ભારત માટે રમવાનું ગૌરવ હંમેશા હજી જીવંત રહેશે તેમ ભાવુક થઈને બોલ્યા મોહમ્મદ શમી
ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે એક અત્યંત ભાવુક કરી દેનારા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના અનુભવી અને ઘાતક ઝડપી બોલર મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સત્તાવાર રીતે નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. શનિવાર, ૬ નવેમ્બરના રોજ શમીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ વિડીયો ક્લિપ અને હૃદયને સ્પર્શી જાય તેવો લાંબો ભાવનાત્મક સંદેશ શેર કરીને રેડ-બોલ ક્રિકેટને અલવિદા કહ્યું છે. જોકે, રાહતની વાત એ છે કે શમીએ માત્ર ટેસ્ટ ક્રિકેટમાંથી જ સન્યાસ લીધો છે, અને તે આગામી સમયમાં વનડે (ODI) તેમજ ટી૨૦ (T20) ક્રિકેટ રમવાનું યથાવત રાખશે.
શમીની આ જાહેરાતે તેમના લાખો ચાહકોને સ્તબ્ધ કરી દીધા છે. પોતાની કારકિર્દીના સંઘર્ષો અને સફળતાઓને યાદ કરતા શમીએ જણાવ્યું કે ભારે હૃદય અને અસંખ્ય મીઠી યાદો સાથે તેઓ ટેસ્ટ ફોર્મેટમાંથી વિદાય લઈ રહ્યા છે.
ઇડન ગાર્ડન્સથી શરૂ થયેલી ઐતિહાસિક સફર
મોહમ્મદ શમી અને ટેસ્ટ ક્રિકેટનો ઇતિહાસ ખૂબ જ રોમાંચક રહ્યો છે. તેમણે ૬ નવેમ્બર, ૨૦૧૩ના રોજ કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ મેદાન પર વેસ્ટ ઇન્ડીઝ સામેની મેચથી પોતાની ટેસ્ટ કારકિર્દીની શાનદાર શરૂઆત કરી હતી. અને બરાબર ૧૩ વર્ષ પછી, ૬ નવેમ્બરના રોજ જ તેમણે આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. પોતાની આ સફરને યાદ કરતા શમીએ પોતાના મિત્રો, પરિવારજનો, કોચ અને સાથી ખેલાડીઓ તેમજ દરેક મુશ્કેલ સમયમાં પોતાનો સાથ આપનારા ભારતના લાખો ચાહકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
ઇન્સ્ટાગ્રામ પર પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા શમીએ લખ્યું હતું કે, “આજે ભારે હૃદય સાથે હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. આ કેપ નંબર ૨૭૯ અને આ લાલે બોલે મને મોહમ્મદ શમી બનાવ્યો છે. કારકિર્દી દરમિયાન ઘણા ઉતાર-ચઢાવ આવ્યા, અનેકવાર ઈજાગ્રસ્ત થયો અને મેદાન પર પડ્યો, પરંતુ દેશના આ બેજ (Logo) માટે હું દરેક વખતે બમણા જોશથી ફરી ઊભો થયો છું.”
https://www.instagram.com/reel/DfaKPcEymrL/?utm_source=ig_web_button_share_sheet
૨૨૯ વિકેટો સાથે ભારતનો છઠ્ઠો સૌથી સફળ ઝડપી બોલર
મોહમ્મદ શમીએ પોતાની શાનદાર ટેસ્ટ કારકિર્દી દરમિયાન કુલ ૬૪ મેચો રમી હતી, જેમાં તેમણે શાનદાર પ્રદર્શન કરતા ૨૨૯ વિકેટો ઝડપી હતી. આ રેકોર્ડ સાથે શમી ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં છઠ્ઠા સૌથી વધુ વિકેટ ઝડપનારા બોલર તરીકેનું ગૌરવશાળી સ્થાન ધરાવે છે. તેમણે પોતાની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ જૂન ૨૦૨૩માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.
ત્યારબાદ લાંબો સમય સુધી તેઓ ગંભીર ઇજા અને ફિટનેસની સમસ્યાઓના કારણે ટીમથી બહાર રહ્યા હતા. તાજેતરમાં જ પોતાની ફિટનેસ સાબિત કરવા માટે તેમણે સ્થાનિક રણજી ટ્રોફીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે, બદલાતા સમય અને પસંદગીકારોની ભવિષ્યની રણનીતિઓને ધ્યાનમાં રાખીને તેમણે આ મોટો નિર્ણય લીધો છે.
પોતાના વિદાય સંદેશના અંતમાં શમીએ અત્યંત ભાવુક થઈને કહ્યું હતું કે, “ટેસ્ટ ક્રિકેટમાં ભલે મારો છેલ્લો બોલ ફેંકાયો હોય, પરંતુ ભારત દેશ માટે મેદાન પર રમવાનું ગૌરવ અને સન્માન હંમેશા મારા હૃદયમાં જીવંત રહેશે. આભાર, ટેસ્ટ ક્રિકેટ.” શમીના આ નિવેદને સાબિત કરી દીધું કે દેશ પ્રત્યેની તેમની ભક્તિ અને સમર્પણ હંમેશા અમર રહેશે.
