સરકારી સેવાઓ માટે ‘સુપર એન્જિન’ બનતી UMANG એપ: ૧૧ કરોડથી વધુ યુઝર્સ અને ૭૯૮ કરોડ ટ્રાન્ઝેક્શનનો નવો રેકોર્ડ!
ભારત સરકારના ‘ડિજિટલ ઈન્ડિયા’ અભિયાન હેઠળ સામાન્ય નાગરિકો માટે સરકારી સેવાઓ વધુ સુલભ અને સરળ બની રહી છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરમાં ડેટા અનુસાર, દેશના નાગરિકોને એક જ પ્લેટફોર્મ પર તમામ સરકારી સેવાઓ પૂરી પાડતી ‘યુનિફાઇડ મોબાઇલ એપ્લિકેશન ફોર ન્યૂ-એજ ગવર્નન્સ’ (UMANG) એ ડિજિટલ ગવર્નન્સ ક્ષેત્રે નવો રેકોર્ડ સર્જ્યો છે. છેલ્લા ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન ૧૧.૬૬ કરોડથી વધુ નવા વપરાશકર્તાઓએ આ પ્લેટફોર્મ પર પોતાની નોંધણી કરાવી છે, જ્યારે આ જ સમયગાળામાં અંદાજે ૭૯૮ કરોડથી વધુ ડિજિટલ વ્યવહારો હાથ ધરવામાં આવ્યા છે.
રાજ્યસભામાં મંત્રી અશ્વિની વૈષ્ણવે રજૂ કર્યા આંકડા
ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદના રાજ્યસભા સત્ર દરમિયાન ડિજિટલ સેવાઓની પ્રગતિનો ચિતાર રજૂ કર્યો હતો. સત્તાવાર ડેટા અનુસાર, જુલાઈ ૨૦૨૬ સુધીમાં ઉમંગ પ્લેટફોર્મ પર કુલ ૨,૫૭૫ સેવાઓ સક્રિયપણે કામ કરી રહી છે. આ સેવાઓમાં કેન્દ્ર સરકારની ૮૮૦ સેવાઓ અને વિવિધ રાજ્ય સરકારોની ૧,૬૯૫ સેવાઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજોને સુરક્ષિત અને ડિજિટલ સ્વરૂપે સ્ટોર કરવા માટે વપરાતા ‘ડિજીલોકર’ (DigiLocker) પ્લેટફોર્મ પર પણ વપરાશકર્તાઓની સંખ્યામાં બમ્પર વધારો નોંધાયો છે. ડિજીલોકર પર હાલમાં ૫,૪૩૭ થી વધુ પ્રકારના દસ્તાવેજો અને સુવિધાઓ ઉપલબ્ધ છે. છેલ્લા ત્રણ વર્ષમાં ડિજીલોકરમાં ૭૨.૪૩ કરોડથી વધુ નોંધાયેલા વપરાશકર્તાઓ ઉમેરાયા છે, અને ૭૨.૮૬ કરોડથી વધુ દસ્તાવેજ એક્સેસ વ્યવહારો પૂર્ણ થયા છે.
ગ્રામીણ ભારતમાં કોમન સર્વિસ સેન્ટરોનો વિસ્તાર
દૂરના અને ગ્રામીણ વિસ્તારો સુધી સરકારી સુવિધાઓ સીધી પહોંચાડવા માટે સરકારે કોમન સર્વિસ સેન્ટર્સ (CSCs) નું નેટવર્ક ઘણું મજબૂત બનાવ્યું છે. આ સેન્ટરો દ્વારા ગામડાના લોકોને બેંકિંગ, નાણાકીય સેવાઓ, વીમો, પેન્શન યોજનાઓ અને વીજળી-પાણીના બિલ ભરવા જેવી વિવિધ ઉપયોગી સેવાઓ ઘરઆંગણે જ મળી રહે છે. જૂન ૨૦૨૬ ના આંકડા મુજબ, દેશભરની ગ્રામ પંચાયતોમાં કુલ ૪,૦૭,૧૨૨ કોમન સર્વિસ સેન્ટરો સફળતાપૂર્વક કાર્યરત છે. જેમાં સૌથી ગર્વની બાબત એ છે કે આમાંથી ૭૦,૦૬૯ સેન્ટરોનું સંચાલન ગ્રામીણ મહિલા ઉદ્યોગસાહસિકો (VLEs) દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે.
પેપરલેસ અને સુરક્ષિત સેવાઓથી કચેરીઓના ધક્કા બંધ
જુલાઈ ૨૦૧૫ માં શરૂ થયેલા ‘ડિજિટલ ઈન્ડિયા’ કાર્યક્રમનો મુખ્ય હેતુ ટેકનોલોજીને સામાન્યમાં સામાન્ય માનવી સુધી પહોંચાડવાનો અને નાગરિકોને સશક્ત બનાવવાનો હતો. આજે આ પ્લેટફોર્મ આધાર, ઈ-સાઈન (eSign) અને API સેટુ જેવી આધુનિક ટેકનોલોજી સાથે જોડાયેલા હોવાથી કાગળ વગર અને કચેરીએ ગયા વગર કામ સરળતાથી થઈ જાય છે. PMGDISHA જેવી યોજનાઓ દ્વારા ડિજિટલ સાક્ષરતા વધારવામાં આવી રહી છે અને આ બધી સરકારી સેવાઓ હવે વિવિધ સ્થાનિક ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે.