દિલ્હી-NCR માં વાહનોના પ્રદૂષણ પર લગામ: ૧ જાન્યુઆરી, ૨૦૨૭ થી નવા પેટ્રોલ, ડીઝલ અને CNG માલવાહક વાહનોના રજીસ્ટ્રેશન પર તબક્કાવાર પ્રતિબંધ
દેશની રાજધાની દિલ્હી અને આસપાસના નેશનલ કેપિટલ રીજન (NCR) ક્ષેત્રમાં ભયજનક રીતે વધતા વાયુ પ્રદૂષણ પર કાબૂ મેળવવા માટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. ૧૮ ઓગસ્ટના રોજ યોજાયેલી CAQM ની ૨૯મી પૂર્ણ બેઠકમાં મંજૂર કરાયેલા નિર્દેશ નંબર ૧૦૨ અનુસાર, દિલ્હી-NCR માં પેટ્રોલ, ડીઝલ અને CNG થી ચાલતા નવા હળવા માલવાહક વાહનો (LGV) ના રજીસ્ટ્રેશન પર તબક્કાવાર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરવામાં આવી છે.
દિલ્હીથી શરૂ થશે પ્રતિબંધ, તબક્કાવાર સમગ્ર NCR માં થશે લાગુ
CAQM ના ડેટા અનુસાર, દિલ્હી-NCR ના કુલ સક્રિય વાહનોમાં LGV નો હિસ્સો માત્ર ૧.૨% જેટલો છે, પરંતુ વાહનો દ્વારા થતા કણોના ઉત્સર્જન (Particulate Matter) માં તેમનો હિસ્સો ૩.૩% જેટલો મોટો છે. આ પ્રદૂષણને અટકાવવા માટે નીચે મુજબ ટાઈમલાઈન નક્કી કરવામાં આવી છે:
૧ જાન્યુઆરી, ૨૦૨૭: દિલ્હી રાજ્યમાં તમામ નવા ડીઝલ, પેટ્રોલ અને CNG N1 શ્રેણીના LGV ના રજીસ્ટ્રેશન પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ થશે.
૧ જુલાઈ, ૨૦૨૭: સૌથી વધુ વાહન ઘનતા ધરાવતા NCR ના પાંચ મુખ્ય જિલ્લાઓ – ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત, ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગર (નોઈડા) માં આ પ્રતિબંધ અમલી બનશે.

૧ જાન્યુઆરી, ૨૦૨૮: બાકીના તમામ NCR જિલ્લાઓમાં N1 શ્રેણીના વાહનો પર પ્રતિબંધ લાગુ કરાશે.
N2 શ્રેણીના વાહનો: ભારે ક્ષમતા ધરાવતા N2 શ્રેણીના વાહનો માટે ૧ જાન્યુઆરી ૨૦૨૮, ૧ જુલાઈ ૨૦૨૮ અને ૧ જાન્યુઆરી ૨૦૨૯ થી તબક્કાવાર કડક નિયંત્રણો મૂકવામાં આવશે.
ઔદ્યોગિક એકમો, સ્ટોન ક્રશર અને રી-ઓપનિંગ પ્રોસેસ પર કડકાઈ
હવાના પ્રદૂષણમાં મોટો ભાગ ભજવતા ઔદ્યોગિક એકમો અને સ્ટોન ક્રશર માટે પણ નિર્દેશ નંબર ૧૦૩ જારી કરવામાં આવ્યો છે. હવેથી સ્ટોન ક્રશિંગ યુનિટ્સ માટે ‘સંમતિથી સંચાલન’ (Consent to Operate – CTO) મેળવવા માટે ધૂળ નિયંત્રણ સિસ્ટમ, વ્હીલ-વોશિંગ ફેસિલિટી અને PM2.5/PM10 સેન્સર્સ સાથે સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત બનશે.
આ ઉપરાંત, પ્રદૂષણના નિયમોનો ભંગ કરવા બદલ અત્યાર સુધી ૧,૮૧૬ એકમોને બંધ કરવાના આદેશો જારી કરવામાં આવ્યા હતા. બંધ કરાયેલા એકમોને ફરીથી શરૂ (Re-open) કરવા માટે હવે માત્ર સોગંદનામું પૂરતું નથી. એકમોએ નિવારક પગલાંના પુરાવા અને પર્યાવરણીય વળતર (EC) ચૂકવવું પડશે, જેની તપાસ CPCB ની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરીને કરવામાં આવશે.
થર્મલ પાવર પ્લાન્ટ્સ પર ₹૬૧.૮૫ કરોડનો દંડ
બાયોમાસ કો-ફાયરિંગ (પરાળી અને બાયોમાસનો કોલસા સાથે ઉપયોગ) ના નિર્ધારિત લક્ષ્યાંકો પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેલા છ થર્મલ પાવર પ્લાન્ટ્સ પર CAQM એ ₹૬૧.૮૫ કરોડનું પર્યાવરણીય વળતર લાદ્યું છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) ના વચગાળાના આદેશોનું પાલન કરીને આમાંથી ₹૩૦.૯૨ કરોડની રકમ ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં વસૂલ પણ કરી લેવામાં આવી છે.

પર્યાવરણ સંશોધન માટે ₹૩.૨૫ કરોડ અને ૪.૬૦ કરોડ વૃક્ષારોપણનું લક્ષ્ય
વાયુ પ્રદૂષણ નિવારણ અને R&D પ્રોજેક્ટ્સ માટે CAQM દ્વારા ₹૩.૨૫ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ રકમથી રોડ-ડસ્ટ, યાંત્રિક સફાઈ તકનીક, ઊંચી ઇમારતોમાં પરાગકણોનું પ્રોફાઇલિંગ અને પરાળી બાળવાની ઘટનાઓની આગાહી કરતી તકનીકો વિકસાવવામાં આવશે.
સાથે જ, દિલ્હી-NCR ના ગ્રીન કવરને વધારવા માટે ૨૦૨૬-૨૭ દરમિયાન ૪,૬૦,૫૪,૭૪૦ છોડ વાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેમાંથી ૪ ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં ૨.૫૩ કરોડથી વધુ રોપાઓનું વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે.
ગ્લોબલ એનર્જી સંકટને ધ્યાનમાં રાખીને હોટલ, રેસ્ટોરન્ટ અને ઉદ્યોગોને વૈકલ્પિક ઇંધણ વાપરવાની મુક્તિ ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે. CAQM ના આ મજબૂત નિર્ણયો ભવિષ્યમાં દિલ્હી-NCR ની હવાને સ્વચ્છ બનાવવા માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે.
