ઇસ્તંબુલ એરપોર્ટ પર ટેકઓફ પહેલાં જ ઈરાનનું બોઇંગ 737 વિમાન જપ્ત: ૩ મિલિયન યુરોના દેવાને કારણે મુસાફરોને નીચે ઉતારાયા
તુર્કીના મુખ્ય ઇસ્તંબુલ એરપોર્ટ પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ઈરાનની જાણીતી કેસ્પિયન એરલાઇન્સનું એક બોઇંગ 737 વિમાન ઉડાન ભરવાની છેલ્લી ક્ષણોમાં જપ્ત કરી લેવામાં આવ્યું હતું. આશરે ૩ મિલિયન યુરો (લગભગ ૩.૪ મિલિયન અમેરિકી ડોલર) ના બાકી લેણાં અને દેવાના મુદ્દે કોર્ટના આદેશ બાદ આ આકરા પગલાં લેવામાં આવ્યા હતા. સૌથી ગંભીર બાબત એ હતી કે જ્યારે અધિકારીઓ જપ્તીનો ઓર્ડર લઈને પહોંચ્યા ત્યારે તમામ મુસાફરો વિમાનમાં સવાર થઈ ચૂક્યા હતા અને ફ્લાઇટ ટેકઓફ માટે સજ્જ હતી.
બોર્ડિંગ પૂર્ણ થયા બાદ એન્ફોર્સમેન્ટ અધિકારીઓનો દરોડો
મળતી વિગતો અનુસાર, આ ઘટના સોમવારે ઇસ્તંબુલ એરપોર્ટ પર આકાર પામી હતી. કેસ્પિયન એરલાઇન્સનું EP-KPB રજિસ્ટ્રેશન ધરાવતું બોઇંગ 737 વિમાન ઇસ્તંબુલથી ઈરાન તરફ રવાના થવાનું હતું. ગ્રાહકોનું બોર્ડિંગ પૂર્ણ થઈ ગયું હતું અને પાયલટ ટેકઓફ માટે એર ટ્રાફિક કંટ્રોલના આદેશની રાહ જોઈ રહ્યા હતા.
બરાબર એ જ સમયે દેવાની રકમ વસૂલવા માંગતી કંપની વતી વકીલો અને સ્થાનિક એન્ફોર્સમેન્ટ અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. અધિકારીઓએ વિમાન પર સીધો કોર્ટનો જપ્તી આદેશ ચોંટાડી દીધો હતો અને ફ્લાઇટને રવાના થતી અટકાવી દીધી હતી. આકસ્મિક કાનૂની કાર્યવાહીના કારણે પાયલટ, કેબિન ક્રૂ અને તમામ મુસાફરો સ્તબ્ધ થઈ ગયા હતા.

મુસાફરોને નીચે ઉતારી ટર્મિનલ પર પરત મોકલાયા
જપ્તીના આદેશ બાદ વિમાનમાં સવાર તમામ મુસાફરો અને કેબિન ક્રૂ મેમ્બર્સને તાત્કાલિક સામાન સાથે બહાર કાઢવામાં આવ્યા હતા અને એરપોર્ટ ટર્મિનલ પર પરત મોકલી દેવાયા હતા. ત્યારબાદ બોઇંગ 737 ને એરપોર્ટના અલગ ભાગમાં પાર્ક કરીને અટકાયતમાં લઈ લેવામાં આવ્યું હતું. અચાનક પ્રવાસ રદ થતાં અને વિમાનમાંથી નીચે ઉતારી દેવાતાં મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
તુર્કી સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, આ સંપૂર્ણ બાબત એક વ્યાપારી વિવાદ (Commercial Dispute) સાથે જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે આ બાકી રકમ ઇસ્તંબુલ એરપોર્ટ પર પૂરી પાડવામાં આવતી ગ્રાઉન્ડ સર્વિસ, ફ્યુઅલ અથવા એરપોર્ટ સેવાઓના બિલ સંબંધિત છે.
કેસ્પિયન એરલાઇન્સ અને ઈરાની તંત્રનો સ્પષ્ટવચન
ઘટના બાદ કેસ્પિયન એરલાઇન્સે એક નિવેદન જારી કરીને સ્વીકાર્યું હતું કે વહીવટી અને નાણાકીય સમસ્યાના કારણે તેમના એક બોઇંગ વિમાનને તુર્કીમાં કામચલાઉ ધોરણે રોકી રાખવામાં આવ્યું છે. એરલાઇને દાવો કર્યો છે કે તેઓ કાનૂની માર્ગે આ બાબતનો વહેલી તકે નિકાલ લાવવા પ્રયાસ કરી રહ્યા છે જેથી કરીને પ્રવાસીઓની ફ્લાઇટ્સ પર વધારાની અસર ન પડે. ઈરાની અધિકારીઓએ પણ આ પરિસ્થિતિને અસ્થાયી ગણાવી છે અને કાનૂની પ્રક્રિયાઓ ઝડપી બનાવીને વિમાનને મુક્ત કરાવવાની ખાતરી આપી છે.

ઈરાની ઉડ્ડયન ક્ષેત્ર પર આંતરરાષ્ટ્રીય દબાણ
જોકે આ ઘટનાને સીધી રીતે આંતરરાષ્ટ્રીય રાજકારણ સાથે જોડવામાં આવી નથી, તેમ છતાં ઈરાની એરલાઇન્સ લાંબા સમયથી અમેરિકી પ્રતિબંધોના કારણે આર્થિક અને ઓપરેશનલ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. પ્રતિબંધોના કારણે ઈરાની વિમાનો માટે નવા સ્પેસ પાર્ટ્સ, ટેકનિકલ મેન્ટેનન્સ અને આંતરરાષ્ટ્રીય બેંકિંગ વ્યવહારો અત્યંત જટિલ બની ગયા છે.
તુર્કી સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી માત્ર દેવાની વસૂલાત માટેનો કોમર્શિયલ કેસ છે. તેમ છતાં, આ કિસ્સો દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન ક્ષેત્રે જો નાણાકીય લેણદેણમાં વિવાદ ઊભો થાય તો એરલાઇનની સૌથી મોટી સંપત્તિ એટલે કે વિમાન પણ જપ્ત થઈ શકે છે.
