શું સંસદનો ગતિરોધ દૂર થશે? બે દિવસમાં બીજી વખત રિજિજુ અને રાહુલ ગાંધી વચ્ચે મંત્રણા
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ચો તરફથી ઘેરાયેલી મડાગાંઠ વચ્ચે હવે સરકાર અને વિપક્ષ વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ બે દિવસની અંદર બીજી વખત લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરીને ગૃહની કામકાજની સ્થિતિ અંગે ચર્ચા કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર ખાસ કરીને મહિલા અનામત અને સીમાંકન જેવા મહત્વના મુદ્દાઓ પર વિપક્ષનું સમર્થન મેળવવા ઈચ્છે છે. આ અંગે પ્રતિક્રિયા આપતાં રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ સરકારના આ પ્રસ્તાવ અંગે સમગ્ર ઈન્ડિયા (AINDIA) ગઠબંધનના ઘટક પક્ષો સાથે ચર્ચા કરીને આગળનો નિર્ણય લેશે.
સરકાર અને વિપક્ષ વચ્ચે આક્ષેપ-પ્રત્યાક્ષેપ
જોકે બીજી તરફ, સંસદમાં સતત થઈ રહેલા વિરોધ અને હંગામાને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. કોંગ્રેસે સરકાર પર મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાનો અને મહત્વના વિષયો પર સદનમાં ચર્ચા ટાળવાનો આક્ષેપ મૂક્યો છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે તેઓ દરેક મુદ્દે રચનાત્મક ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ સરકારે પણ તેની જવાબદારી સમજીને વિપક્ષની માંગણીઓ પર ધ્યાન આપવું જોઈએ. વિપક્ષની મુખ્ય માંગ એ રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પોતે ગૃહમાં હાજર રહીને વિપક્ષના સવાલોના જવાબ આપે.
વિપક્ષના આ આક્ષેપો પર પલટવાર કરતાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન અને ગૃહમંત્રી સવારથી જ સંસદ ભવનમાં હાજર રહે છે. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષના સતત હોબાળાના કારણે નવા ચૂંટાયેલા સાંસદોને બોલવાની તક મળી રહી નથી. રિજિજુએ કહ્યું કે જે મુદ્દાઓનો ઉકેલ આવી ચૂક્યો છે તે જ મુદ્દાઓ પર વિપક્ષ દરરોજ સવારે આવીને વિરોધ પ્રદર્શન કરે છે અને સંસદનું મહત્વ ઘટાડે છે.
તેમણે ઉમેર્યું હતું કે, “રાહુલ ગાંધી સાથે મારી સકારાત્મક વાતચીત થઈ છે. અમે દેશહિતમાં તમામ વિપક્ષી દળો સાથે સંવાદ ચાલુ રાખવા માંગીએ છીએ. લોકશાહીમાં અમે રાજકીય વિરોધી છીએ, પરંતુ એકબીજાના દુશ્મન નથી.”
ચર્ચા વિના બિલ પસાર અને ગૃહ મુલતવી
બીજી તરફ, સંસદમાં વિપક્ષનો વિરોધ ચાલુ જ રહ્યો હતો. અયોધ્યાના રામ મંદિરમાં પ્રસાદ ચોરીનો વિવાદ અને દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના મુદ્દે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિતના સભ્યોએ લોકસભાના વેલમાં આવીને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.
વિપક્ષી સભ્યોના ભારે હંગામા વચ્ચે જ સરકારે મહત્વનું ‘કરવેરા અને અન્ય કાયદા (સુધારા) બિલ, ૨૦૨૬’ કોઈપણ વિસ્તૃત ચર્ચા વિના જ ગૃહમાં પસાર કરાવી લીધું હતું. સતત અશાંતિ અને સૂત્રોચ્ચારને કારણે સ્પીકરે ગૃહની કાર્યવાહી દિવસભર માટે મુલતવી રાખવી પડી હતી. ઉલ્લેખનીય છે કે, આ વખતના ચોમાસુ સત્રની શરૂઆતથી જ વિરોધના કારણે એક પણ દિવસ પ્રશ્નકાળ કે શૂન્યકાળ યોગ્ય રીતે યોજી શકાયો નથી, જે લોકશાહી પ્રક્રિયા માટે ચિંતાનો વિષય બન્યો છે.