અદાણી એનર્જી સોલ્યુશન્સને મોટો બિઝનેસ બૂસ્ટ, ₹4,700 કરોડનો ટ્રાન્સમિશન પ્રોજેક્ટ મળ્યો
વૈશ્વિક સ્તરે વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત અદાણી પોર્ટફોલિયોની અગ્રણી કંપની અને ભારતની સૌથી મોટી ખાનગી પાવર ટ્રાન્સમિશન અને વિતરણ કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) એ ગ્રીન એનર્જી ક્ષેત્રે વધુ એક મોટી સફળતા મેળવી છે. કંપનીએ કર્ણાટકમાં ઉત્પાદિત થતી નવીનીકરણીય ઊર્જા (રિન્યુએબલ એનર્જી) ને મહારાષ્ટ્રના મુખ્ય વીજ વપરાશ કેન્દ્રો સુધી પહોંચાડવા માટે આશરે રૂ. ૪,૭૦૦ કરોડ નો અંદાજિત મૂડી ખર્ચ (CAPEX) ધરાવતો એક મહત્વપૂર્ણ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ પોતાના નામે કર્યો છે.
આ નવો પ્રકલ્પ મહારાષ્ટ્રના સાતારા, પુણે અને મુંબઈ મેટ્રોપોલિટન રિજીઅન (MMR) માં ઝડપથી વિકસી રહેલી પમ્પ્ડ સ્ટોરેજ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે. આ પ્રોજેક્ટ ઉમેરાવાની સાથે જ અદાણી એનર્જી સોલ્યુશન્સની કુલ ટ્રાન્સમિશન ઓર્ડર બુક હવે વધીને રૂ. ૮૫,૦૦૦ કરોડ ના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે.

કડક સ્પર્ધા વચ્ચે દેશની સૌથી ઓછી બોલી લગાવી મેળવ્યો ઓર્ડર
પશ્ચિમ ક્ષેત્રમાં નેટવર્ક વિસ્તરણ યોજના હેઠળ આયોજિત આ પ્રોજેક્ટનું અધિકૃત નામ “સાતારા નજીક ૪૫૦૦ મેગાવોટની ક્ષમતા સુધીના પમ્પ્ડ સ્ટોરેજ પોટેન્શિયલ ભાગ-A” છે.
કંપનીએ આ પ્રોજેક્ટ ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બિડિંગ (Tariff-Based Competitive Bidding – TBCB) પ્રક્રિયા દ્વારા મેળવ્યો છે, જેમાં અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. એ અન્ય તમામ હરીફ કંપનીઓને પછાડીને સૌથી ઓછી બોલી (L1) લગાવી હતી.
૩૬ મહિનામાં રાષ્ટ્રને સમર્પિત કરાશે આ વિશાળ ટ્રાન્સમિશન માળખું
આ પ્રોજેક્ટનું નિર્માણ સાતારા પાવર ટ્રાન્સમિશન લિમિટેડ હેઠળ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) મારફત કરવામાં આવશે. આ પ્રકલ્પ આગામી ૩૬ મહિના માં પૂર્ણ કરીને દેશને સમર્પિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
આ નવા ઓર્ડરના કારણે અદાણી એનર્જી સોલ્યુશન્સના પોર્ટફોલિયોમાં નવી ક્ષમતાઓ ઉમેરાશે:
ટ્રાન્સમિશન લાઇન: ૫૬૨ સર્કિટ કિલોમીટર (ckm) નો નવો ઉમેરો.
ટ્રાન્સફોર્મેશન ક્ષમતા: ૯,૦૦૦ MVA નો ઉમેરો.
આ ઉમેરા સાથે, કંપનીનું કુલ સંચિત ટ્રાન્સમિશન નેટવર્ક વધીને ૨૯,૭૩૯ ckm અને કુલ ટ્રાન્સફોર્મેશન ક્ષમતા ૧,૪૩,૪૨૫ MVA ની અદભુત સપાટીએ પહોંચી જશે.
દક્ષિણ અને પશ્ચિમ ભારત વચ્ચે વીજ પ્રવાહ થશે મજબૂત: કંદર્પ પટેલ
અદાણી એનર્જી સોલ્યુશન્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) કંદર્પ પટેલે આ સફળતા અંગે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “ભારત અત્યારે સ્વચ્છ ઊર્જા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ સંક્રમણ કાળમાં પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ એક અત્યંત મહત્વપૂર્ણ સક્ષમ વિકલ્પ તરીકે ઉભરી આવ્યા છે. તે વીજ ગ્રીડમાં મોટા પાયે સોલર અને વિન્ડ જેવી નવીનીકરણીય ઊર્જાને એકીકૃત કરવા માટે જરૂરી સ્થિરતા અને વિશ્વસનીયતા પૂરી પાડે છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “સાતારા ટ્રાન્સમિશન પ્રકલ્પ ગ્રીન એનર્જીના ટ્રાન્સફર અને ઊર્જા સંગ્રહ (એનર્જી સ્ટોરેજ) બંને માટે એક મજબૂત બેકબોન સાબિત થશે. આ પ્રોજેક્ટ દક્ષિણ અને પશ્ચિમ ભારત વચ્ચે પાવર ફ્લો (વીજ પ્રવાહ) ને વધુ સક્ષમ બનાવશે. અમે ભવિષ્ય માટે તૈયાર એવું આંતરમાળખું બનાવવા પ્રતિબદ્ધ છીએ જે ભારતને કાર્બન મુક્ત (ડીકાર્બોનાઇઝેશન) બનાવવાના લાંબા ગાળાના લક્ષ્યોને વેગ આપશે.”

પ્રોજેક્ટની મુખ્ય તાંત્રિક લાક્ષણિકતાઓ
આ વિશાળ ટ્રાન્સમિશન પ્રકલ્પ હેઠળ નીચે મુજબના મુખ્ય બાંધકામો હાથ ધરવામાં આવશે:
સાતારા વિસ્તારમાં કોલ્હાપુર-સાતારા ૭૬૫/૪૦૦ kV ડબલ-સર્કિટ ટ્રાન્સમિશન લાઇન નું નિર્માણ.
સંલગ્ન ટ્રાન્સમિશન માળખાની સાથે કોલ્હાપુર પૂલિંગ સ્ટેશન નું વ્યાપક વિસ્તરણ.
ભારત દેશના 500 GW ના લક્ષ્યમાં અદાણીનો મુખ્ય ફાળો
ભારત સરકારે વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટ (GW) નોન-ફોસિલ (બિન-અશ્મિભૂત) ઊર્જા ક્ષમતા સ્થાપિત કરવાનો મજબૂત સંકલ્પ કર્યો છે. આ મહત્વાકાંક્ષી લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દેશમાં એક અત્યાધુનિક પાવર ટ્રાન્સમિશન માળખું હોવું અનિવાર્ય છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. સમગ્ર દેશમાં મુખ્ય ઔદ્યોગિક અને શહેરી વપરાશ કેન્દ્રોને સૌર, પવન અને પમ્પ્ડ સ્ટોરેજ ઊર્જા સાથે સાંકળતી વિશિષ્ટ ટ્રાન્સમિશન યોજનાઓ બનાવીને આ ક્ષેત્રે દેશમાં અગ્રણી અને શિરમોર સ્થાન ધરાવે છે.
