સેટેલાઇટમાં રહેતી યુવતીને ફિલ્મી સ્ટાઇલ માં પ્રેમ થયો
દિલ્હીની જેમ હવે અમદાવાદમાં પણ સગીર જેવા અનેક બાળકો પણ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે. માલદાર લોકોના બાળકો આવા ડ્રગ્સના રવાડે ચડ્યા બાદ પોતાની જિંદગીને ખરાબ કરી દેતાં હોય છે. આવામાં એક નવો કિસ્સો અમદાવાદ શહેરમાં બન્યો છે. અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા સેટેલાઇટ વિસ્તારમાં રહેતી યુવતી એક યુવક સાથે પ્રેમમાં ફસાઈ ગઈ હતી .જો કે પ્રેમમાં તેને દગો મળતાં સગીરા ડ્રગ્સ,દારૂ જેવા નશાના રસ્તે ચડી ગઈ હતી.યુવતી રોજ નશાની હાલતમાં ઘરે આવતી હતી.
- સગીરા બ્લેડ વડે હાથમાં ઘા મારી આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કરતી.
ડ્રગ્સ જેવા નશામાં ધૂત થઈ ગયેલી સગીરાએ હાથમાં બ્લેડ વડે ઘા મારી આત્મહત્યા કરવાના ઘણા પ્રયાસો કર્યા હતા .જેથી તેના પરિવારે મહિલા હેલ્પલાઇન 181ની મદદ લીધી હતી. ત્યારબાદ હેલ્પલાઇનની ટીમે સગીરાને હવે પછી આવું ન કરવા સમજાવીને બચાવી હતી. મહિલા હેલ્પલાઇન નંબર 181ને શહેરના સેટેલાઇટ વિસ્તારમાંથી ફોન આવ્યો હતો કે, મારી દીકરી નશાકારક પદાર્થોનું સેવન કરી રહી છે અને પરિવારનું કહેવું માનતી નથી અમે સમજાવ્યે છતાં તે સમજતી નથી. જેથી મહિલા હેલ્પલાઇનની ટીમ તરત જ સગીરાના ઘરે પહોંચી હતી.
- પ્રેમીએ દગો આપતા જ તેણે નશો શરુ કર્યો
સગીરાના ઘરે પહોંચતાં જ હેલ્પલાઈન ટીમે સગીરાના હાથમાં બ્લેડના ટુકડા જોયા, હેલ્પલાઈને તેના હાથમાંથી ટુકડા લીધા અને તેની સમગ્ર બાબત જાણી હતી. સગીરાને એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. સગીરા યુવકના પ્રેમમાં પાગલ હતી. જો કે યુવકને બીજી યુવતી ગમી જતા તેણે સગીરાને બ્રેકઅપ કહેતા તેની સાથેના પ્રેમસંબંધ તોડી નાખ્યા હતા. પાગલ પ્રેમમાં ખોવાયેલી સગીરા તેના પ્રેમીએ તરછોડી દેતા ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી.
પ્રેમમાં દગો મળતાં સગીરા ખોટા રસ્તા પર ચડતા ડ્રગ્સ લેવાનું શરૂ કરી દીધું હતું. સગીરાએ બહારથી ડ્રગ્સની ગોળીઓ સાથે અનેકવાર દારૂ પણ પીવાનું શરૂ કર્યુ હતું. ડ્રગ્સ,દારૂ પીને રોજ ઘરે આવતી હતી. નશામાં ધૂત સગીરા ઘરના સભ્યો,માતાપિતાને હેરાન કરવા લાગતી હતી. બ્લેડ લઈને હાથમાં ઘા મારવાના અનેક પ્રયત્ન કરતી હતી, જેથી છેવટે તેના માતા-પિતાએ મહિલા હેલ્પલાઇન અભયમની મદદ લીધી હતી. હેલ્પલાઇનની ટીમે સગીરાને સમજાવી ભવિષ્યમાં આવું ન કરવા કહ્યું હતું. સગીરાએ પણ એમને નશાકારક દ્રવ્યોનું સેવન નહીં કરે તેવી બાંયધરી આપી હતી. આમ મહિલા હેલ્પલાઇનની ટીમે ડ્રગ્સ અને દારૂના રવાડે ચડેલી સગીરાને બચાવી હતી.