દારૂના શોખીનોને મોટો ઝટકો લાગશે? સ્કોચ વ્હિસ્કી પર 162.5% ડ્યુટીથી કંપનીઓમાં ખળભળાટ!
ભારત અને બ્રિટન વચ્ચે થયેલા ટ્રેડ ડીલ બાદ સ્કોચ વ્હિસ્કી પર આયાત ડ્યુટી (ઇમ્પોર્ટ ડ્યુટી) ઘટાડીને ૭૫ ટકા કરી દેવામાં આવી હતી. આ નિર્ણયથી ભારતમાં સ્કોચ વ્હિસ્કીનો કારોબાર કરતી કંપનીઓને મોટી રાહત મળવાની અને બજારમાં વ્યાપાર વધવાની આશા જાગી હતી. પરંતુ હવે આ જ સ્કોચ વ્હિસ્કી પર ૧૬૨.૫ ટકા સુધીની જંગી ડ્યુટી લગાવવાના મુદ્દે એક નવો અને મોટો વિવાદ ઊભો થયો છે. આ વિવાદને કારણે પેર્નોડ રિકાર્ડ (Pernod Ricard), ડિયાજિયો (Diageo) અને બકાર્ડી (Bacardi) જેવી વૈશ્વિક સ્તરની દિગ્ગજ કંપનીઓની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.
અહેવાલો મુજબ, આ કંપનીઓના ૮૦ થી વધુ કન્ટેનર હાલ ભારતીય બંદરો પર ફસાયેલા પડ્યા છે. આ સમગ્ર મામલો માત્ર અમુક કંપનીઓ પૂરતો સીમિત નથી, પરંતુ તેની અસર ભારતના ૬૫ અબજ ડોલર (લગભગ ૫.૪ લાખ કરોડ રૂપિયાથી વધુ) ના વિશાળ આલ્કોહોલ/શરાબ ઉદ્યોગ પર પણ પડી શકે છે.

૧૬૨.૫ ટકા ડ્યુટી સુધી કેવી રીતે પહોંચ્યો મામલો?
ભારત અને બ્રિટન વચ્ચેનો ટ્રેડ સમજૂતી કરાર ૧૫ જુલાઈથી અમલમાં આવ્યો હતો. આ કરાર હેઠળ સ્કોચ વ્હિસ્કી પરની આયાત ડ્યુટી ૧૫૦ ટકાથી ઘટાડીને ૭૫ ટકા કરવામાં આવી હતી. પરંતુ હવે આખો વિવાદ સ્કોચ વ્હિસ્કીના આયાત કરવાની પદ્ધતિ અને તેના કસ્ટમ કેટેગરીકરણ (Custom Categorisation) ને લઈને સર્જાયો છે.
હકીકતમાં, ભારતમાં અનેક શરાબ ઉત્પાદક કંપનીઓ બલ્કમાં એટલે કે મોટા જથ્થામાં સ્કોચ વ્હિસ્કી મંગાવે છે. આ આયાતી સ્કોચનો ઉપયોગ અન્ય શરાબ સાથે ભેળવીને ‘બ્લેન્ડેડ વ્હિસ્કી’ (Blended Whisky) તૈયાર કરવામાં થાય છે. સરકારની તપાસ એજન્સીઓનો દાવો છે કે કંપનીઓ આ સ્કોચને ખોટી કસ્ટમ કેટેગરીમાં દર્શાવીને દેશમાં આયાત કરી રહી છે.
તપાસ એજન્સીઓના મતે, તૈયાર બોટલ્ડ સ્કોચ અને મોટા જથ્થામાં આવતા સ્કોચ કન્સન્ટ્રેટ (Scotch Concentrate) ને એક જ શ્રેણીમાં રાખી શકાય નહીં. મે મહિનામાં બનાવવામાં આવેલી નવી કસ્ટમ કેટેગરી ‘કમ્પાઉન્ડ આલ્કોહોલિક પ્રિપેરેશન્સ’ (Compound Alcoholic Preparations) હેઠળ આ પ્રકારની આયાત પર ૧૫૦ ટકા ડ્યુટી લાગવી જોઈએ. આ ૧૫૦ ટકા ડ્યુટી ઉપર વધારાનો ખપત ટેક્સ (કન્ઝમ્પશન ટેક્સ) ઉમેરાતા કુલ ડ્યુટી વધીને ૧૬૨.૫ ટકા થઈ જાય છે.
ભારતીય બંદરો પર અનેક કન્ટેનર અટવાયા, કંપનીઓ અને એજન્સીઓ સામસામે
કસ્ટમ ડ્યુટી અને કેટેગરીના આ વિવાદની સીધી અને ગંભીર અસર શરાબ કંપનીઓના આયાત કામકાજ પર પડી છે. ‘રોઇટર્સ’ (Reuters) ના એક અહેવાલ મુજબ, પેર્નોડ રિકાર્ડ, ડિયાજિયો અને બકાર્ડીના ૮૦ થી વધુ કન્ટેનર ભારતીય બંદરો પર અટવાઈ પડ્યા છે, જેમાં હજારો લિટર સ્કોચ વ્હિસ્કી ભરેલી છે.
