ ક્લોક ફરજ રિંગવે છે. આકસ્મિક સ્થિતિમાં સ્થળ પર પહોંચવા કે તાકીદના કામ માટે ૨૪ કલાક વાહનની સુવિધા પણ તૈયાર રાખવામાં આવી છે.