રીલ્સ જોઈને F&O માં કૂદી પડ્યા અને ખિસ્સું થઈ ગયું ખાલી! Gen Z ના આ ડરાવના આંકડા જોઈ સેબી પણ ચમકી!
સોશિયલ મીડિયા પર સ્ક્ર્રોલ કરતી વખતે 15 સેકન્ડની રીલમાં લાખ્ખો રૂપિયાના પ્રોફિટ સ્ક્રીનશોટ બતાવતા ‘ફિન-ફ્લુઅન્સર્સ’ (Fin-influencers), સ્માર્ટફોનની સ્ક્રીન પર એક સિંગલ ટેપ અને રાતોરાત કરોડપતિ બની જવાની ઘેલછા—આ ત્રણેય વસ્તુઓએ મળીને ભારતની નવી પેઢી એટલે કે Gen Z (30 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો) ને એક એવા મોહજાળમાં ધકેલી દીધી છે, જેનો અંત ખૂબ જ ભયાનક આવી રહ્યો છે.
ભારતના શેરબજાર અને ડેરિવેટિવ્ઝ માર્કેટમાં આ યુવાનોએ ખૂબ ઉત્સાહ અને ધમાકેદાર એન્ટ્રી તો કરી, પરંતુ હવે તેના પરિણામો તેમની મહેનતની કમાણી અને સપના બંનેને લીલી રહ્યા છે. મૂડીબજારની નિયામક સંસ્થા SEBI (સેબી) ના તાજેતરના ચોંકાવનારા આંકડાઓએ સમગ્ર નાણાકીય જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. SEBI ના આંકડા દર્શાવે છે કે F&O (ફ્યુચર્સ અને ઓપ્શન્સ) માર્કેટમાં યુવાનોની ભાગીદારી જેટલી ઝડપથી વધી છે, તેનાથી પણ વધુ ઝડપથી તેમને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.

શું કહે છે SEBI નો ચોંકાવનારો રિપોર્ટ?
SEBI દ્વારા દેશના ઇક્વિટી ડેરિવેટિવ્ઝ માર્કેટ અને ટ્રેડર્સના વર્તન પર એક ઊંડો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ અભ્યાસના પરિણામો કોઈની પણ ઊંઘ ઉડાડી દે તેવા છે.
નાણાકીય વર્ષ 2026 માં, F&O માર્કેટમાં ટ્રેડિંગ કરતા કુલ વ્યક્તિગત (Individual) ટ્રેડર્સમાંથી 43% ટ્રેડર્સ 30 વર્ષથી ઓછી ઉંમરના હતા. ચાર વર્ષ પહેલાં આ આંકડો માત્ર 31% હતો. એટલે કે ખૂબ જ નાની ઉંમરના યુવાનો આ જોખમી માર્કેટ તરફ આકર્ષાયા છે.
પરંતુ સૌથી ડરામણી વાત એ છે કે આ જ ઉંમરના ગ્રૂપમાં નુકસાન કરવાનો દર સૌથી વધુ રહ્યો છે:
30 વર્ષથી ઓછી ઉંમરના 89% ટ્રેડર્સને ભારે નુકસાન થયું છે.
તેની સામે 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝન ટ્રેડર્સમાં નુકસાનનો આંકડો 81% હતો.
એટલે કે જે ઉંમરમાં કેરિયર બનાવવાનું હોય, પૈસા બચાવવાની કે સ્માર્ટ જગ્યાએ રોકાણ કરવાની શરૂઆત કરવાની હોય, તે જ ઉંમરમાં યુવાનો પોતાની કમાણી અથવા માતા-પિતાના પૈસા F&O ના સટ્ટા જેવા ખેલમાં ગુમાવી રહ્યા છે.
નાના શહેરો અને ઓછી આવક ધરાવતો વર્ગ સૌથી વધુ ટાર્ગેટ
ડેરિવેટિવ્ઝ માર્કેટ હવે માત્ર મુંબઈ, દિલ્હી કે અમદાવાદ જેવા મોટા શહેરો કે અમીર લોકો પૂરતું મર્યાદિત નથી રહ્યું. સ્માર્ટફોન અને સસ્તા ઇન્ટરનેટના કારણે આ ઝેર દેશના નાના-નાના શહેરો અને ગામડાઓ સુધી પહોંચી ગયું છે.
