FCRA બિલ ૨૦૨૬ અંગેની અફવાઓ પર વિનય મોહન ક્વાત્રાની સ્પષ્ટતા: ‘વિદેશી ફંડિંગ બંધ કરવાનો નહીં, પારદર્શિતા લાવવાનો હેતુ’
ભારત સરકાર દ્વારા લાવવામાં આવી રહેલા ‘ફોરેન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એમેન્ડમેન્ટ’ (FCRA) બિલ ૨૦૨૬ને લઈને દેશ-વિદેશમાં અનેક પ્રકારની આશંકાઓ અને અફવાઓ ફેલાઈ રહી છે. વિપક્ષી દળો અને કેટલીક સંસ્થાઓ દ્વારા એવા દાવો કરવામાં આવી રહ્યા છે કે આ સુધારો ભારતની સિવિલ સોસાયટી, બિનસરકારી સંસ્થાઓ (NGOs) અને ધાર્મિક ટ્રસ્ટો પર અંકુશ લગાવવાનો પ્રયાસ છે.
આ તમામ ભ્રમણાઓને દૂર કરવા અને સાચું ચિત્ર રજૂ કરવા માટે અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ આગળ આવીને વિગતવાર ખુલાસો કર્યો છે. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી ‘મિથક વિરુદ્ધ હકીકત’ (Myth vs Reality) શૈલીમાં વિદેશી ચંદાને લગતા પ્રસ્તાવિત કાયદાની વાસ્તવિકતા દેશ અને દુનિયા સમક્ષ મૂકી છે. ક્વાત્રાએ સ્પષ્ટ કર્યું છે કે નવા નિયમોનો હેતુ વિદેશી ફંડિંગ પર પ્રતિબંધ મુકવાનો નથી, પરંતુ પ્રક્રિયામાં પારદર્શિતા વધારવાનો અને શાસન વ્યવસ્થાને સુચારુ કરવાનો છે.
પ્રશ્ન ૧: શું ભારત સિવિલ સોસાયટીની વિદેશી મદદ રોકવા નવો કાયદો બનાવી રહ્યું છે?
વિરોધ પક્ષો અને કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ભારત સરકાર નવો કાયદો લાવીને નાગરિક સમાજ (Civil Society) સુધી પહોંચતી વિદેશી આર્થિક સહાયને સંપૂર્ણપણે અટકાવી દેવા માંગે છે.
વાસ્તવિકતા:
રાજદૂત ક્વાત્રાએ આ દાવાને તદ્દન પાયાવિહોણો ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે દેશમાં વિદેશી ફંડિંગના પ્રવાહને નિયંત્રિત કરવો એ રાષ્ટ્રીય સુરક્ષા અને ઉત્તમ પ્રશાસન સાથે જોડાયેલી બાબત છે. વિશ્વના મોટાભાગના લોકશાહી દેશોમાં બહારથી આવતા નાણાં માટે આ પ્રકારના કડક નિયમો અસ્તિત્વ ધરાવે છે.
ભારતમાં વિદેશી ફંડિંગને નિયંત્રિત કરવાની કાનૂની વ્યવસ્થા નવી નથી. સૌપ્રથમ ૧૯૭૬માં FCRA કાયદો લાવવામાં આવ્યો હતો, જેને ૨૦૧૦માં વધુ વ્યાપક કાયદા સાથે બદલવામાં આવ્યો. ત્યારબાદ સ્થિતિ અને સમય મુજબ ૨૦૧૬, ૨૦૧૮ અને ૨૦૨૦માં પણ સુધારા કરવામાં આવ્યા હતા. પ્રસ્તાવિત ૨૦૨૬નો સુધારો એ જ સતત ચાલતી પ્રક્રિયાનો એક ભાગ છે. આ કાયદો નિયમોનું પાલન કરતી સંસ્થાઓને મદદ મેળવતા રોકતો નથી. આજે પણ હજારો નોંધાયેલી સંસ્થાઓ આરોગ્ય, શિક્ષણ, આપત્તિ રાહત અને માનવતાવાદી કાર્યો માટે નિયમિતપણે વિદેશી ફંડ મેળવી રહી છે.
પ્રશ્ન ૨: શું FCRA સુધારાથી વિદેશી મદદમાં ઘટાડો થયો છે અને NGOની કામગીરી ખોરવાઈ છે?
બીજી મોટી અફવા એ ફેલાવવામાં આવી રહી હતી કે કડક નિયમોના કારણે ભારતમાં બિનસરકારી અને ધાર્મિક સંસ્થાઓ માટે કામ કરવું મુશ્કેલ બની ગયું છે અને દેશમાં આવતા વિદેશી દાનનું પ્રમાણ ઘટ્યું છે.
વાસ્તવિકતા:
આંકડાકીય માહિતી આપતા વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું કે FCRA કાયદા હોવા છતાં ભારતમાં વિદેશી ફંડિંગ ઘટવાને બદલે સતત વધ્યું છે. વર્ષ ૨૦૧૦-૧૧માં FCRA હેઠળ નોંધાયેલી સંસ્થાઓને અંદાજે ૧.૨ અબજ ડોલરનું વિદેશી દાન મળ્યું હતું, જે વધીને ૨૦૨૪-૨૫ સુધીમાં ૨.૬૭ અબજ ડોલર થઈ ગયું છે.
