મોદીએ ઉદ્યોગપતિઓને જ કેમ સંભળાવ્યું? પગાર અને નોકરીના મુદ્દે કોંગ્રેસે ઘેર્યા
ભારતમાં રોજગારીની તકો, કર્મચારીઓના પગાર અને ખાનગી ક્ષેત્રના રોકાણને લઈને ફરી એકવાર રાજકીય ચર્ચા તેજ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઉદ્યોગ જગતની અગ્રણી સંસ્થા FICCIના કાર્યક્રમમાં હાજરી આપતાં દેશના મોટા ઉદ્યોગપતિઓને સીધા સવાલો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા આવકવેરામાં રાહત આપવામાં આવી હોવા છતાં ખાનગી કંપનીઓ પોતાના કર્મચારીઓના પગારમાં વધારો કેમ કરતી નથી? કંપનીઓમાં નવા કર્મચારીઓની ભરતી કેમ થતી નથી? વડાપ્રધાનના આ નિવેદન બાદ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે તો વડાપ્રધાનના ભાષણને એવી વ્યક્તિના ભાષણ સાથે સરખાવ્યું છે, જેને પોતાની વિદાય નજીક દેખાઈ રહી હોય.

કોંગ્રેસના સાંસદ અને પક્ષના સંચાર વિભાગના વડા જયરામ રમેશે શુક્રવારે પત્રકારો સાથે વાતચીત દરમિયાન વડાપ્રધાનના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે, ગુરુવારનું ભાષણ સાંભળ્યા પછી એવું લાગી રહ્યું છે કે વડાપ્રધાનને સમજાઈ ગયું છે કે તેઓ ટૂંક સમયમાં ‘વિદાય લેનારા વડાપ્રધાન’ બની શકે છે. તેમના મતે, વડાપ્રધાન હવે પોતાની જવાબદારીઓ સ્વીકારવાને બદલે અન્ય લોકો પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે.
જયરામ રમેશે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન જ્યારે સત્તામાંથી વિદાય લેવાની તૈયારી કરશે ત્યારે દરેક સમસ્યા માટે અન્ય લોકોને જવાબદાર ઠેરવશે. તેઓ પોતાની નિષ્ફળતાઓનો દોષ બીજા પર નાખીને આગળ વધવા માગે છે. જોકે, દેશની અર્થવ્યવસ્થા સામે ઊભા થયેલા પડકારો માટે વડાપ્રધાનની કાર્યપદ્ધતિ, તેમની વિચારસરણી અને સરકારની નીતિઓ જ જવાબદાર છે.
થોડા મોટા ઉદ્યોગપતિઓના હાથમાં આર્થિક સત્તા કેન્દ્રિત થઈ હોવાનો આરોપ
કોંગ્રેસે દેશની વર્તમાન રોજગારીની સ્થિતિ માટે કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓને જવાબદાર ગણાવી છે. જયરામ રમેશે આરોપ લગાવ્યો કે, છેલ્લા 12 વર્ષમાં દેશના વિવિધ ક્ષેત્રોમાં આર્થિક સત્તા થોડાં મોટાં ઉદ્યોગ જૂથોના હાથમાં કેન્દ્રિત થતી ગઈ છે. બજારમાં સ્પર્ધા ઘટી રહી છે અને ગણતરીના મોટા વ્યવસાયિક જૂથોનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે.
તેમના જણાવ્યા અનુસાર, આ સ્થિતિમાં નાના વેપારીઓ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો તથા સામાન્ય નાગરિકોને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે. નાના ઉદ્યોગો માટે મોટા વ્યવસાયિક જૂથો સાથે સ્પર્ધા કરવી મુશ્કેલ બની રહી છે. પરિણામે અનેક વ્યવસાયોની વૃદ્ધિ અટકી રહી છે અને રોજગારીની નવી તકો ઊભી કરવાની ક્ષમતા પણ પ્રભાવિત થઈ રહી છે.
રમેશે સરકારની નીતિઓને કારણે ઉદ્યોગ જગતમાં ભય અને અનિશ્ચિતતાનું વાતાવરણ ઊભું થયું હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમના મતે, જ્યારે ઉદ્યોગપતિઓને સરકારની નીતિઓ અને નિર્ણયોની વિશ્વસનીયતા અંગે જ શંકા હોય, ત્યારે તેઓ નવા પ્રોજેક્ટમાં મોટું રોકાણ કરતાં અચકાય છે. રોકાણકારોનો વિશ્વાસ નબળો પડવાથી ઉત્પાદન, વિસ્તરણ અને રોજગારી સર્જન પર પણ અસર પડે છે.