1. રૂ. 5 લાખથી ઓછી આવક ધરાવતા લોકોનું મોટું જોખમ
SEBI ના રિપોર્ટ મુજબ, F&O ટ્રેડિંગ કરતા કુલ ટ્રેડર્સમાંથી લગભગ ત્રણ-ચતુર્થાંશ (75%) લોકોની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી છે.
આ ઓછી આવક ધરાવતા જૂથનો કુલ ટ્રેડિંગ ટર્નઓવરમાં હિસ્સો 43% હતો.
પરંતુ જ્યારે કુલ નુકસાનની વાત આવી, ત્યારે આ ગરીબ અને મધ્યમ વર્ગના હિસ્સે 53% નુકસાન આવ્યું!
આ ઇનકમ ગ્રૂપના 88% ટ્રેડર્સ ખોટમાં રહ્યા, જ્યારે 1 કરોડથી વધુ કમાતા અમીર ટ્રેડર્સમાં આ નુકસાનનો દર 81% હતો.
2. નાના શહેરો (B30) ની આંધળી દોડ
નાણાકીય વર્ષ 2026 માં નાના શહેરો (B30 Cities) ના ઇન્વેસ્ટર્સ ડેરિવેટિવ્ઝ ટ્રેડર્સમાંથી બે-તૃતીયાંશ હિસ્સો ધરાવતા હતા.
વિરોધાભાસ એ છે કે આ નાના શહેરોના લોકો મ્યુચ્યુઅલ ફંડ જેવા સુરક્ષિત એસેટ્સમાં માત્ર 25% હિસ્સો ધરાવે છે, પરંતુ F&O જેવા અત્યંત જોખમી માર્કેટમાં તેમનો હિસ્સો 50% જેટલો છે! આ દર્શાવે છે કે લોકો રોકાણ (Investment) કરવા નથી આવ્યા, પરંતુ સટ્ટો રમીને ટૂંકા ગાળામાં વધુ પૈસા કમાવાની લાલચમાં ફસાયા છે.
ડર ઉપજાવે તેવા આંકડા: ખાલી ખિસ્સે 1 કરોડનું ટ્રેડિંગ!
આ અભ્યાસમાં ટ્રેડર્સના ઇક્વિટી પોર્ટફોલિયો (શેર હોલ્ડિંગ) અને તેમના ટ્રેડિંગ વચ્ચેના સંબંધની પણ તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ખૂબ જ ચિંતાજનક તથ્યો સામે આવ્યા છે:
ઇક્વિટી પોર્ટફોલિયો જ નથી: નાણાકીય વર્ષ 2025-26 માં લગભગ 95 લાખ (78%) ટ્રેડર્સ પાસે 1 લાખ રૂપિયાથી પણ ઓછો ઇક્વિટી પોર્ટફોલિયો હતો. તેમ છતાં આ ગ્રૂપ કુલ ટર્નઓવરમાં 51% ભાગીદારી ધરાવતું હતું અને કુલ નુકસાનમાં તેમનો હિસ્સો 70% હતો!
13% લોકો અને 52% નુકસાન: અભ્યાસમાં જાણવા મળ્યું કે જે ટ્રેડર્સ પાસે 1 લાખ રૂપિયાથી ઓછો પોર્ટફોલિયો હતો પણ તેમનું F&O ટર્નઓવર 1 કરોડ રૂપિયાથી વધુ હતું, તેવા લોકો ટ્રેડર્સની સંખ્યામાં માત્ર 13% હતા, પરંતુ કુલ નુકસાનમાં તેમનો હિસ્સો 52% હતો.
શેર ખરીદ્યા વગર જ સટ્ટો: નાણાકીય વર્ષ 2025-26 માં લગભગ 43 લાખ ટ્રેડર્સ (35%) પાસે ડિમેટ એકાઉન્ટમાં એક પણ ડિલિવરી કે શેર નહોતો. તેઓ કોઈ પણ કંપનીના માલિક બન્યા વગર માત્ર ઓપ્શન ટ્રેડિંગમાં પૈસા ઉડાવી રહ્યા હતા.

