‘મારી બહેનને હવામાં ઉછાળેલી જોઈ, માણસના ચહેરા પર લોહી હતું’: એર ઇન્ડિયા ફુકેટ-દિલ્હી ફ્લાઇટમાં સર્જાયા ભયાનક દ્રશ્યો

4 Min Read

આકાશમાં જ મોતનો ખોફ! ફૂકેટથી દિલ્હી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટના મુસાફરોએ અનુભવ્યો ભયાનક મંજર

થાઇલેન્ડના ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મંગળવારે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. ઉડાન દરમિયાન વિમાન અચાનક ભારે ટર્બ્યુલન્સ (હવામાં ગંભીર આંચકા) નો ભોગ બન્યું હતું અને તેની ઊંચાઈમાં ઝડપી ફેરફાર થયો હતો. આ ભયાનક ઘટનામાં ઓછામાં ઓછા ૧૪ લોકો ઘાયલ થયા છે, જેમાં ૧૦ મુસાફરો અને બે ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. કેટલાક મુસાફરોને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમાં એક નાના બાળકનો પણ સમાવેશ થાય છે.

અચાનક વિમાન નીચે પટકાયું અને મુસાફરો છત સાથે અથડાયા

ફ્લાઇટ રડાર (flightradar24.com) ના ડેટા અનુસાર, Airbus A320 વિમાને (ફ્લાઇટ નંબર AI2379) સવારે ૮:૨૫ વાગ્યે ફુકેટથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. સવારે ૧૧:૦૦ વાગ્યે દિલ્હી ઉતરાણ કરવાના થોડા સમય પહેલા જ વિમાન અચાનક ઊંચાઈ ગુમાવી બેઠું હતું.

ફ્લાઇટમાં સવાર એક મુસાફરે તે ખૌફનાક મૌસમ અને મિનિટોને યાદ કરતા કહ્યું, “સવારની ફ્લાઇટ હોવાથી મોટાભાગના મુસાફરો સૂઈ રહ્યા હતા. અચાનક વિમાન અટકી ગયું હોય તેવું લાગ્યું અને પછી જોરથી વળાંક લેવા લાગ્યું. વિમાન સતત ધ્રુજી રહ્યું હતું. અચાનક ઊંચાઈ ઘટવાને કારણે ઘણા મુસાફરો પોતાની સીટ પરથી ઉછળીને સીધા ઉપરના કેબિન ડબ્બા (Overhead Compartments) સાથે અથડાયા હતા.”

- Advertisement -

air.jpg

‘અમને લાગ્યું કે અમે હવે જીવતા નહીં બચીએ’

ઈટાલીથી ભારત આવી રહેલી એક મહિલા મુસાફરે ન્યૂઝ એજન્સી ANI ને પોતાની આપવીતી જણાવતા કહ્યું, “મેં મારી પોતાની બહેનને સીટ પરથી હવામાં ઉછળતી જોઈ! મારી માતાના માથામાં પણ ગંભીર ઈજા થઈ છે. મારો ફોન ક્યાંય દૂર ફેંકાઈ ગયો. મારી પાછળ બેઠેલા એક વ્યક્તિના ચહેરા પરથી લોહી વહી રહ્યું હતું. આખા વિમાનમાં ચીસાચીસ અને ભયનો માહોલ હતો. અમને બધાને લાગ્યું કે આજે અમારો છેલ્લો દિવસ છે અને અમે મરી જઈશું.”

- Advertisement -

મહિલાએ વધુમાં ઉમેર્યું, “હું ધ્રુજી રહી હતી અને સતત રડી રહી હતી. તે દ્રશ્ય એટલું ડરામણું હતું કે આંચકાના કારણે મને હજી પણ કાનમાં બરાબર સંભળાતું નથી.”

કેબિનની પ્લાસ્ટિક પેનલોમાં તિરાડો પડી

ઘટના બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી અને વિમાનની અંદરથી સામે આવેલી તસવીરોમાં ટર્બ્યુલન્સની તીવ્રતા સ્પષ્ટ જોઈ શકાય છે. મુસાફરો ઉછળીને ઉપર અથડાવાને કારણે ઓવરહેડ કેબિનના પ્લાસ્ટિક ડબ્બાઓમાં મોટી તિરાડો પડી ગઈ હતી. ફ્લાઇટમાં સવાર લોકો આ ક્ષતિગ્રસ્ત ડબ્બાઓ અને ઈજાગ્રસ્ત સહ-મુસાફરોને જોઈને ભારે આઘાતમાં સરી પડ્યા હતા.

- Advertisement -

હોસ્પિટલમાં સારવાર અને એરલાઇનનું સ્પષ્ટીકરણ

એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, દિલ્હી એરપોર્ટ પર વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ઉતરાણ બાદ તરત જ એરપોર્ટની મેડિકલ ટીમ દ્વારા ઈજાગ્રસ્ત મુસાફરોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ ગંભીર ઈજાગ્રસ્તોને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલ અને વસંત કુંજ સ્થિત ‘ઇન્ડિયા સ્પાઇનલ ઇન્જરી સેન્ટર’ ખાતે ખસેડવામાં આવ્યા છે.

એર ઇન્ડિયાએ આ અંગે સત્તાવાર નિવેદન જારી કરતા જણાવ્યું હતું કે, “વિમાન દિલ્હીમાં સુરક્ષિત રીતે ઉતરી ગયું છે અને તમામ મુસાફરો તથા ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા છે. જે મુસાફરો અને ક્રૂ સભ્યોને નાની-મોટી ઈજાઓ થઈ છે, તેમને એરપોર્ટ પર અને તબીબી સુવિધાઓમાં યોગ્ય કાળજી અને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.”

DGCA એ તપાસના આદેશ આપ્યા

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ને ઘટના અંગે તુરંત જાણ કરવામાં આવી હતી. DGCA ના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, ફ્લાઇટના પાઇલટ-ઇન-કમાન્ડે રિપોર્ટ કર્યો છે કે કેબિન ક્રૂનો એક સભ્ય ગંભીર રીતે ઘાયલ થયો છે.

Share This Article