1971ના યુદ્ધની વિરાંગનાઓની હાજરી વચ્ચે BSF પરેડ
કચ્છના ભુજ શહેરમાં BSFના 61મા સ્થાપના દિવસ નિમિત્તે વિશાળ કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહની આગેવાનીમાં યોજાયેલા આ સમારોહમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને મંત્રી ત્રિકમભાઈ છાગા પણ હાજર રહ્યાં હતા. BSFના અધિકારીઓ, જિલ્લા કલેક્ટર, સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો તથા વિદ્યાર્થીઓએ કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો. સમગ્ર માહોલ દેશભક્તિની ભાવનાથી શોભી રહ્યો હતો.
1971ના યુદ્ધની વિરાંગનાઓનો આત્મગૌરવભર્યો ક્ષણ
કાર્યક્રમમાં 1971ના યુદ્ધ દરમ્યાન રનવે બાંધવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર વિરાંગનાઓ પણ ઉપસ્થિત રહી હતી. તેમની હાજરીથી સમગ્ર મેદાન ગૌરવથી ગુંજી ઉઠ્યું હતું. અમિતભાઈ શાહે BSFની પરેડની સલામી સ્વીકારી અને ખુલ્લી જીપમાં લોકોને અભિવાદન કર્યું હતું. દેશની રક્ષા માટે અવિરત સેવાઓ આપનાર જાંબાજોને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
અમિત શાહનું સંબોધન: BSF દેશની અડગ રક્ષણ રેખા
સંબોધનમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે BSF જ્યાં સુધી સીમા પર મજબૂત ઉભી છે, ત્યાં સુધી કોઈપણ દુશ્મન દેશની ધરતી પર પગ મૂકી શકશે નહીં. તેમણે કહ્યું કે BSFના જવાનોએ પોતાના જીવનની ચિંતા કર્યા વગર વર્ષો સુધી રાષ્ટ્રસેવામાં અડગ બલિદાન આપ્યું છે. કચ્છની પ્રજાએ પણ અનેક વખત દેશ પર આવતા હુમલાઓનો હિંમતભેર સામનો કર્યો છે અને દેશભક્તિનો ઉમદા પરિચય આપ્યો છે.
દેશના સુરક્ષા મોરચે તાજેતરની ઘટનાઓની ચર્ચા
ગૃહમંત્રીએ જણાવ્યું કે પહલગામમાં નિર્દોષ નાગરિકો પર કાયરતાપૂર્ણ હુમલો થયો હતો, જેનો જડબાતોડ જવાબ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા આપવામાં આવ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે દેશમાં છુપાયેલા દરેક ઘૂસણખોરને શોધી કાઢવામાં આવશે અને ભારતના પ્રતિનિધિઓને માત્ર ભારતીય નાગરિકો જ પસંદ કરશે, ઘૂસણખોરો નહીં. SIR પ્રક્રિયા દ્વારા આવી અસામાજિક તાકતોને દૂર કરવાની કાર્યવાહી ચાલુ રહેશે.

