Gujrat: સરકારી શાળાની 10 લાખથી વધુ કન્યાઓને મળશે વિનામૂલ્યે ઓક્સો-બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકીન
- ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રાહત: સરકાર દર વર્ષે દીકરી દીઠ રૂ. ૩૬૦ નો ખર્ચ ઉઠાવશે
Gujrat Free Sanitary Napkin Scheme રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી દીકરીઓના પ્રજનન સ્વાસ્થ્ય, વ્યક્તિગત સ્વચ્છતા અને શિક્ષણમાં સ્થાયીકરણને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. માસિક ધર્મ દરમિયાન છોકરીઓની શાળામાં ગેરહાજરી ઘટે અને તેમના સ્વાસ્થ્યની સંપૂર્ણ સુરક્ષા જાળવી શકાય તેવા ઉદ્દેશ્યથી શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ યોજનાની જાહેરાત કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તેમજ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાના નેતૃત્વ હેઠળ રૂ. ૪૬.૬૮ કરોડથી વધુની રકમ મંજૂર કરવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યની સરકારી ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ ૬ થી ૧૨ માં ભણતી ૧૦ લાખથી વધુ દીકરીઓને દર મહિને મફતમાં સેનેટરી નેપકીન પૂરા પાડવામાં આવશે.
દર મહિને મળશે મફત સેનેટરી પેડ્સ
Gujrat આ નવી નીતિ હેઠળ દરેક સરકારી શાળાની કન્યા દીઠ વાર્ષિક રૂ. ૩૬૦ ની બજેટ જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી ગણતરી કરીએ તો દર મહિને રૂ. ૩૦ ની કિંમતના ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેનેટરી નેપકીન દીકરીઓને વિનામૂલ્યે મળશે. સરકાર દ્વારા આ યોજના માટે ખાસ કરીને ઈકો-ફ્રેન્ડલી ‘ઓક્સો-બાયોડિગ્રેડેબલ’ નેપકીન પસંદ કરવામાં આવ્યા છે, જે પર્યાવરણને કોઈ નુકસાન પહોંચાડતા નથી.
આ નિર્ણયના કારણે ખાસ કરીને ગ્રામીણ અને આર્થિક રીતે નબળા પરિવારો પરથી નાણાકીય બોજ ઓછો થશે અને દીકરીઓ અસ્વચ્છ કાપડનો ઉપયોગ કરવાથી મુક્ત બનશે.
મહિલા શિક્ષકો બનશે ‘નોડલ ટિચર’
શાળાના વાતાવરણમાં દીકરીઓ કોઈ પણ જાતનો સંકોચ, શરમ કે ખચકાટ અનુભવ્યા વિના આ સુવિધાનો લાભ લઈ શકે તે માટે દરેક શાળામાં જ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ સમગ્ર વિતરણ અને દેખરેખ પ્રક્રિયા માટે શાળાના જ એક મહિલા શિક્ષકને ‘નોડલ શિક્ષક’ તરીકેની જવાબદારી સોંપવામાં આવશે.
આ નોડલ શિક્ષક દીકરીઓને માત્ર નેપકીન જ નહીં આપે, પરંતુ માસિક ધર્મ અને શારીરિક સ્વાસ્થ્ય સંબંધિત સાચી, વૈજ્ઞાનિક અને સ્પષ્ટ માહિતી પણ આપશે. આનાથી દીકરીઓના મનમાંથી ભય અને ગેરમાન્યતાઓ દૂર થશે તથા તેમનો આત્મવિશ્વાસ વધશે.
કચરા નિકાલ અને પર્યાવરણ જતનના નિયમો
વપરાયેલા સેનેટરી નેપકીનના યોગ્ય અને સુરક્ષિત નિકાલ માટે પણ શિક્ષણ વિભાગ દ્વારા કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. શાળાઓએ ‘સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, ૨૦૧૬’ નું ચુસ્તપાલન કરવાનું રહેશે.
વપરાયેલા પેડ્સને કાગળમાં યોગ્ય રીતે લપેટીને સૂકા અને ભીના કચરાથી અલગ રાખવાના રહેશે અને તેને ખુલ્લામાં કે ટોયલેટમાં ફેંકવાને બદલે સ્થાનિક સફાઈ તંત્રને સોંપવાના રહેશે. આ ઉપરાંત, જે શાળાઓમાં ઇન્સિનીરેટર (પેડ્સ બાળવાની ભઠ્ઠી) મશીન ઉપલબ્ધ છે, તે યોગ્ય રીતે ચાલુ રહે અને તેની સમયાંતરે સર્વિસ થાય તે સુનિશ્ચિત કરવા આદેશ અપાયા છે.

નારી સશક્તિકરણ અને શિક્ષણમાં સુધારો
ગામડાઓમાં માસિક ધર્મના દિવસો દરમિયાન યોગ્ય સુવિધાઓના અભાવે મોટી સંખ્યામાં દીકરીઓ શાળાએ જવાનું ટાળતી હતી અથવા શિક્ષણ છોડી દેતી હતી. સરકારની આ ક્રાંતિકારી પહેલ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ ના સંકલ્પને સાકાર કરવામાં મદદરૂપ થશે. અસ્વચ્છતાના કારણે થતા ગંભીર પ્રજનન રોગો અને ઈન્ફેક્શન સામે કન્યાઓને રક્ષણ મળશે અને તેઓ નિયમિત શિક્ષણ મેળવી શકશે.