મોરારી બાપુએ સમજાવ્યા સ્વસ્તિકના ચાર માર્ગ, સત્ય, પ્રેમ અને કરુણાને ગણાવ્યાં જીવનના આધાર
પૂજ્ય મોરારિ બાપુની ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ ગઈકાલે વીરાંગના રાણી લક્ષ્મીબાઈની શૌર્યગાથાથી પવિત્ર બનેલી ઝાંસીની ભૂમિ પર પહોંચી હતી. યાત્રાના સાતમા પડાવ પર કથાપ્રેમીઓ અને બાપુના ચાહકોને પ્રેમ, ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો અનુભવ થયો હતો. બાપુની આ યાત્રા માત્ર કથાનું શ્રવણ કરાવતી યાત્રા નથી, પરંતુ લોકોનાં હૃદયોને જોડવાનો અને માનવતાનો સંદેશ ફેલાવવાનો એક સુંદર પ્રયાસ છે.
નવરાત્રિના પવિત્ર દિવસોમાં ઝાંસીની ભૂમિ પર પહોંચેલા બાપુએ મા જગદંબાની ભક્તિ સાથે વીરાંગના રાણી લક્ષ્મીબાઈના શૌર્ય અને સમર્પણને વંદન કર્યું હતું. કથા પહેલાં ‘વંદે માતરમ્’નું ગાન કરવામાં આવ્યું હતું. બાપુ સહિત મનોરથી પરિવારના સભ્યો અને ઉપસ્થિત શ્રોતાઓએ સન્માનપૂર્વક ઊભા રહીને ભારતમાતાને વંદન કર્યું હતું. આ પ્રસંગે સમગ્ર વાતાવરણમાં રાષ્ટ્રપ્રેમ અને ભક્તિની લાગણી જોવા મળી હતી.

કથા દરમિયાન સ્વસ્તિકના આધ્યાત્મિક મહત્ત્વ વિશે સમજાવતાં બાપુએ જણાવ્યું હતું કે સ્વસ્તિકનો અર્થ કલ્યાણ છે. તેના ચાર માર્ગો તરીકે તેમણે દેવમાર્ગ, પિતૃમાર્ગ, ગુરુમાર્ગ અને સૂર્યમાર્ગનો ઉલ્લેખ કર્યો હતો. તેમના મતે દેવમાર્ગ એટલે સત્ય, પ્રેમ અને કરુણાનો માર્ગ. સત્ય માત્ર બોલવામાં જ નહીં, પરંતુ આપણા વિચારો, વાણી અને આચરણમાં પણ હોવું જોઈએ. સાથે જ આપણે માત્ર પોતાના સત્યનો આગ્રહ રાખવાને બદલે બીજાના સત્યને સમજવાની અને સ્વીકારવાની ભાવના પણ કેળવવી જોઈએ.
બાપુએ પ્રેમ અને કરુણાનું મહત્ત્વ સમજાવતાં કહ્યું હતું કે પ્રેમથી ચાલવામાં આવતો માર્ગ પણ દિવ્ય બની જાય છે. જે વ્યક્તિના હૃદયમાં સતત કરુણા વહેતી રહે છે, તે સાચા અર્થમાં દિવ્ય માર્ગનો યાત્રી છે. સ્વસ્તિકના કેન્દ્રમાં રહેલા પરમ તત્ત્વને સમજાવતાં તેમણે કહ્યું કે દરેક વ્યક્તિ પોતાની શ્રદ્ધા પ્રમાણે રામ, શંકર, મા દુર્ગા કે હનુમાનજીમાં પરમ બ્રહ્મનાં દર્શન કરી શકે છે.
બાપુએ એક સુંદર વિચાર રજૂ કરતાં કહ્યું હતું કે, “દ્રઢાગ્રહી માણસ જડાગ્રહી ન હોવો જોઈએ, પરંતુ જળાગ્રહી હોવો જોઈએ.” પાણીની જેમ માણસે પણ પરિસ્થિતિ પ્રમાણે અનુકૂળ થવાનું શીખવું જોઈએ. પૃથ્વીની જેમ સહનશીલતા રાખવી, ધૈર્ય જાળવવું અને જીવનમાં સ્વીકારની ભાવના કેળવવી એ મહત્ત્વના ગુણો છે.
પિતૃમાર્ગને તેમણે તર્પણ, યજ્ઞ અને શ્રાવણની પરંપરા સાથે જોડ્યો, જ્યારે ગુરુમાર્ગને શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસાનો માર્ગ ગણાવ્યો. જાનકીજીના પુષ્પવાટિકા અને અશોકવાટિકાના પ્રસંગો દ્વારા બાપુએ પ્રેમ અને આસક્તિ વચ્ચેનો ભાવાત્મક તફાવત પણ સમજાવ્યો હતો.

તુલસીદાસજીના ‘માનસ’માં ‘સબ’ એટલે કે સૌની ભાવનાને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે, જ્યારે ભગવદ્ ગીતામાં ‘સમ’ ભાવની પ્રધાનતા જોવા મળે છે. આ બંને વિચારો આપણને સૌના કલ્યાણ અને સમભાવનો માર્ગ બતાવે છે.
આમ, ઝાંસીની ધરા પર યોજાયેલી આ કથાએ શ્રોતાઓને સંદેશ આપ્યો કે જીવનમાં સાચી પ્રગતિ માટે શ્રદ્ધા, વિશ્વાસ, ધૈર્ય, પ્રેમ અને કરુણા જરૂરી છે. સ્વસ્તિક યાત્રાનો મૂળ હેતુ પણ એ જ છે—ભેદભાવથી ઉપર ઊઠીને સૌને જોડવા અને સમગ્ર વિશ્વના કલ્યાણની ભાવનાને જીવનમાં ઉતારવી.
