રોહિત શર્મા, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર શૂન્ય પર આઉટ, પ્રથમ ઓવરમાં જ ભારતે ગુમાવી 3 વિકેટ; ODI ઇતિહાસમાં પ્રથમવાર બની આવી ઘટના
ભારતીય ક્રિકેટ ચાહકો માટે ન્યૂઝીલેન્ડ સામેની ચોથી વન-ડે મેચની શરૂઆત કોઈ ખરાબ સપનાથી ઓછી નહોતી. જે ટીમ પાસેથી 334 રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરવાની આશા હતી, તેની શરૂઆત એટલી ખરાબ રહી કે પ્રથમ ઓવરમાં જ ત્રણ મોટા બેટ્સમેનો પેવેલિયન ભેગા થઈ ગયા. રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેપ્ટન શ્રેયસ અય્યર પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર મેટ હેનરીએ પોતાની પ્રથમ જ ઓવરમાં એક પણ રન આપ્યા વિના ત્રણ વિકેટ ઝડપી લીધી હતી. આ સાથે વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલીવાર ભારતીય ટીમે એક પણ રન બનાવ્યા પહેલાં ત્રણ વિકેટ ગુમાવી હતી. બીજી તરફ, રોહિત અને કોહલી એક જ મેચમાં શૂન્ય પર આઉટ થવાની ઘટના પણ ફરી એકવાર જોવા મળી હતી.
માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરીને 333 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. વિલ યંગની શાનદાર સદી અને અન્ય બેટ્સમેનોના યોગદાનને કારણે ન્યૂઝીલેન્ડે ભારત સામે 334 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ભારતીય ટીમ માટે આ લક્ષ્યાંક હાંસલ કરવા ટોચના બેટ્સમેનો પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી, પરંતુ શરૂઆતની જ ઓવરે મેચનું ચિત્ર બદલી નાખ્યું હતું.

મેટ હેનરીનો કહેર, પ્રથમ ઓવરમાં જ ત્રણ વિકેટ
ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ બોલિંગની શરૂઆત કરી હતી. ભારતીય ઇનિંગ્સની પ્રથમ ઓવરના પ્રથમ બોલ પર રોહિત શર્મા સ્ટ્રાઇક પર હતા. જોકે, હેનરીના બોલ સામે તેઓ ટકી શક્યા નહોતા અને પોતાનું ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયા હતા. આ રીતે ભારતને પ્રથમ બોલ પર જ મોટો ઝટકો લાગ્યો હતો.ત્યારબાદ બેટિંગ કરવા આવેલા વિરાટ કોહલી પાસેથી મોટી ઇનિંગ્સની આશા હતી. જોકે, તેઓ પણ પોતાની લય મેળવી શક્યા નહોતા. કોહલીએ ચાર બોલનો સામનો કર્યો હતો, પરંતુ ઓવરના પાંચમા બોલ પર તેઓ પણ શૂન્ય રને પેવેલિયન પરત ફર્યા હતા. ભારતની મુશ્કેલી અહીં પૂરી થઈ નહોતી.
ઓવરના છેલ્લા બોલનો સામનો કરવા માટે કેપ્ટન શ્રેયસ અય્યર મેદાનમાં આવ્યા હતા. તેઓ પણ હેનરીના બોલ સામે ટકી શક્યા નહોતા અને ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા હતા. આમ, મેટ હેનરીએ પોતાની પ્રથમ ઓવરમાં જ ત્રણ વિકેટ ઝડપી લીધી હતી. સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે આ ત્રણેય વિકેટ શૂન્ય રનના સ્કોરે પડી હતી. ભારતીય ટીમના સ્કોરબોર્ડ પર એક પણ રન નોંધાયો નહોતો અને ત્રણ મહત્વપૂર્ણ બેટ્સમેનો પેવેલિયન પહોંચી ગયા હતા.
16 વર્ષ બાદ ફરી એક જ મેચમાં રોહિત-કોહલીની ડક
રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને એક જ વન-ડે મેચમાં શૂન્ય પર આઉટ થવાની ઘટના આંકડાકીય રીતે પણ ખાસ છે. 2010 બાદ પહેલીવાર બંને ખેલાડીઓ એક જ મેચમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા હતા. આ બંને વચ્ચે આવું બીજી વખત બન્યું હતું.આ પહેલાં વર્ષ 2010માં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી વન-ડે મેચમાં આવું બન્યું હતું. તે મેચમાં વિરાટ કોહલી ત્રણ બોલનો સામનો કરીને શૂન્ય રને આઉટ થયા હતા, જ્યારે રોહિત શર્મા બે બોલમાં ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા હતા.
તે સમયે રોહિત ઓપનિંગ કરવા આવ્યા નહોતા. વીરેન્દ્ર સેહવાગ અને દિનેશ કાર્તિકે ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરી હતી. કોહલી ત્રીજા અને રોહિત ચોથા ક્રમે બેટિંગ કરવા આવ્યા હતા. જોકે, તે મેચમાં વીરેન્દ્ર સેહવાગે 100 બોલમાં અણનમ 99 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી અને ભારતે મુકાબલો જીતી લીધો હતો.આ વખતે પણ બંને અનુભવી બેટ્સમેનો પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી, પરંતુ મેટ હેનરીની ઘાતક બોલિંગ સામે બંને નિષ્ફળ રહ્યા હતા. ખાસ વાત એ હતી કે પ્રથમ વખત વન-ડે મેચમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહેલા શ્રેયસ અય્યર પણ શૂન્ય પર આઉટ થયા હતા.

ODI ઇતિહાસમાં પાંચમી વખત બન્યો આવો બનાવ
વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈ ટીમે શૂન્ય રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવવી એ અત્યંત દુર્લભ ઘટના છે. ઉપલબ્ધ આંકડા મુજબ, આ પાંચમી વખત બન્યું હતું જ્યારે કોઈ ટીમે એક પણ રન બનાવ્યા પહેલાં ત્રણ વિકેટ ગુમાવી હોય.
આવી પ્રથમ ઘટના 1983માં બની હતી, જ્યારે ન્યૂઝીલેન્ડ સામે પાકિસ્તાનની ત્રણ વિકેટ શૂન્ય રને પડી હતી. ત્યારબાદ 1997માં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાન સામે આવી સ્થિતિ સર્જી હતી. વર્ષ 2003માં શ્રીલંકાએ બાંગ્લાદેશ સામે ત્રણ વિકેટ શૂન્ય રને ઝડપી હતી. થોડા મહિના પહેલાં બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયા સામે પણ આવું જ પ્રદર્શન કર્યું હતું.હવે આ યાદીમાં ભારતનું નામ પણ જોડાઈ ગયું છે. જોકે, ભારતીય વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના હતી, જ્યારે ટીમે પોતાનું ખાતું ખોલાવતાં પહેલાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
