બોલિવૂડમાં ગાબડું: ઓરીએ સારા અલી ખાનને કહી ‘ફેક ફ્રેન્ડ’, અભિનેત્રીની માતા અમૃતા સિંહ પર પણ ફાટ્યો ગુસ્સો
બોલિવૂડ સેન્સેશન અને સોશિયલ મીડિયા સ્ટાર ઓરહાન અવત્રામણી એટલે કે ઓરી અવારનવાર ચર્ચામાં રહે છે. સ્ટાર્સ સાથેની તેમની પાર્ટીની તસવીરો અને તેમની સેલિબ્રિટી ફ્રેન્ડશીપ હંમેશાં લાઈમલાઈટમાં રહે છે. બોલિવૂડના લગભગ તમામ મોટા કલાકારો સાથે ઓરીની ઊંડી બોન્ડિંગ જોવા મળે છે. આ યાદીમાં અભિનેત્રી સારા અલી ખાનનું નામ પણ સામેલ હતું. એક સમય હતો જ્યારે બંનેની મિત્રતા ખૂબ જ ગાઢ માનવામાં આવતી હતી, પરંતુ હવે આ ગાઢ સંબંધોમાં કડવાશ આવી ગઈ છે અને બંનેના રસ્તા હંમેશા માટે અલગ થઈ ચૂક્યા છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન ઓરીએ આ તૂટેલી મિત્રતા પાછળનું અસલી કારણ ખુલ્લું પાડ્યું છે.
નેહા ધૂપિયાના શોમાં કર્યો મોટો ખુલાસો
તાજેતરમાં ઓરી નેહા ધૂપિયાના જાણીતા શો ‘ડબલ ડેટ’માં મહેમાન બન્યા હતા. આ શો દરમિયાન જ્યારે ઓરીને પૂછવામાં આવ્યું કે તેમણે સોશિયલ મીડિયા પર કઈ સૌથી લોકપ્રિય વ્યક્તિને અનફલો કરી છે, ત્યારે ઓરીએ કોઈપણ સંકોચ વગર સીધું જ સારા અલી ખાન અને તેમની માતા અમૃતા સિંહનું નામ આપ્યું હતું.
કટોકટીના સમયમાં સાથ ન મળવાનો વસવસો
ઓરીએ સારા અલી ખાન સાથેની મિત્રતા વિશે ખુલીને વાત કરતા જણાવ્યું કે તે આ બાબતે બિલકુલ સ્પષ્ટ રહેવા માગે છે. તેમણે કહ્યું કે સારા તેમની બાળપણની મિત્ર હતી. તેઓ કોલેજના દિવસોથી મિત્રો હતા અને કોલેજ પૂરી થયા પછીના ૧૦ વર્ષ સુધી આ સંબંધ જળવાઈ રહ્યો હતો. ઓરીનું કહેવું છે કે જ્યારે સારા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી અને એક મોટા મામલામાં ફસાઈ હતી, ત્યારે તેઓ ગોવા સુધી તેની સાથે ઊભા રહ્યા હતા અને ક્યારેય તેનો સાથ છોડ્યો ન હતો.
પરંતુ ઓરીના જીવનમાં જ્યારે મુશ્કેલ સમય આવ્યો અને તેમને સારાના સાથની જરૂર હતી, ત્યારે તે ગાયબ થઈ ગઈ હતી. ઓરીના મતે, સારાએ એક ફોન કરીને તેમનું હાલચાલ સુદ્ધાં પૂછ્યું ન હતું. આ અપેક્ષાભંગથી ઓરીને ખૂબ જ આઘાત લાગ્યો હતો.
અમૃતા સિંહ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
વાતચીતમાં આગળ વધતા ઓરીએ એવો પણ ખુલાસો કર્યો કે જ્યારે સારા મુશ્કેલીમાં હતી ત્યારે બધાએ તેમને સારાનો સાથ છોડી દેવાની સલાહ આપી હતી, છતાં તેમણે સારા, તેમની માતા અને ભાઈની સંભાળ રાખી હતી. પરંતુ જ્યારે પરિસ્થિતિ બદલાઈ અને ઓરીને સપોર્ટની જરૂર હતી, ત્યારે સામેથી કોઈ જવાબ ન મળ્યો.
આટલું જ નહીં, ઓરીએ અભિનેત્રીની માતા અને અભિનેત્રી અમૃતા સિંહ પર પણ પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. ઓરીએ આરોપ લગાવ્યો કે અમૃતા સિંહે તેમને ઘણી વખત ગાળો આપી હતી અને અન્ય લોકો સામે પણ તેમના વિશે વાતો કરી હતી. ઓરીનું માનવું છે કે માત્ર દેખાડાની મિત્રતા ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી, ખાસ કરીને ત્યારે જ્યારે સામે પક્ષેથી કોઈ સન્માન કે માફી ન મળી હોય.
આ ખુલાસાઓ બાદ બોલિવૂડના આ વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે અને ચાહકો પણ સોશિયલ મીડિયા પર આ મુદ્દે જુદી-જુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.