તેમણે ઉમેર્યું કે ભારતમાં આશરે ૩૦ લાખથી વધુ NGO કાર્યરત છે, પરંતુ તેમાંથી માત્ર ૧૪,૪૫૦ જેટલી સંસ્થાઓ જ FCRA હેઠળ નોંધાયેલી છે. એટલે કે દેશની મોટાભાગની સિવિલ સોસાયટી સંસ્થાઓ તો આ કાયદાના દાયરામાં આવતી જ નથી. કાયદો માત્ર ત્રણ બાબતોની માંગ કરે છે: સંસ્થાનું યોગ્ય રજીસ્ટ્રેશન હોવું જોઈએ, નક્કી કરેલી બેંકિંગ પ્રક્રિયા દ્વારા ફંડ મેળવવું જોઈએ અને તે નાણાં ક્યાં વપરાયા તેનો સત્તાવાર અહેવાલ આપવો જોઈએ.
પ્રશ્ન ૩: શું નવી જોગવાઈઓથી સંસ્થાઓની મિલકતો જપ્ત થઈ જશે?
એવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા કે આ સુધારો ધાર્મિક સ્થળો, હોસ્પિટલો, શાળાઓ અને ચેરિટેબલ ટ્રસ્ટોની મિલકતો જપ્ત કરવા માટે વાપરવામાં આવશે.
વાસ્તવિકતા:
આ અંગે ખુલાસો કરતા ક્વાત્રાએ જણાવ્યું કે ભારત હંમેશાં વાસ્તવિક આંતરરાષ્ટ્રીય ભાગીદારીનું સ્વાગત કરે છે. જો કોઈ સંસ્થાનું રજીસ્ટ્રેશન રદ થાય કે સમાપ્ત થાય, તો તેની વિદેશી સહાયથી બનેલી મિલકતો રાજ્ય સરકારના અધિકારક્ષેત્ર હેઠળ આવી જવાની જોગવાઈ ૨૦૧૦ના કાયદાથી જ અમલમાં છે, આ કોઈ નવી વાત નથી.
ઊલટાનું ૨૦૨૬નો પ્રસ્તાવિત કાયદો આ મિલકતોની સુરક્ષા અને યોગ્ય સંભાળ માટે એક વિશેષ ‘ડેઝિગ્નેટેડ ઓથોરિટી’ (Designated Authority)ની રચના કરવાની જોગવાઈ કરે છે. એટલું જ નહીં, જો કોઈ સંસ્થાનું રજીસ્ટ્રેશન ફરીથી બહાલ (Restore) થાય, તો તેની મિલકત અને ન વપરાયેલું ફંડ તેને પરત સોંપવાની સ્પષ્ટ કાનૂની વ્યવસ્થા પણ આ નવા સુધારામાં કરવામાં આવી છે.
પ્રશ્ન ૪: શું આ કાયદો કોઈ ચોક્કસ ધર્મ કે સમુદાયને નિશાન બનાવે છે?
સૌથી ગંભીર આક્ષેપ એ લગાવવામાં આવી રહ્યો હતો કે FCRA કાયદાનો ઉપયોગ ચોક્કસ ધાર્મિક લઘુમતીઓ કે સમુદાયોની સંસ્થાઓને ટાર્ગેટ કરવા માટે થઈ રહ્યો છે.
વાસ્તવિકતા:
ભારતીય રાજદૂતે આ દાવાને તદ્દન ખોટો અને ભ્રામક ગણાવતા કહ્યું કે આ કાયદો કોઈ પણ ધર્મ, સંપ્રદાય કે વિચારધારાથી પર રહીને તમામ સંસ્થાઓ પર એકસમાન રીતે લાગુ પડે છે.
ધાર્મિક શિક્ષણ, પૂજા સ્થાનોની જાળવણી, અને દરેક ધર્મની સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતી સમાજકલ્યાણની પ્રવૃત્તિઓ માટે કાયદાકીય મર્યાદામાં રહીને વિદેશી દાન મેળવવાની છૂટ પહેલાંની જેમ જ ચાલુ રહેશે. કાયદાની નજરમાં તમામ સંસ્થાઓ સમાન છે અને નિયમોનું પાલન કરનાર કોઈ પણ ધાર્મિક સંસ્થા સામે કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી.
There are many misunderstandings in the media and in civil society about the proposed Foreign Contribution (Regulation) Amendment Bill(FCRA), 2026.
Here is the Myth vs. Reality check.
— Amb Vinay Mohan Kwatra (@AmbVMKwatra) August 10, 2026
સુશાસન અને પારદર્શિતા તરફનું પગલું
રાજદૂત વિનય મોહન ક્વાત્રાની આ વિગતવાર સ્પષ્ટતા પરથી સાબિત થાય છે કે FCRA બિલ ૨૦૨૬ અંગે ફેલાવવામાં આવી રહેલી વાતો માત્ર રાજકીય અને ભ્રામક પ્રચારનો ભાગ છે. ભારત સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં આવતા નાણાંનો દુરુપયોગ અટકાવવાનો અને તેનો ઉપયોગ જે હેતુ માટે થયો હોય ત્યાં જ થાય તે સુનિશ્ચિત કરવાનો છે. પારદર્શક સિસ્ટમથી એ જ સંસ્થાઓને ડરવાની જરૂર છે જે નિયમોનું ઉલ્લંઘન કરે છે, જ્યારે સાચા અર્થમાં સમાજસેવા કરતી સંસ્થાઓ માટે આ કાયદો વધુ સુરક્ષિત વાતાવરણ ઊભું કરશે.
