મલ્ચિંગ અને મંડપ પદ્ધતિથી વધ્યું ટામેટાનું ઉત્પાદન
Tomato Cultivation: ભાવનગર જિલ્લામાં ખેડૂતો હવે પરંપરાગત પાકો છોડીને આધુનિક અને વધુ નફાકારક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડૂતો શાકભાજી, ખાસ કરીને ટામેટાની ખેતી તરફ વિશેષ રસ બતાવી રહ્યા છે. ટૂંકા સમયમાં તૈયાર થતો અને ઊંચો નફો આપતો આ પાક હવે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે નવી આશા બની ગયો છે.
ભાવનગરના ગોહિલ ભાવુભાની સફળતા
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જુનાપાદર ગામના ખેડૂત ગોહિલ ભાવુભા મુળુભા છેલ્લા દસ વર્ષથી ખેતી સાથે જોડાયેલા છે. છેલ્લા ત્રણ વર્ષથી તેમણે ટામેટાની ખેતી શરૂ કરી છે. સતત સારું ઉત્પાદન મળતાં હવે તેઓ દર વર્ષે ટામેટાનું વાવેતર કરે છે. ભાવુભા જણાવે છે કે, તેઓ ટામેટાનું ઉત્પાદન કરીને સાવરકુંડલા, પાલીતાણા અને અન્ય બજારોમાં વેચાણ કરે છે. દરેક વીઘામાંથી સરેરાશ 60,000 રૂપિયાથી વધુ આવક મેળવી રહ્યા છે. તેઓ કહે છે કે, “ટામેટાના ભાવોમાં સમયાંતરે ફેરફાર થાય છે, છતાં આ પાક સૌથી વધુ નફાકારક સાબિત થાય છે.”

નવીન ખેતી પદ્ધતિઓનો ઉપયોગ
ગોહિલ ભાવુભાએ જણાવ્યું કે તેમણે દોઢ વીઘામાં બે જુદી જુદી જાતના ટમેટાનું વાવેતર કર્યું છે. તેમણે મલ્ચિંગ (Mulching) અને મંડપ (Trellis) જેવી આધુનિક પદ્ધતિઓ અપનાવી છે, જેના કારણે ઉત્પાદન વધુ અને ગુણવત્તા ઉત્તમ મળી રહી છે.
મલ્ચિંગ પદ્ધતિથી જમીનમાં ભેજ લાંબા સમય સુધી ટકાવી રાખવામાં સહાય થાય છે અને નિંદામણના ખર્ચમાં ઘટાડો થાય છે.
મંડપ પદ્ધતિથી ટામેટા જમીનથી દૂર ઊંચા રહે છે, જેના પરિણામે રોગ અને જીવાતનો ખતરો ઓછો થાય છે.
ખેડૂત જણાવે છે કે જમીનની તૈયારી વખતે છાણીયું ખાતર અને વિવિધ પ્રકારના પોષક તત્ત્વો નાખીને ડ્રીપ સિંચાઈ સિસ્ટમ પાથરવામાં આવે છે, જેના કારણે પાણીની બચત સાથે ટામેટાના છોડને યોગ્ય પોષણ મળે છે.

નફાકારક ખેતીનું ઉત્તમ ઉદાહરણ
ભાવુભાની આ ખેતી પદ્ધતિથી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા મળી રહી છે. ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન મેળવી શકાય તેવી આ તકનીક હવે ભાવનગર જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો માટે માર્ગદર્શક બની રહી છે. ટામેટાની ખેતી દ્વારા ખેડૂતોએ સિઝન પ્રમાણે ભાવમાં ફેરફાર છતાં સારા નફા મેળવ્યા છે.