આંતરરાષ્ટ્રીય કંપનીઓની દલીલ છે કે ભારત અને બ્રિટન વચ્ચે થયેલા દ્વિપક્ષીય કરાર મુજબ, મોટા જથ્થામાં આયાત થતી સ્કોચ પર પણ ૭૫ ટકા ડ્યુટી જ લાગુ થવી જોઈએ. બીજી તરફ, ભારતીય તપાસ એજન્સીઓ મક્કમ છે કે બલ્ક સ્કોચ કે કન્સન્ટ્રેટને અલગ કેટેગરીમાં મૂકવો જરૂરી છે અને તેના પર નિયત ઊંચી ડ્યુટી વસૂલાવી જોઈએ.
સામાન છોડાવવા માટે અસ્થાયી વ્યવસ્થા: બેંક ગેરંટી અને ચુકવણી
હાલ આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે, અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કંપનીઓને પોતાના અટવાયેલા કન્ટેનર અને માલસામાન છોડાવવા માટે એક અસ્થાયી વ્યવસ્થા આપવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ, સંબંધિત કંપનીઓએ માલસામાનની કિંમતના ૭૫ ટકા હિસ્સાની રકમ અગાઉથી જમા કરાવવી પડશે, જ્યારે બાકીની રકમ માટે બેંક ગેરંટી (Bank Guarantee) આપવી પડશે.

મળતી વિગતો અનુસાર, પેર્નોડ રિકાર્ડ અને ડિયાજિયો જેવી કંપનીઓ બંદરો પર ફસાયેલો માલ છોડાવવા માટે જરૂરી બેંક ગેરંટી અને વધારાની નાણાકીય રકમની વ્યવસ્થા કરવામાં લાગી ગઈ છે. જ્યારે બકાર્ડી હજુ સુધી આ મામલે આગળની કઈ રણનીતિ અપનાવવી તે અંગે વિચારણા કરી રહી છે.
રાદિકો ખૈતાન અને એલાઈડ બ્લેન્ડર્સ જેવી ભારતીય કંપનીઓ પર પણ અસર
આ વિવાદ માત્ર વિદેશી બહુરાષ્ટ્રીય કંપનીઓ પૂરતો જ સીમિત નથી, પરંતુ દેશની સ્થાનિક શરાબ કંપનીઓ પણ મોટા પ્રમાણમાં સ્કોચની આયાત કરે છે. આ યાદીમાં રાદિકો ખૈતાન (Radico Khaitan), એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ (Allied Blenders and Distillers) અને તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ (Tilaknagar Industries) જેવી જાણીતી ભારતીય કંપનીઓનો સમાવેશ થાય છે.
આંકડાઓ મુજબ, ભારતમાં બ્રિટનથી આયાત થતી કુલ સ્કોચ વ્હિસ્કીમાં લગભગ ૮૦ ટકા હિસ્સો બલ્ક (મોટા જથ્થા) માં મંગાવવામાં આવે છે. ભારતીય કંપનીઓ આ સ્કોચનો ઉપયોગ પોતાની બ્લેન્ડેડ વ્હિસ્કી બનાવવા માટે કરે છે.
ઉત્પાદન અને કિંમતો પર શું થઈ શકે છે અસર?
સામાન્ય રીતે કંપનીઓ થોડી માત્રામાં પ્રીમિયમ સ્કોચને અન્ય શરાબ સાથે મિક્સ કરીને એવી બ્લેન્ડેડ વ્હિસ્કી તૈયાર કરે છે, જે સંપૂર્ણપણે વિદેશથી આયાત થયેલી મોંઘી સ્કોચની સરખામણીએ ગ્રાહકોને ઓછી કિંમતે ઉપલબ્ધ થાય છે. જો સ્કોચની આયાત અને સપ્લાય ચેઈન લાંબા સમય સુધી આ વિવાદમાં ફસાયેલી રહે અથવા ડ્યુટીનો બોજ વધે, તો ભારતીય કંપનીઓના ઉત્પાદન પર સીધી અસર પડી શકે છે. આ ઉપરાંત, કંપનીઓના ખર્ચમાં વધારો થતા બજારમાં ઉત્પાદનોની કિંમતો અને ઉપલબ્ધતા પર પણ અસર જોવા મળી શકે છે. હવે સૌની નજર સરકાર, કસ્ટમ વિભાગ અને કંપનીઓ વચ્ચે થનારા સમાધાન કે નિર્ણય પર ટકેલી છે.
