બ્રિટનના PM એન્ડી બર્નહમે આપ્યા EUમાં વાપસીના સંકેતો, ફ્રાન્સ અને સ્પેને કહ્યું- ‘વેલકમ બેક’
બ્રિટનની રાજનીતિમાં એક ખૂબ મોટો અને અણધાર્યો વળાંક આવ્યો છે. દેશના વડાપ્રધાન એન્ડી બર્નહમ (Andy Burnham)એ યુરોપિયન યુનિયન (EU) માં બ્રિટનની ફરીથી વાપસીની સંભાવનાનો સંકેત આપ્યો છે. બર્નહમના આ નિવેદન બાદ યુરોપિયન દેશોમાં હલચલ તેજ થઈ ગઈ છે, જ્યાં ફ્રાન્સ અને સ્પેને બ્રિટનના આ પગલાનું ઉષ્માભર્યું સ્વાગત કરતા ‘વેલકમ બેક’ (Welcome Back) કહ્યું છે.

બર્નહમે આપ્યા બ્રેક્ઝિટ પછીના સંબંધો સુધારવાના સંકેતો
બ્રિટિશ વડાપ્રધાન એન્ડી બર્નહમે શાસક લેબર પાર્ટીના વાર્ષિક સંમેલન દરમિયાન આ મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે યુરોપિયન યુનિયન સાથે ભવિષ્યમાં પોતાના સંબંધોને વધુ સારા અને મજબૂત બનાવવા માટે અનેક વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે, અને તેમાં ‘યુરોપિયન યુનિયનમા પૂર્ણ વાપસી’ (Full Re-entry) પણ એક વિકલ્પ છે.
બર્નહામે સ્વીકાર્યું કે ૨૦૧૬ના જનમત સંગ્રહ બાદ દેશને આર્થિક અને રાજદ્વારી મોરચે વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આ સંદર્ભમાં, જો ગેરફાયદા કરતાં લાંબા ગાળાના ફાયદા વધુ હોય, તો બ્રિટન યુરોપિયન યુનિયન (EU)માં જોડાવાની દિશામાં આગળ વધતા અચકાશે નહીં. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૬ના જનમત સંગ્રહ દરમિયાન બર્નહામ પોતે યુરોપિયન યુનિયનમાં યથાવત રહેવાના પ્રબળ સમર્થક હતા.
ફ્રાન્સ અને સ્પેને કર્યું ખુલ્લા દિલથી સ્વાગત
બ્રિટિશ વડાપ્રધાનના આ નિવેદન બાદ તરત જ યુરોપિયન યુનિયનના મુખ્ય દેશો તરફથી સકારાત્મક પ્રતિક્રિયાઓ સામે આવી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને સ્પેનના નેતૃત્વએ બ્રિટનના આ વલણને આવકાર્યું છે. આ પગલાને અત્યંત સકારાત્મક અને ઐતિહાસિક ગણાવતા, ફ્રાન્સના નેતૃત્વએ સ્પષ્ટ કર્યું છે કે જો બ્રિટન યુરોપિયન યુનિયનમાં પાછા ફરવા ઈચ્છતું હોય, તો તેનું સ્વાગત કરવામાં આવશે.
આગળ શું છે પડકારો?
ભલે વડાપ્રધાન બર્નહામે EUમાં ફરીથી જોડાવાનો વિકલ્પ રજૂ કર્યો હોય, પરંતુ નિષ્ણાતો માને છે કે આ પ્રક્રિયા સરળ નહીં હોય. બ્રેક્ઝિટ પછી, બ્રિટને EUની વિવિધ શરતો, નોંધપાત્ર બજેટરી યોગદાન અને સહિયારા નિયમોને ફરીથી અપનાવવા પડશે—જે મુદ્દાઓ દેશની અંદર તીવ્ર રાજકીય ચર્ચા જગાવી શકે છે. તેમ છતાં, બર્નહામના નિવેદને સ્પષ્ટ કર્યું છે કે બ્રિટન હવે બ્રેક્ઝિટના ફાયદા અને ગેરફાયદાનું પુનઃમૂલ્યાંકન કરવાના મૂડમાં છે.

