દર ૨૧ સેકન્ડે એક જીવન બચે છે! વડાપ્રધાન મોદીના વિઝનથી શરૂ થયેલી સેવાએ રચ્યો નવો ઈતિહાસ!
જ્યારે કોઈ વ્યક્તિ અચાનક અકસ્માતનો ભોગ બને છે, ગંભીર બીમારીનો હુમલો આવે છે અથવા ઘરમાં કોઈ સગર્ભા મહિલાને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની જરૂર પડે છે, ત્યારે ગુજરાતના નાગરિકોના મોંમાંથી સૌથી પહેલો જે શબ્દ નીકળે છે તે છે— ‘૧૦૮’.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી વિઝન સાથે ૨૯ ઓગસ્ટ ૨૦૦૭ના રોજ રોપાયેલું આ સેવાનું નાનું છોડવું આજે ૧૯ વર્ષ પૂર્ણ કરીને ૨૦મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી ચૂક્યું છે. ૧૦૮ એ માત્ર એક એમ્બ્યુલન્સ સેવા નથી, પરંતુ દર્દીને હોસ્પિટલ પહોંચાડતા પહેલાં જ રસ્તામાં મળી જતી આધુનિક ‘પ્રિ-હોસ્પિટલ કેર’ (Pre-Hospital Care) છે, જેણે અત્યાર સુધીમાં લાખો પરિવારના ચહેરા પર સ્મિત જાળવી રાખ્યું છે.
આંકડા નહીં પણ ૧૯.૬૬ લાખ પરિવારના અસલી ભરોસાની યાત્રા
છેલ્લા ૧૯ વર્ષની આ અવિરત સેવાકીય યાત્રા દરમિયાન ૧૦૮ ઈમરજન્સી સર્વિસે રાજ્યના ૧ કરોડ ૯૯ લાખથી પણ વધુ નાગરિકોને આપાતકાલીન સમયે તાત્કાલિક મદદ પહોંચાડી છે. તંત્રના અદ્યતન સંચાલનના કારણે ૧૦૮ સેવાની સૌથી મોટી સિદ્ધિ એ છે કે કટોકટીમાં મુકાયેલા ૧૯ લાખ ૬૬ હજારથી વધુ લોકોના જીવ સમયસર સારવાર આપીને બચાવી શકાયા છે.
આ ૧૯ વર્ષ દરમિયાન ૧૦૮ ના વાહનોએ સમગ્ર રાજ્યમાં ખૂણે-ખૂણે ફરીને ૬૨ કરોડથી પણ વધુ કિલોમીટરનું સફર કાપ્યું છે.
મેડિકલ ઈમરજન્સી: ૧ કરોડ ૯૬ લાખ ૪૨ હજારથી વધુ કેસો.
પોલીસ સંબંધિત મદદ: ૨ લાખ ૫૫ હજારથી વધુ કેસો.
ફાયર ઇમરજન્સી: ૮ હજાર ૩૦૦ થી વધુ આગના બનાવોમાં મદદ.
ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુઓ માટે વરદાન
ગુજરાતમાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના રાજ્ય સરકારના ભગીરથ પ્રયાસોમાં ૧૦૮ સેવાનો સિંહફાળો રહ્યો છે.
૧૯ વર્ષમાં ૬૨ લાખ ૯૭ હજારથી વધુ ગર્ભાવસ્થા અને પ્રસૂતિ સંબંધિત કટોકટીના કેસોમાં ૧૦૮ ના કમાન્ડોઝ પહોંચ્યા છે.
અતિ ગંભીર પરિસ્થિતિમાં જ્યારે હોસ્પિટલ પહોંચવાનો સમય નહોતો, ત્યારે ૧૦૮ ના તાલીમબદ્ધ પેરામેડિકલ સ્ટાફે એમ્બ્યુલન્સમાં કે ઘટનાસ્થળે જ ૧ લાખ ૬૪ હજારથી વધુ સુરક્ષિત પ્રસૂતિઓ કરાવીને માતા અને બાળકના જીવ બચાવ્યા છે.