ટ્રેડર્સની સંખ્યા ઘટી, પણ નુકસાનનો ગ્રાફ હજુ પણ ઊંચો
એક રાહતના સમાચાર એ છે કે લોકો હવે ધીમે-ધીમે જાગૃત થઈ રહ્યા છે અથવા તો ખિસ્સા ખાલી થઈ જવાના કારણે માર્કેટમાંથી બહાર નીકળી રહ્યા છે. SEBI ના રિપોર્ટ મુજબ, કુલ ઇન્ડિવિજ્યુઅલ ટ્રેડર બેઝમાં 18% નો ઘટાડો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2025 માં ટ્રેડર્સની સંખ્યા 1.06 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2026 માં ઘટીને 87.5 લાખ થઈ ગઈ છે.
પરંતુ આ ઘટાડા છતાં જે નવા અને નાના યુવાનો આ માર્કેટમાં આવી રહ્યા છે, તેઓ રિસ્ક મેનેજમેન્ટ, સ્ટોપલોસ કે માર્કેટ સાયકોલોજી શીખ્યા વગર જ કૂદી પડે છે.
સોશિયલ મીડિયા ‘ફિન-ફ્લુઅન્સર્સ’ નો માયાવી પાશ
Gen Z ના આ ભયાનક નુકસાન પાછળ સોશિયલ મીડિયા પર સક્રિય કહેવાતા ‘ફાઇનાન્શિયલ ઇન્ફ્લુઅન્સર્સ’ નો મોટો હાથ છે.
ટેલિગ્રામ ચેનલો પર “100% ચોક્કસ ટિપ્સ” ના નામે ગેરકાયદે કોલ્સ આપવા.
યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ફેક (બનાવટી) પ્રોફિટના સ્ક્રીનશૉટ બતાવીને મોંઘી ગાડીઓ અને લક્ઝરી લાઇફસ્ટાઇલનું પ્રદર્શન કરવું.
યુવાનોને એવું જિદ્દી મનોવૈજ્ઞાનિક બાઇન્ડિંગ આપવું કે “નોકરી કરીને ધીમે-ધીમે અમીર બનવું નકામું છે, F&O થી જ અસલી પૈસા બને છે.”
આ ભ્રામક દાવાઓને કારણે યુવાનો પોતાના અભ્યાસ કે કેરિયર પર ધ્યાન આપવાના બદલે આખો દિવસ ચાર્ટ અને ગ્રાફ સામે બેસી રહે છે અને અંતે ડિપ્રેશન તથા દેવામાં ડૂબી જાય છે.
સેબીની ચેતવણી અને યુવાનો માટે સલાહ
SEBI એ પોતાના પૃથક્કરણમાં સ્પષ્ટ કર્યું છે કે આ ડેટા માત્ર ટ્રેડર્સની વર્તણૂક દર્શાવે છે. પરંતુ આ આંકડા આંખ ઉઘાડવા માટે પૂરતા છે.
જો તમે પણ 30 વર્ષથી ઓછી ઉંમરના છો અને F&O માર્કેટમાં નસીબ અજમાવી રહ્યા છો, તો આ બાબતો હંમેશા યાદ રાખો:
F&O એ ઇન્વેસ્ટમેન્ટ નથી: ઓપ્શન ટ્રેડિંગ એ ‘ઝીરો-સમ ગેમ’ છે. અહીં કોઈ એક જીતે છે ત્યારે જ બીજો હારે છે. રીટેલ ટ્રેડર્સ સામે મોટા એલ્ગો-ટ્રેડર્સ અને બ્રોકર્સ બેઠા છે, જેમને હરાવવું ખૂબ મુશ્કેલ છે.
પહેલા પાયો મજબૂત કરો: ડેરિવેટિવ્ઝમાં જતા પહેલા સચોટ ઇક્વિટી ટ્રેડિંગ શીખો. મ્યુચ્યુઅલ ફંડ અને SIP દ્વારા લાંબા ગાળાનું રોકાણ શરૂ કરો.
સોશિયલ મીડિયાના ભ્રમથી બચો: સોશિયલ મીડિયા પર દેખાતા નફાના 90% સ્ક્રીનશૉટ એડિટ કરેલા અથવા ડેમો એકાઉન્ટના હોય છે.
