સાવધાન! તમે ખરીદેલું ઘી અસલી છે કે નકલી? FSSAI ની મોટો કાર્યવાહી, એક બ્રાન્ડનું લાઇસન્સ સસ્પેન્ડ
જો તમે પણ ડેઇલી રૂટિનમાં બજારમાંથી પેકેજ્ડ ઘી ખરીદીને ખાવાના શોખીન છો, તો આ સમાચાર તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણો પ્રાધિકરણ (FSSAI) એ ખાદ્ય સુરક્ષાના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરવા બદલ દેશની અગ્રણી પ્રોસેસિંગ અને રિટેલિંગ કંપનીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન અસ્વચ્છતા, નિયમોનું અનુપાલન ન કરવું અને ઘીમાં વનસ્પતિ ભેળસેળ જેવા ગંભીર તત્વો સામે આવતાં જ એક કંપનીનું લાયસન્સ એક મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયું છે, જ્યારે બીજી કંપનીના ઘી ઉત્પાદનોનું વેચાણ તાત્કાલિક અસરથી અટકાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
માર્શે રિટેલનું લાઇસન્સ ૩૦ દિવસ માટે સસ્પેન્ડ
FSSAI ની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા આકસ્મિક નિરીક્ષણ દરમિયાન નવી દિલ્હી સ્થિત ‘માર્શે રિટેલ પ્રાઇવેટ લિમિટેડ’ ના પરિસરમાં ખાદ્ય સુરક્ષા સંબંધિત અનેક ગંભીર ત્રુટિઓ સામે આવી હતી. સરકારી ઓથોરિટીના રિપોર્ટ મુજબ, કંપનીના યુનિટમાં કામગીરી અને ડિઝાઇનમાં ગંભીર ખામીઓ હતી. આ ઉપરાંત, ત્યાં કામ કરતા કર્મચારીઓની વ્યક્તિગત સ્વચ્છતાનો ભારે અભાવ જોવા મળ્યો હતો.

ખોરાકની હેરફેર (Food Handling) કરતા કર્મચારીઓમાં બેદરકારી, દસ્તાવેજો અને રેકોર્ડ્સ યોગ્ય રીતે ન રાખવા તેમજ સ્ટાફને યોગ્ય ફૂડ સેફ્ટી ટ્રેનિંગ ન આપવા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને FSSAI એ માર્શે રિટેલનું ફૂડ લાઇસન્સ ૩૦ દિવસ માટે અટકાવી દીધું છે.
દમણની SDP ઇન્ડસ્ટ્રીઝના ઘીમાં સામે આવી ભેળસેળ
બીજી તરફ, FSSAI એ દમણ સ્થિત ‘SDP ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ’ સામે પણ આકરું વલણ અપનાવ્યું છે. આ કંપની દ્વારા ઉત્પાદિત અને માર્કેટમાં સપ્લાય કરવામાં આવતા ઘીના નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણમાં નિષ્ફળ નિવડ્યા છે. ખાસ કરીને આ કંપની દ્વારા ‘શ્રદ્ધા’ (Shraddha), ‘શ્રી સરસ’ (Shree Saras) અને ‘ગોકુલ’ (Gokul) જેવા પ્રખ્યાત બ્રાન્ડ નામો હેઠળ ઘીનું વેચાણ કરવામાં આવતું હતું.

લેબ ટેસ્ટિંગના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ ઘીના નમૂનાઓમાં α-સિટોસ્ટેરોલ (Alpha-Sitosterol) નામના કેમિકલ તત્વની હાજરી મળી આવી છે. α-સિટોસ્ટેરોલ એ પ્લાન્ટ સ્ટીરોલ (છોડમાંથી મળતી ચરબી) છે, જે શુદ્ધ ઘીમાં બિલકુલ ન હોવું જોઈએ. તેની હાજરી સીધી રીતે સૂચવે છે કે ઘીમાં વનસ્પતિ તેલ કે અન્ય પામ ઓઇલ જેવી અયોગ્ય ચીજોની ભેળસેળ કરવામાં આવી હતી. આ સિવાય ઘીની ફેટી એસિડ પ્રોફાઇલ પણ સામાન્ય ધોરણો કરતાં ભિન્ન અને અસામાન્ય જોવા મળી હતી.
ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં નહીં ચલાવી લેવાય
FSSAI એ સ્પષ્ટ કર્યું છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા કોઈપણ ઉત્પાદકો કે રિટેલર્સને બક્ષવામાં નહીં આવે. જ્યાં સુધી આ કંપનીઓ પોતાના પ્રોડક્શન અને સપ્લાય ચેઇનમાં સુધારો કરીને તમામ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ પૂરા નહીં કરે, ત્યાં સુધી તેમના પર આ પ્રતિબંધો યથાવત રહેશે. સત્તાવાળાઓએ ગ્રાહકોને પણ સલાહ આપી છે કે પેકેજ્ડ ઘી કે કોઈ પણ ખાદ્ય પદાર્થ ખરીદતી વખતે FSSAI લાઇસન્સ નંબર અને બ્રાન્ડની શુદ્ધતાની ચકાસણી અવશ્ય કરવી.