ચીન સાથે વધતી વેપાર ખાધ અને નાના ઉદ્યોગો પર અસરનો દાવો
જયરામ રમેશે ચીન સાથે ભારતની વધતી વેપાર ખાધનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, ચીન સાથેની વેપાર ખાધ ઐતિહાસિક સ્તરે પહોંચી ગઈ છે. આ પરિસ્થિતિની સીધી અસર દેશના લાખો નાના અને મધ્યમ ઉદ્યોગો પર પડી રહી છે.
કોંગ્રેસના નેતાના મતે, ચીનમાંથી થતી આયાતમાં વધારો થવાથી સ્થાનિક ઉત્પાદકો સામે સ્પર્ધાનો પડકાર ઊભો થયો છે. અનેક નાના ઉદ્યોગો માટે પોતાનો વ્યવસાય ચાલુ રાખવો મુશ્કેલ બની રહ્યો છે. જો આવા ઉદ્યોગો બંધ થવાની સ્થિતિમાં પહોંચે તો તેની અસર માત્ર વેપાર સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ તેમાં કામ કરતા લાખો લોકોની આજીવિકા પણ જોખમમાં મુકાઈ શકે છે.
તેમણે તપાસ એજન્સીઓની કામગીરી અંગે પણ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રમેશે દાવો કર્યો કે, તપાસ એજન્સીઓનો ઉપયોગ એવી રીતે કરવામાં આવી રહ્યો છે કે તેનો લાભ એક જ મોટા ઉદ્યોગ જૂથને મળતો હોય તેવું જણાય છે. જોકે, આ તમામ આરોપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે.

નોટબંધી અને GSTને પણ જવાબદાર ગણાવ્યાં
દેશની આર્થિક સ્થિતિ અંગે વાત કરતાં જયરામ રમેશે વર્ષ 2016ની નોટબંધીના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે નોટબંધીને આત્મઘાતી નિર્ણય ગણાવીને કહ્યું કે, તેના કારણે દેશની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો હતો. ત્યારબાદ કેન્દ્ર સરકારે GST લાગુ કર્યો, પરંતુ તેની જટિલ પ્રક્રિયા અને નિયમોને કારણે વેપારીઓ તથા નાના ઉદ્યોગોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોવાનો તેમણે દાવો કર્યો હતો.
કોંગ્રેસનું કહેવું છે કે, નોટબંધી અને GSTની અમલવારીની અસરોનો સામનો નાના વેપારીઓએ લાંબા સમય સુધી કર્યો છે. આર્થિક પ્રવૃત્તિઓમાં અનિશ્ચિતતા વધવાથી રોજગારી અને નાના વ્યવસાયોની સ્થિતિ પર પણ અસર પડી છે.
FICCIના મંચ પરથી વડાપ્રધાને ઉદ્યોગપતિઓને શું કહ્યું હતું?
ગુરુવારે FICCIના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાનગી ક્ષેત્રની જવાબદારી અંગે સ્પષ્ટ શબ્દોમાં વાત કરી હતી. તેમણે ઉદ્યોગપતિઓને સવાલ કર્યો હતો કે, કેન્દ્ર સરકાર દ્વારા આવકવેરામાં ₹12 લાખ સુધીની આવકને રાહત આપવામાં આવી છે, પરંતુ શું કંપનીઓએ તેના બદલામાં પોતાના કર્મચારીઓના પગારમાં વધારો કર્યો છે? શું તેમણે વધુ લોકોને રોજગારી આપી છે?
વડાપ્રધાને કહ્યું હતું કે, ઉદ્યોગ જગતની અપેક્ષાઓ સતત વધતી રહે છે. સરકાર તરફથી કેટલીય રાહતો આપવામાં આવે છતાં ઉદ્યોગપતિઓની માંગણીઓ પૂરી થતી નથી. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે, ઉદ્યોગપતિઓની વાત હંમેશાં એવી હોય છે કે, ‘મોદીજી, તમે કંઈક કરો, પછી અમે જોઈશું.’
તેમના આ નિવેદનનો મુખ્ય સંદેશ એ હતો કે, સરકાર એકલી દેશના આર્થિક વિકાસ અને રોજગારી સર્જનની જવાબદારી ઉઠાવી શકે નહીં. ખાનગી ક્ષેત્રે પણ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. કંપનીઓએ કર્મચારીઓના પગારમાં વધારો કરવા ઉપરાંત નવી ભરતી અને રોકાણ દ્વારા અર્થતંત્રને મજબૂત બનાવવામાં યોગદાન આપવું જોઈએ.
