પાકિસ્તાનને હરાવી ભારતે જૂની હારનો બદલો લીધો! 339 રન ફટકારી ટીમ ઈન્ડિયાએ રચ્યો નવો ઇતિહાસ!

5 Min Read

પાકિસ્તાન સામે જૂની હારનો બદલો! 338 રનનો વિશાળ લક્ષ્યાંક મેળવી ભારતે રચ્યો ઇતિહાસ, 9મી વખત જીત્યો અંડર-19 એશિયા કપ

ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે પાકિસ્તાન સામે શાનદાર વિજય મેળવીને કરોડો ભારતીય ક્રિકેટ ચાહકોને ખુશ કરી દીધા છે. 2025ની અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાન સામે મળેલી કારમી હારનો બદલો લેતાં ટીમ ઈન્ડિયાએ 2026ની ફાઇનલમાં એક વિકેટથી ઐતિહાસિક જીત નોંધાવી છે. આ મુકાબલો એટલો રોમાંચક રહ્યો હતો કે મેચનો નિર્ણય અંતિમ બોલ પર આવ્યો હતો. પાકિસ્તાને ભારત સામે 338 રનનો વિશાળ લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ ભારતીય યુવા ખેલાડીઓએ અદભુત સંયમ અને હિંમત બતાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ સાથે ભારતે નવમી વખત અંડર-19 એશિયા કપની ટ્રોફી પોતાના નામે કરી હતી.

આ જીત માત્ર એક ટ્રોફી જીતવા પૂરતી સીમિત નહોતી, પરંતુ ગયા વર્ષની હારનો જવાબ પણ હતી. ભારતીય ટીમે મુશ્કેલ પરિસ્થિતિમાં હાર ન માની અને અંતિમ ક્ષણ સુધી લડત આપીને પાકિસ્તાનને પરાજય આપ્યો હતો. ખાસ કરીને મોહિત ઉલ્વા અને મનલ ચૌહાણની બેટિંગે મેચનું ચિત્ર બદલી નાખ્યું હતું.

- Advertisement -

mohitt.jpg

338 રનનો પીછો કરીને ભારતે રચ્યો નવો ઇતિહાસ

2026 અંડર-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને ભારત સામે 338 રનનો મોટો લક્ષ્યાંક રાખ્યો હતો. આટલા મોટા સ્કોરનો પીછો કરવો ભારતીય ટીમ માટે સરળ નહોતો. જોકે, યુવા ભારતીય બેટ્સમેનોએ શરૂઆતથી જ જીતનો આત્મવિશ્વાસ જાળવી રાખ્યો હતો.

- Advertisement -

મેચ દરમિયાન એક સમયે ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી અને પાકિસ્તાનની જીતની શક્યતાઓ વધી રહી હતી. પરંતુ મોહિત ઉલ્વા અને મનલ ચૌહાણે જવાબદારી સંભાળી હતી. બંને ખેલાડીઓએ દબાણ વચ્ચે શાનદાર બેટિંગ કરીને મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. તેમની બેટિંગના કારણે ભારતીય ટીમ ફરી મેચમાં મજબૂત સ્થિતિમાં આવી હતી.

મનલ ચૌહાણે માત્ર 32 બોલમાં 47 રનની આક્રમક ઇનિંગ રમી હતી. તેણે પાકિસ્તાની બોલરો સામે આત્મવિશ્વાસ સાથે બેટિંગ કરી અને ટીમની જીતની આશા જીવંત રાખી હતી. બીજી તરફ, મોહિત ઉલ્વાએ પણ મુશ્કેલ સમયે પોતાની વિકેટ સાચવીને ટીમને લક્ષ્યાંકની નજીક પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.આ રીતે ભારતે અંડર-19 એશિયા કપની ફાઇનલમાં 338 રનના વિશાળ લક્ષ્યાંકનો સફળતાપૂર્વક પીછો કરીને ટુર્નામેન્ટના ઇતિહાસમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો.

અંતિમ ક્ષણોમાં વધ્યું રોમાંચ, છેલ્લા બોલે ભારતનો વિજય

મનલ ચૌહાણ 47 રન બનાવીને આઉટ થયો ત્યારે ભારતીય ટીમની જીતની આશાઓને મોટો ઝટકો લાગ્યો હતો. જોકે, બાકીના ખેલાડીઓએ હિંમત હારી નહોતી. મેચ અંતિમ ઓવરો સુધી પહોંચી અને બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી.

- Advertisement -

આખરે ચિગુરુપતિ વેંકટાએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેણે 11 રન બનાવીને અણનમ રહી ભારતીય ટીમને જીતની નજીક પહોંચાડી હતી. બીજી તરફ, મોહિત ઉલ્વાએ અંતિમ બોલ પર બાઉન્ડ્રી ફટકારીને ભારતને યાદગાર વિજય અપાવ્યો હતો. આ સાથે ભારતીય ખેલાડીઓએ મેદાન પર જોરદાર ઉજવણી કરી હતી.આ મુકાબલામાં ભારતે એક વિકેટથી જીત મેળવી હતી. છેલ્લી ઘડી સુધી જળવાયેલા રોમાંચને કારણે આ ફાઇનલ અંડર-19 એશિયા કપના યાદગાર મુકાબલાઓમાં સામેલ થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે ભારતીય ટીમે દબાણની પરિસ્થિતિમાં પણ પોતાનો આત્મવિશ્વાસ જાળવી રાખ્યો હતો અને અંતિમ ક્ષણ સુધી લડત આપી હતી.

2025ની ફાઇનલમાં ભારતને મળી હતી કારમી હાર

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ ફાઇનલનું મહત્વ એટલા માટે પણ વધારે હતું, કારણ કે અગાઉની સીઝનમાં બંને ટીમો વચ્ચે રમાયેલી ફાઇનલમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

ડિસેમ્બર 2025માં દુબઈમાં રમાયેલી અંડર-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાને ભારતને 191 રનથી હરાવ્યું હતું. તે મુકાબલામાં પ્રથમ બેટિંગ કરતાં પાકિસ્તાને 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 347 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી સમીર મિનહાસે 172 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને ભારતીય બોલરો સામે મોટો સ્કોર ઊભો કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

જવાબમાં ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહોતી. વૈભવ સૂર્યવંશી અને કેપ્ટન આયુષ મ્હાત્રેની વિકેટ વહેલી પડતાં ટીમ દબાણમાં આવી ગઈ હતી. ભારતીય બેટ્સમેનો આ મુશ્કેલીમાંથી બહાર આવી શક્યા નહોતા અને આખી ટીમ 26.2 ઓવરમાં માત્ર 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

Share This Article