આ ઉપરાંત, ૨૪ લાખ ૧૮ હજારથી વધુ માર્ગ અકસ્માતના દર્દીઓ, ૧૧ લાખ ૭૭ હજારથી વધુ શ્વાસની તકલીફ વાળા દર્દીઓ અને ૯ લાખ ૮૭ હજારથી વધુ હૃદયરોગના હુમલા (Heart Attack) ના દર્દીઓને ‘ગોલ્ડન અવર’માં હોસ્પિટલ પહોંચાડીને નવજીવન આપવામાં આવ્યું છે.
ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ અને અદ્યતન ટેકનોલોજીનો સમન્વય
૧૦૮ સેવાની ઝડપ જ તેની સૌથી મોટી તાકાત છે. કંટ્રોલ રૂમમાં આવતા ૯૯ ટકાથી વધુ ફોન કોલ્સનો જવાબ પ્રથમ બે રીંગમાં જ આપી દેવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરના સર્વિસ ધોરણો કરતાં પણ શ્રેષ્ઠ છે.
હાલમાં સમગ્ર ગુજરાતમાં દર ૨૧ સેકન્ડે એક ૧૦૮ એમ્બ્યુલન્સ ઈમરજન્સી દર્દી તરફ રવાના થાય છે અને તેનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ માત્ર ૧૩:૦૯ મિનિટ છે.
અમદાવાદના નરોડા-કઠવાડા ખાતે ૧૫ એકરમાં ફેલાયેલું અદ્યતન ‘સ્ટેટ-ઓફ-ધી-આર્ટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર’ ચોવીસે કલાક કાર્યરત રહે છે. અહીં અદ્યતન CAD Application અને લોકેશન બેઝ્ડ સર્વિસ દ્વારા કોલ કરનારનું લોકેશન સ્ક્રીન પર ઓટોમેટિક આવી જાય છે, જેથી સમયનો સહેજ પણ વ્યય થયા વિના તુરંત જ નજીકની એમ્બ્યુલન્સ લોકેશન પર મોકલી શકાય છે. આ સાથે પેપરલેસ સિસ્ટમ અને ‘૧૦૮ સીટીઝન મોબાઈલ એપ’થી સેવાની ઝડપ બમણી થઈ છે.
હવા, જમીન અને દરિયામાં પણ રક્ષણ: એર અને બોટ એમ્બ્યુલન્સ
સમયની સાથે ૧૦૮ સેવા વધુ આધુનિક બની છે. દૂરના કે દુર્ગમ વિસ્તારોમાંથી દર્દીને તાત્કાલિક મોટા શહેરોની હોસ્પિટલમાં શિફ્ટ કરવા માટે GUJSAIL અને GVK EMRI ના સહયોગથી સમગ્ર દેશમાં પ્રથમ વખત સંકલિત ‘એર એમ્બ્યુલન્સ સેવા’ શરૂ કરવામાં આવી છે.
તેવી જ રીતે, દરિયામાં અઠવાડિયાઓ સુધી કામ કરતા માછીમારોના આરોગ્યની સુરક્ષા માટે પોરબંદર અને ઓખા બંદર ખાતે વિશેષ ‘બોટ એમ્બ્યુલન્સ સેવા’ પણ કાર્યરત કરવામાં આવી છે.
‘૧૧૨’ ઈમરજન્સી સેવાનું સફળ એક વર્ષ પૂર્ણ
મેડિકલ ઉપરાંત નાગરિકોને પોલીસ અને અન્ય કોઈ પણ ઈમરજન્સીમાં તાત્કાલિક એક જ નંબર પરથી મદદ મળી રહે તે માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે શરૂ કરાયેલી એકીકૃત હેલ્પલાઈન ‘૧૧૨’ ની સેવાને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે.
આ પ્રથમ જ વર્ષમાં ૧૧૨ હેલ્પલાઈન દ્વારા ૧૦ લાખથી વધુ ઈમરજન્સી કોલ્સ એટેન્ડ કરવામાં આવ્યા છે. કંટ્રોલ રૂમ દ્વારા પ્રતિ મિનિટ સરેરાશ ૧૦ કોલ એટેન્ડ કરીને ગણતરીની મિનિટોમાં સ્થળ પર પોલીસ કે જરૂરી મદદ પહોંચાડવામાં આવી છે.
