ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની એન્ટ્રી બાદ તપાસ તેજ
છોટાઉદેપુર જિલ્લાના બહાદરપુર ગામમાંથી ચિંતાજનક ઘટના સામે આવી છે, જ્યાં અચાનક 18 જેટલા નાનાં બાળકો ફૂડ પૉઇઝનિંગની અસરથી અસ્વસ્થ થયા હોવાનું જાણવા મળ્યું. સ્વાસ્થ્ય ખરાબ થતાં તમામ બાળકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. બનાવ બહાર આવતા આરોગ્ય તંત્ર સતર્ક થયું અને તપાસ માટે ટીમોને ગોઠવી તાત્કાલિક કામગીરી શરૂ કરાઈ. હાલ પીવાના પાણી અને ખોરાકનાં નમૂનાનો પ્રાથમિક સ્તરે સર્વે હાથ ધરાયો છે.
જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ અસરગ્રસ્ત
બહાદરપુરમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં આશરે 350 વિદ્યાર્થીઓ નિવાસ કરે છે અને ભોજનની વ્યવસ્થા કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. ત્યાંથી 18 બાળકોમાં ફૂડ પૉઇઝનિંગ, 2 બાળકોમાં તાવ, 3માં સર્દી-ખાંસી અને 4 બાળકોમાં શરીરમાં નિર્બળતા તથા દુખાવાના લક્ષણો જોવા મળ્યા. આ વિદ્યાર્થીઓને શિફ્ટ કરીને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે પ્રાથમિક તપાસ દરમિયાન રસોડું, જમવાનું અને પાણીના નમૂનાઓ એકત્રિત કરીને બધા વિદ્યાર્થીઓનું હેલ્થ ચેકઅપ શરૂ કર્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
આરોગ્ય ટીમ સ્થળ પર, સેમ્પલ તપાસ માટે મોકલાયા
આરોગ્ય વિભાગના અધિકારી આર.એસ. પટેલે જણાવ્યું કે ઘટનાની જાણ થતા જ ટીમ ઝડપથી પહોંચી હતી. પ્રાથમિક નિરીક્ષણમાં ભોજન સંબંધિત સમસ્યા હોવાનું અનુમાન કરવામાં આવે છે, જો કે અંતિમ નિષ્ણાતી રિપોર્ટ આવ્યા પછી જ કારણ સ્પષ્ટ થશે. તમામ સેમ્પલ લેબમાં મોકલી તપાસ શરૂ કરવામાં આવી છે અને આગામી 72 કલાક સુધી મેડિકલ ટીમ કેમ્પસમાં હાજર રહી સ્થિતિનું નિરીક્ષણ કરશે. જો કોઈ બેદરકારી સાબિત થશે તો કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પ્રિન્સિપાલનો અનિશ્ચિત જવાબ, વધુ સવાલો ઊભા
નવોદય વિદ્યાલયના ઇન્ચાર્જ પ્રિન્સિપાલે આ ઘટનાને હવામાન અથવા બહારથી લાવવામાં આવેલ ખોરાકનું પરિણામ ગણાવ્યું, પરંતુ સ્પષ્ટ જવાબ આપી શક્યા નહીં. નિયમ મુજબ બહારનું જમવાનું કેમ્પસમાં લાવવા મનાઈ હોવા છતાં બાળકો સુધી તે કેવી રીતે પહોંચ્યું, એ મુદ્દે પ્રશ્નો ઉઠ્યા છે. તપાસ આગળ વધ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પણ પહોંચીને શંકાસ્પદ ખોરાક જપ્ત કરીને નાશની પ્રક્રિયા હાથ ધરી છે.

