તમારા ઘરે આવતું ઘી અસલી છે કે કેમિકલવાળું? સુરત-ડીસામાં દરોડા પાડીને તંત્રએ ઝડપ્યું નકલી ઘી બનાવવાનું મોટું કૌભાંડ!
રાજ્યના નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને નફાખોરી માટે લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકતા ભેળસેળિયાઓ સામે ગુજરાત સરકાર અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્ર (Food and Drugs Control Administration) દ્વારા ડિજિટલ અને ગ્રાઉન્ડ લેવલે લાલઆંખ કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની કડક સૂચનાઓ બાદ તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં આવ્યું છે.
ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં તંત્રની ટીમો દ્વારા દરોડા પાડવાની ઝુંબેશ તેજ કરવામાં આવી છે, જેના ભાગરૂપે તાજેતરમાં સુરત અને બનાસકાંઠાના ડીસા ખાતે દરોડા પાડીને અંદાજે ₹૩૫ લાખથી વધુની કિંમતનો શંકાસ્પદ ઘી અને ભેળસેળ માટે ઉપયોગમાં લેવાતો તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
સુરતના કામરેજમાં શાતિર ભેળસેળિયાની મોડસ ઓપરેન્ડી: બહારથી તાળું મારી અંદર ચાલતી હતી નકલી ઘીની ફેક્ટરી
સુરત ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કામરેજ તાલુકાના ધોરણ પારડી વિસ્તારમાં આવેલી હિન્દવા ડ્રીમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે. આ બાતમીના આધારે તંત્રની ટીમે ‘કેવલ ફૂડ પ્રોડક્ટ’ નામની ફેક્ટરી પર અચાનક દરોડો પાડ્યો હતો.
તપાસ દરમિયાન તંત્રના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ફેક્ટરીનો માલિક એટલો શાતિર હતો કે આસપાસના લોકોને કે સત્તાવાળાઓને શંકા ન જાય તે માટે બહારથી દરવાજા પર તાળું મારી દેતો હતો અને અંદરના ભાગે કોઈ પણ કાયદેસરના લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે અસલીના નામે નકલી અને કેમિકલ-તેલયુક્ત ભેળસેળવાળા ઘીનું ઉત્પાદન અને મોટા પાયે પેકિંગ કરવામાં આવતું હતું.
દરોડા દરમિયાન જપ્ત કરાયેલું સાહિત્ય અને જથ્થો:
-
શંકાસ્પદ ઘીનો જથ્થો: સ્થળ પરથી ‘ અનમોલ રતન કાઉ ઘી’ (Cow Ghee) ના નામે વેચાતા વિવિધ પેકિંગમાં કુલ ૫,૧૫૭ લીટર ઘી મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત ₹૨૬.૧૨ લાખ થાય છે.
-
તેલનો જથ્થો (ભેળસેળ માટે): ઘીમાં મિશ્રણ કરવા માટે રાખવામાં આવેલું ₹૩.૬૩ લાખની કિંમતનું ૧,૪૮૫ કિલોગ્રામ પામોલીન તેલ તથા ૨૮૫ કિલોગ્રામ સોયાબીન તેલ પણ જપ્ત કરાયું હતું.
-
કુલ સીઝ કરાયેલો મુદ્દામાલ: કામરેજ ખાતેથી કુલ ₹૨૯.૭૫ લાખથી વધુનો મુદ્દામાલ તંત્ર દ્વારા સ્થળ પર જ સીઝ કરી દેવાયો હતો.
ડીસામાં પાલનપુર વર્તુળ ટીમની કાર્યવાહી: બે પેઢીઓમાંથી ₹૬.૨૨ લાખનો ઘીનો જથ્થો સીઝ કરાયો
સુરતની સાથે સાથે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની પાલનપુર વર્તુળ ટીમે વિવિધ વેપારી પેઢીઓ પર સઘન તપાસ હાથ ધરી હતી. ખાદ્યપદાર્થોમાં ચાલતી ગેરરીતિઓ ઝડપી પાડવા માટે અધિકારીઓની ટીમે ડીસાની વિવિધ બજારોમાં શંકાસ્પદ વેપારીઓ ત્યાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું.
આ તપાસ દરમિયાન બે વેપારી પેઢીઓમાંથી મળી આવેલો ઘીનો જથ્થો ગુણવત્તાની દ્રષ્ટિએ અત્યંત શંકાસ્પદ જણાતાં તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાયા હતા.
-
જપ્ત કરાયેલો ઘીનો જથ્થો: કુલ ૯૮૭ લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો.
-
અંદાજિત કિંમત: જપ્ત કરાયેલા આ જથ્થાની બજાર કિંમત આશરે ₹૬,૨૨,૨૦૦/- અંદાજવામાં આવી છે.
લેબોરેટરી ચકાસણી અને ‘ફૂડ સેફ્ટી એક્ટ’ હેઠળ ગુનો દાખલ
સુરત અને ડીસા બંને સ્થળોએથી જપ્ત કરાયેલા ઘી, સોયાબીન તેલ અને પામોલીન તેલના તમામ સેમ્પલ્સ ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ-૨૦૦૬’ (FSS Act-2006) ની વૈધાનિક જોગવાઈઓ હેઠળ લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓને પૃથ્થકરણ (Testing) માટે રાજ્યની સત્તાવાર ફૂડ ઍનાલિટિકલ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
તંત્રના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળની ગંભીરતા મુજબ જવાબદાર ઉત્પાદકો, માલિકો અને વેપારીઓ સામે કોર્ટ કાર્યવાહી તેમજ ભારે દંડ સહિતની આકરામાં આકરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
“નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા કોઈ પણ કસૂરવારને બક્ષવામાં નહીં આવે”: આરોગ્ય મંત્રી
આ સમગ્ર કાર્યવાહી અંગે કડક વલણ સ્પષ્ટ કરતાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, “ગુજરાતના નાગરિકોનું સ્વાસ્થ્ય એ અમારી સરકારની પ્રાથમિકતા છે. ઓછો નફો મેળવવા કે ગ્રાહકોને છેતરવા માટે ખાદ્યપદાર્થોમાં ઝેરી કે નકલી પદાર્થોનું મિશ્રણ કરનારા રાક્ષસી માનસિકતા ધરાવતા વેપારીઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રને સમગ્ર રાજ્યમાં દૂધ, ઘી, તેલ, મસાલા અને માવાના વેપારીઓ પર ચાંપતી નજર રાખવા આદેશો આપી દેવાયા છે. આવનારા તહેવારો અને સામાન્ય દિવસોમાં પણ આ પ્રકારની આકસ્મિક તપાસ અને દરોડાની કડક ઝુંબેશ રાજ્યભરમાં વધુ તીવ્ર બનાવવામાં આવશે, જેથી પ્રજાને શુદ્ધ અને સાત્વિક આહાર મળી રહે.