ડેડિયાપાડામાં ઐતિહાસિક ક્ષણ: વડાપ્રધાનની મુલાકાતે આદિવાસી વિસ્તારમાં વિકાસની નવી આશા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના નર્મદા જિલ્લામાં મુલાકાતે આવી રહ્યા છે, અને આ વખતે તેમનું ગંતવ્ય ડેડિયાપાડા વિસ્તાર રહેશે, જે AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાનો મજબૂત ગઢ ગણાય છે. વડાપ્રધાન દેશના જનજાતિ નાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાનારા વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમસ્થળથી લઈને સુરક્ષા વ્યવસ્થા સુધી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. PM મોદી 15 નવેમ્બરનાં રોજ સવારે 8 વાગ્યે સુરત એરપોર્ટ પર અવતરશે અને ત્યાંથી ડેડિયાપાડા તરફનો પ્રવાસ શરૂ થશે.

સુરતથી હેલિકોપ્ટર દ્વારા પ્રસ્થાન, દેવમોગરા મંદિરથી કાર્યક્રમની શરૂઆત
વહીવટી તંત્ર મુજબ, વડાપ્રધાન સવારે સુરતથી હેલિકોપ્ટર દ્વારા ડેડિયાપાડા માટે રવાના થશે અને લગભગ 8.39 વાગ્યે ત્યાં પહોંચશે. ત્યારબાદ તેમનો પ્રવાસ દેવમોગરા ગામ તરફ આગળ વધશે, જ્યાં પ્રાચીન દેવમોગરા માતાના મંદિરમાં દર્શન અને પૂજા કરશે. આ મંદિર આદિવાસી સમાજની આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવે છે. પૂજા બાદ વડાપ્રધાન ડેડિયાપાડામાં સ્થાપિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે અને ત્યારબાદ જાહેર સભાને સંબોધિત કરશે. છેલ્લા સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી બાદ ફરી તેઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આદિવાસી ગૌરવ દિનની રાષ્ટ્રીય ઉજવણીને મધ્યમાં રાખીને આ મુલાકાત વધુ મહત્વ ધરાવે છે.

સ્થાનિકોમાં ઉમંગ, પરંપરાગત પ્રભાતફેરીથી આવકાર
વડાપ્રધાનના આગમનને લઈને ડેડિયાપાડા અને આસપાસના વિસ્તારોમાં સ્થાનિકો તેમજ ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વારલી પેઈંટિંગથી સજાયેલ એક વિશેષ પ્રદર્શન વડાપ્રધાન માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં આદિવાસી સમાજના જીવન, પરંપરા અને તહેવારોને વિશેષરૂપે રજૂ કરવામાં આવ્યા છે. તેમની મુલાકાત પૂર્વે આદિવાસી સમાજની આગેવાની હેઠળ તાલુકામાં પરંપરાગત પ્રભાતફેરીનું આયોજન થયું, જેમાં મોટા પ્રમાણમાં નાગરિકો, યુવાનો અને મહિલાઓ જોડાઈ. પ્રભાતફેરી દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમ અને મોદી છે તો મુમકીન છે જેવા નારા ગૂંજતા રહ્યા. સ્થાનિક નેતાઓ માને છે કે વડાપ્રધાનનું આગમન ડેડિયાપાડા માટે ઐતિહાસિક તક છે અને આ વિસ્તારમાં વિકાસ માટે નવા દ્વાર ખુલે તેવા સંકેત મળી રહ્યા છે. ઢોલ-નગારા સાથે આપેલો આ આવકાર ગ્રામ્ય વિસ્તારોમાં આનંદ અને ઉમંગનું માહોલ સર્જી રહ્યો છે.

