ઈરાન પર દબાણ લાવવાના બહાને અમેરિકાની મનસ્વી કાર્યવાહી, ૪ ભારતીય કંપનીઓ અને ૩ નાગરિકો પર લાદવામાં આવ્યા કડક યુએસ પ્રતિબંધો
રશિયા પાસેથી તેલ ખરીદી પર મનસ્વી રીતે કડક વલણ અપનાવ્યા બાદ, અમેરિકાએ હવે ઈરાન સાથેના વેપારી સંબંધોને લક્ષ્ય બનાવીને ભારત સ્થિત કંપનીઓ સામે આકરા આર્થિક પ્રહારો કર્યા છે. વોશિંગ્ટને ઈરાન પર આર્થિક દબાણ વધારવાના ઉદ્દેશ્યથી શરૂ કરેલા તેના નવા અભિયાન ‘ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ’ (Operation Economic Outcast) હેઠળ ભારત સ્થિત ૪ વેપારી કંપનીઓ અને ૩ ભારતીય નાગરિકો પર કડક પ્રતિબંધો લાદી દીધા છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટનો આરોપ છે કે આ ભારતીય સંસ્થાઓએ ઈરાનના સેન્ક્શન્ડ (પ્રતિબંધિત) પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનોના વેપારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
કઈ ૪ ભારતીય કંપનીઓ પર મૂકાયો પ્રતિબંધ?
અમેરિકી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી બ્લેકલિસ્ટમાં ભારત સ્થિત ચાર મુખ્ય કંપનીઓના નામ સામેલ છે. જેમાં પોર્ટેજ પાર્ટનર્સ એલએલપી (Portage Partners LLP), સદાશિવા ઓવરસીઝ લિમિટેડ (Sadashiva Overseas Ltd), પીપી સોફ્ટેક પ્રાઇવેટ લિમિટેડ (PP Softech Pvt Ltd) અને પ્રકૃતિસ ઇન્ફ્રા ઇમ્પેક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (Prakritis Infra Impex India Pvt Ltd) નો સમાવેશ થાય છે.
આ યાદીમાં પોર્ટેજ પાર્ટનર્સ એલએલપીની ભૂમિકા કસ્ટમ બ્રોકર તરીકેની દર્શાવવામાં આવી છે. અમેરિકાનો આક્ષેપ છે કે આ કંપનીએ ઈરાની પેટ્રોકેમિકલ ઉત્પાદનોના અનેક શિપમેન્ટ્સને ભારતમાં આયાત કરવા માટે સુવિધા પૂરી પાડી હતી. આ જ કંપની સાથે સંકળાયેલા બે ભારતીય નાગરિકો, ઇન્દ્રસ્મિયા અશરફમિયા શેખ અને હરીશ રામચંદ્ર રંગીને પણ યુએસ સરકાર દ્વારા પ્રતિબંધિત વ્યક્તિઓની યાદીમાં મૂકવામાં આવ્યા છે.

સદાશિવા ઓવરસીઝ પર $૬૯ મિલિયનના વ્યવહારનો આરોપ
અમેરિકાની આ સમગ્ર કાર્યવાહીમાં સૌથી મોટો કથિત નાણાકીય વ્યવહાર સદાશિવા ઓવરસીઝ લિમિટેડ સાથે જોડાયેલો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના દસ્તાવેજો અનુસાર, આ કંપનીએ ફેબ્રુઆરી ૨૦૨૪ થી જૂન ૨૦૨૫ વચ્ચેના ગાળામાં આશરે $૬૯ મિલિયન (આશરે રૂ. ૫૮૦ કરોડ) ની કિંમતના ઈરાની મૂળના પેટ્રોલિયમ ઉત્પાદનોની ભારત ખાતે આયાત કરી હતી.
અમેરિકાનો દાવો છે કે સદાશિવા ઓવરસીઝે આમાંથી કેટલાક શિપમેન્ટ્સ એવા વિદેશી સપ્લાયર્સ પાસેથી મેળવ્યા હતા, જેમના પર અમેરિકી વહીવટીતંત્રે પહેલાથી જ પ્રતિબંધો લાદેલા હતા. અમેરિકાના મતે આ વેપાર માત્ર સામાન્ય વ્યાપારી પ્રવૃત્તિ ન હતો, પરંતુ ઈરાનની આર્થિક વ્યવસ્થાને મદદરૂપ થતો ગેરકાયદેસર વ્યવહાર હતો.

અન્ય બે કંપનીઓ અને $૧૧૯ મિલિયનનો કુલ આંકડો
આ સિવાય અન્ય બે ભારતીય કંપનીઓ પણ વોશિંગ્ટનના નિશાના પર આવી છે. પીપી સોફ્ટેક પ્રાઇવેટ લિમિટેડ પર જાન્યુઆરી ૨૦૨૪ થી જૂન ૨૦૨૫ વચ્ચે આશરે $૨૫ મિલિયન (આશરે રૂ. ૨૧૦ કરોડ) ના ઈરાની પેટ્રોલિયમ ઉત્પાદનો આયાત કરવાનો આરોપ છે. આ કંપનીના ડિરેક્ટર અને ભારતીય નાગરિક પ્રશાંત ગર્ગ પર પણ યુએસ દ્વારા વ્યક્તિક રીતે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
તેવી જ રીતે, પ્રકૃતિસ ઇન્ફ્રા ઇમ્પેક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પર મે ૨૦૨૩ થી ફેબ્રુઆરી ૨૦૨૬ ના સમયગાળા દરમિયાન $૨૫ મિલિયન મૂલ્યના ઈરાની મૂળના શિપમેન્ટ્સ મંગાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અમેરિકી આંકડા અનુસાર, આ ત્રણેય આયાતકાર કંપનીઓ દ્વારા નોંધાયેલી આયાતનું કુલ મૂલ્ય આશરે $૧૧૯ મિલિયન એટલે કે રૂ. ૧,૦૦૦ કરોડ થાય છે.
વૈશ્વિક રાજનીતિ વચ્ચે ભારત પર અસરો
ફેબ્રુઆરી ૨૦૨૬ થી પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલો ભૌગોલિક-રાજકીય તણાવ હવે ભારતીય વેપારીઓ માટે મોટો પડકાર બની ગયો છે. ઈરાન પર દબાણ બનાવવા માટે અમેરિકા અન્ય સાર્વભૌમ દેશોની કંપનીઓ પર જે રીતે એકતરફી પ્રતિબંધો લાદી રહ્યું છે તેનાથી ભારતીય ઉદ્યોગ જગતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ નિર્ણયથી ભારતીય કંપનીઓના આંતરરાષ્ટ્રીય બેંકિંગ વ્યવહારો અને વૈશ્વિક સપ્લાય ચેઈન પર વિપરીત અસર પડવાની પૂરતી શક્યતાઓ છે.
