2027 ODI વર્લ્ડ કપ પહેલા ઇંગ્લેન્ડની મોટી તૈયારી: ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસનને બનાવ્યા વ્હાઇટ-બોલ ટીમના સ્પેશિયાલિસ્ટ મેન્ટર
આગામી ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને તમામ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમોએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. આ કડીમાં ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ એક મોટો અને સર્પ્રાઇઝિંગ નિર્ણય લીધો છે. બોર્ડે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન અને કેપ્ટન કેવિન પીટરસનને પુરુષોની વ્હાઇટ-બોલ (ODI અને T20) ટીમ માટે નવા સ્પેશિયાલિસ્ટ મેન્ટર તરીકે નિયુક્ત કર્યા છે.
કેવિન પીટરસનને તેમના સમયના સૌથી આક્રમક અને દિગ્ગજ ખેલાડીઓમાં ગણવામાં આવે છે. 2014 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના લગભગ 12 વર્ષ પછી તેઓ ફરી એકવાર ઇંગ્લેન્ડની જર્સી અને ડ્રેસિંગ રૂમમાં નવી ભૂમિકા સાથે વાપસી કરી રહ્યા છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ તેમના બહોળા અનુભવનો ઉપયોગ કરીને ટીમની બેટિંગ અને માનસિક તૈયારીઓને વર્લ્ડ કપ માટે વધુ મજબૂત બનાવવા માંગે છે.

શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા શ્રેણીથી પીટરસનની નવી ઇનિંગ્સ શરૂ થશે
કેવિન પીટરસનનો આ નવો કાર્યકાળ સપ્ટેમ્બર મહિનાના અંતમાં શ્રીલંકા સામે રમાનારી T20 અને ODI શ્રેણીથી શરૂ થશે. હાલમાં ઇંગ્લેન્ડ પાકિસ્તાન સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમી રહ્યું છે, પરંતુ તે પૂરી થયા બાદ પીટરસન ટીમ સાથે જોડાશે.
નવેમ્બર મહિનામાં ઇંગ્લેન્ડની ટીમ વ્હાઇટ-બોલ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરનારી છે, જ્યાં પણ પીટરસન ટીમ સાથે હાજર રહેશે અને ખેલાડીઓને માર્ગદર્શન આપશે. વર્લ્ડ કપ સુધીના આગામી 15 મહિના દરમિયાન તેઓ સતત વ્હાઇટ-બોલ ટીમના ખેલાડીઓ સાથે કામ કરશે.
પીટરસન બ્રેન્ડન મેક્કુલમના કોચિંગ સ્ટાફનો એક મહત્વપૂર્ણ ભાગ બનશે. આ સ્ટાફમાં તેમની સાથે માર્કસ ટ્રેસ્કોથિક, ટિમ સાઉથી, સારાહ ટેલર અને જીતન પટેલ જેવા અનુભવી નામો પણ સામેલ છે. આ પહેલાં પીટરસન ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં દિલ્હી કેપિટલ્સ સાથે મેન્ટર તરીકે કામ કરવાનો અનુભવ ધરાવે છે.
દક્ષિણ આફ્રિકામાં જન્મ અને સ્થાનિક પરિસ્થિતિઓનો લાભ
આગામી ODI વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાવાનો છે. આ સંદર્ભમાં પીટરસનની ન્યુક્તિ ઇંગ્લેન્ડ માટે સૌથી મોટો ફાયદો સાબિત થઈ શકે છે.
નોંધનીય છે કે, કેવિન પીટરસન ઇંગ્લેન્ડ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા હોવા છતાં, તેમનો જન્મ દક્ષિણ આફ્રિકાના પીટરમેરિટ્ઝબર્ગમાં થયો હતો. તેમણે પોતાની ક્રિકેટ કારકિર્દીના શરૂઆતના દિવસો દક્ષિણ આફ્રિકામાં વિતાવ્યા હોવાથી તેઓ ત્યાંની પિચો, હવામાન અને પરિસ્થિતિઓથી ખૂબ જ સારી રીતે વાકેફ છે. તેમની આ સ્થાનિક જાણકારી દક્ષિણ આફ્રિકાની ધરતી પર રમાનારા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડના બેટ્સમેનો માટે ખૂબ મદદરૂપ થશે.

પીટરસન અને મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમની પ્રતિક્રિયા
આ મહત્વપૂર્ણ જવાબદારી મળ્યા બાદ કેવિન પીટરસને ભારે ખુશી અને સન્માન વ્યક્ત કર્યું છે. પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું હતું:
“દક્ષિણ આફ્રિકામાં વર્લ્ડ કપ જીતવાની આ સફરમાં આ ટીમની મદદ કરવા માટે મને પસંદ કરવામાં આવ્યો તે મારા માટે અત્યંત ગર્વની વાત છે. 2014 પછી પહેલીવાર ઇંગ્લેન્ડનો યુનિફોર્મ પહેરવો એ એક બહુ મોટું સન્માન અને વિશેષ ક્ષણ છે. આપણી પાસે વ્હાઇટ-બોલ ક્રિકેટમાં અદ્ભુત ટેલેન્ટ છે અને ખેલાડીઓની ક્ષમતાનો પૂરતો ઉપયોગ કરવા માટે હું તેમની સાથે સખત મહેનત કરવા ઉત્સુક છું.”
ઇંગ્લેન્ડના વ્હાઇટ-બોલ હેડ કોચ બ્રેન્ડન મેક્કુલમે પણ પીટરસનનું ટીમમાં સ્વાગત કરતા કહ્યું હતું કે, KP (કેવિન પીટરસન) એ ક્રિકેટમાં જે સિદ્ધિઓ મેળવી છે તેના પ્રત્યે તેમને ખૂબ આદર છે. પીટરસન પાસે આંતરરાષ્ટ્રીય સ્તરનું જે કૌશલ્ય અને સમજ છે, તેનો સૌથી વધુ ફાયદો ઇંગ્લેન્ડના યુવાન બેટ્સમેનોને થશે.
