ખેડૂતો અને ગ્રાહકો માટે સીધો સેતુ: અમદાવાદ શહેર અને જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રોનો પ્રારંભ
ગુજરાતમાં સ્વાસ્થ્યવર્ધક અને રસાયણમુક્ત આહારના વ્યાપને વધારવા માટે રાજ્ય સરકારે એક વધુ મહત્ત્વપૂર્ણ કદમ ભરી લીધું છે. અમદાવાદના પ્રહલાદનગર સ્થિત મ્યુનિસિપલ વેજિટેબલ માર્કેટ ખાતે ઊર્જા મંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલના વિશેષ હસ્તે ‘પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર’નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા આત્મા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

એકસાથે સાત કેન્દ્રો દ્વારા નાગરિકોને શુદ્ધ ખોરાકનું પ્લેટફોર્મ
આ પ્રસંગે માત્ર પ્રહલાદનગર જ નહીં, પરંતુ સમગ્ર અમદાવાદ શહેર અને જિલ્લામાં એકસાથે કુલ સાત સ્થળોએ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રો ખુલ્લાં મૂકવામાં આવ્યાં છે. જેમાં અમદાવાદ શહેરમાં બે જ્યારે તાલુકા કક્ષાએ ધોળકા, બાવળા, માંડલ, વિરમગામ અને સાણંદમાં એક-એક કેન્દ્રનો સમાવેશ થાય છે. લોકાર્પણ વિધિ બાદ મંત્રી ઋષિકેશ પટેલે અને વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકરે વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે સંવાદ સાધીને પ્રાકૃતિક ઢબે ઉત્પાદિત ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસી હતી.
સ્વાસ્થ્ય રક્ષણ માટે પ્રાકૃતિક ખેતી સમયની તાતી જરૂરિયાત
મંત્રી ઋષિકેશ પટેલે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે આજે સમગ્ર રાજ્યમાં એકસાથે ૩૪ જેટલી જગ્યાએ આ પ્રકારના આયોજનો કરવામાં આવ્યા છે. તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે દિવસે-દિવસે વધી રહેલી બીમારીઓથી જો આપણી આવનારી પેઢીને બચાવવી હશે, તો રાસાયણિક ખાતરો છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવી અનિવાર્ય છે. શુદ્ધ અને પોષણયુક્ત આહાર જ નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા કરી શકે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી રાજ્યભરમાં ચાલી રહેલી આ ઝૂંબેશથી ખેડૂતોને તેમના પાકના પોષક ભાવ પણ મળી રહ્યા છે.

ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો સેતુ રચાયો
આ પહેલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો દ્વારા ઉત્પાદિત શુદ્ધ પેદાશો સીધી શહેરી ગ્રાહકો સુધી પહોંચાડવાનો છે. આત્મા સંસ્થાના ડાયરેક્ટર કે.કે. પટેલે સ્વાગત પ્રવચનમાં આ યોજનાની વિગતો આપી હતી. આ પ્રસંગે અમ્યુકો પાણી સમિતિના ચેરમેન ધરમશી દેસાઈ, કોર્પોરેટર દેવાંગભાઈ દાણી, ભાગ્યેશ પટેલ, નયનાબેન કોટક તેમજ સંયુક્ત ખેતી નિયામક ડૉ. મીનાબેન દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આવા કેન્દ્રો શરૂ થવાથી ખેડૂતોને બજાર વ્યવસ્થા સરળ બનશે અને સામાન્ય જનતાને પણ ગેરંટીયુક્ત ઓર્ગેનિક આહાર પ્રાપ્ત થશે.
