પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને પૂરનો ખતરો: વાવાઝોડા સાથે કરા પડવાની હવામાન વિભાગની આગાહી
દેશભરમાં ચોમાસાનો મિજાજ અત્યંત આક્રમક બની રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના બુલેટિન અનુસાર, દેશના ઉત્તર, પૂર્વ અને મધ્ય ભાગો સહિત ૧૫ થી વધુ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને તીવ્ર વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. પશ્ચિમ બંગાળના દક્ષિણ ગંગાના મેદાની વિસ્તારો તેમજ દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર એકસાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે દેશભરમાં વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બની છે. આ સ્થિતિને કારણે આગામી સમયગાળા દરમિયાન ૬૦ થી ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવા સાથે આકાશી વીજળી અને કરા પડવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
પહાડોમાં ભૂસ્ખલન અને મેદાનોમાં પૂરનું સંકટ
હવામાન વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ તોફાની પવનને કારણે અનેક વિસ્તારોમાં મોટા વૃક્ષો, વીજળીના થાંભલા અને કાચા મકાનો ધરાશાયી થઈ શકે છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર જેવા પહાડી રાજ્યોમાં અતિભારે વરસાદને કારણે ભૂસ્ખલન (Landslides) અને પહાડો ધસી પડવાની ઘટનાઓ વધી શકે છે. આ ઉપરાંત, પૂર્વ અને મધ્ય ભારતમાં નદીઓના જળસ્તરમાં વધારો થવાની શક્યતાને પગલે નદી કિનારે વસતા ખેડૂતો અને માછીમારોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.
દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારમાં હવામાનનો મિજાજ
રાજધાની દિલ્હીમાં હવામાન વિભાગે તોફાની પવન સાથે વરસાદનું એલર્ટ જારી કર્યું છે. દિલ્હીમાં ૪૦ થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૩૨ ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.
ઉત્તર પ્રદેશના મેરઠ, ગાઝિયાબાદ, અલીગઢ, આગ્રા, કાનપુર, પ્રયાગરાજ, વારાણસી અને ગોરખપુર સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને વીજળીના કડાકા સાથે ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બીજી તરફ, બિહારના પટના, ગયા, ભોજપુર, દરભંગા, પૂર્ણિયા અને બેગુસરાય જેવા વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ અને તોફાનની ભીતિ સેવાઈ રહી છે.
પહાડી રાજ્યો અને પૂર્વ ભારતમાં કુદરતી આફતની ભીતિ
ઝારખંડમાં હવામાન સૌથી વધુ આક્રમક બનવાની ભીતિ છે, જ્યાં રાંચી, બોકારો, ધનબાદ અને જમશેદપુર જેવા વિસ્તારોમાં ૭૦ થી ૮૦ કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાવાની આગાહી છે. ઉત્તરાખંડના નૈનિતાલ, હરિદ્વાર, ઋષિકેશ અને ચમોલી તેમજ હિમાચલ પ્રદેશના શિમલા, મંડી, કુલ્લુ અને કાંગડામાં મુશળધાર વરસાદથી પહાડી માર્ગો ખોરવાઈ જવાની વિપરીત અસર પડી શકે છે. જમ્મુ અને કાશ્મીરના પૂંચ, રાજૌરી અને શ્રીનગરમાં પણ તાપમાનમાં ઘટાડા સાથે ભારે વરસાદની સંભાવના છે.
પંજાબ, મધ્યપ્રદેશ અને બંગાળની સ્થિતિ
પશ્ચિમ બંગાળના કોલકાતા, હાવડા, દુર્ગાપુર અને માલદા સહિતના જિલ્લાઓમાં ઝંઝાવાતી પવન સાથે વરસાદ થશે. પંજાબના લુધિયાણા, અમૃતસર અને ચંદીગઢમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે. મધ્યપ્રદેશના ભોપાલ, રાયસેન, વિદિશા અને ખંડવા સહિત ૧૬ થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે.