સંસદીય કાર્ય મંત્રી રિજિજુનું મોટું નિવેદન: ‘અવરોધ નહીં, સંવાદ જરૂરી!’ – વિપક્ષ માટે કયો સંદેશ?
સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે સંસદની કાર્યવાહી સારી રીતે ચાલવી જોઈએ અને અવરોધની સ્થિતિ ટાળવા માટે સરકાર વિપક્ષી દળો સાથે વાતચીત ચાલુ રાખશે.
સંસદના શિયાળુ સત્રની શરૂઆત આજે (સોમવાર, ૧ ડિસેમ્બર, ૨૦૨૫)થી થઈ રહી છે. આ સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર સંસદના પટલ પર ૧૪ નવા બિલ મૂકવાની છે, જેને પૂર્ણ બહુમતી સાથે પસાર કરાવવા પર કેન્દ્ર ભાર મૂકશે. બીજી તરફ, દેશના ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલી મતદાર યાદીની વિશેષ સઘન પુનરાવર્તન (Special Intensive Revision – SIR) પ્રક્રિયા અને દિલ્હી આતંકી હુમલા સહિતના અનેક મહત્વના મુદ્દાઓ પર વિપક્ષ કેન્દ્ર સરકારને ઘેરવાની તૈયારીમાં છે.
કેન્દ્ર સંસદમાં કયા ૧૪ બિલ રજૂ કરશે?
સંસદનું શિયાળુ સત્ર આજથી ૧૯ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી ચાલશે, જેમાં કુલ ૧૫ બેઠકો યોજાશે. આ દરમિયાન કેન્દ્ર સરકાર બિન-સૈન્ય પરમાણુ ક્ષેત્રને ખાનગી કંપનીઓ માટે ખોલવા સહિત ૧૪ વિધેયકો રજૂ કરશે, જેમાં વીમા કાયદો, નાદારી કાયદો, કોર્પોરેટ કાયદો, સિક્યોરિટીઝ માર્કેટ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, ઉચ્ચ શિક્ષણ આયોગ, અણુ ઊર્જા, જીએસટી અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત સેસ બિલનો સમાવેશ થાય છે.
રજૂ થનારા મુખ્ય વિધેયકોની યાદી:
૧. જન વિશ્વાસ (સુધારા) વિધેયક, ૨૦૨૫
૨. નાદારી અને દેવાળું-બેન્કરપ્સી કાયદો (સુધારા) વિધેયક, ૨૦૨૫
૩. મણિપુર વસ્તુ અને સેવા કર (દ્વિતીય સુધારા) વિધેયક, ૨૦૨૫
૪. રદ કરવા અને સુધારા વિધેયક, ૨૦૨૫
૫. રાષ્ટ્રીય ધોરીમાર્ગ (સુધારા) વિધેયક, ૨૦૨૫
૬. પરમાણુ ઊર્જા વિધેયક, ૨૦૨૫ (અસૈન્ય પરમાણુ ક્ષેત્રને ખાનગી કંપનીઓ માટે ખોલવા સંબંધિત)
૭. કોર્પોરેટ કાયદો (સુધારા) વિધેયક, ૨૦૨૫
૮. સિક્યોરિટીઝ માર્કેટ્સ કોડ બિલ, ૨૦૨૫
૯. વીમા કાયદો (સુધારા) વિધેયક, ૨૦૨૫
૧૦. મધ્યસ્થી અને સમાધાન (સુધારા) વિધેયક, ૨૦૨૫
૧૧. ઉચ્ચ શિક્ષણ આયોગ વિધેયક, ૨૦૨૫
૧૨. કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક (સુધારા) વિધેયક, ૨૦૨૫
૧૩. આરોગ્ય સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા સેસ વિધેયક, ૨૦૨૫
૧૪. વર્ષ ૨૦૨૫–૨૬ માટે પ્રથમ પૂરક અનુદાન માંગણીઓ
સરકારનો અભિગમ
કેન્દ્ર સરકારે કહ્યું છે કે સંસદની કાર્યવાહી સારી રીતે ચાલવી જોઈએ અને અવરોધની સ્થિતિ ટાળવા માટે તે વિપક્ષી દળો સાથે વાતચીત ચાલુ રાખશે. શિયાળુ સત્ર અંગે રવિવારે (૩૦ નવેમ્બર, ૨૦૨૫) રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. ત્યારબાદ સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે “હું સકારાત્મક રીતે કહી રહ્યો છું કે અમે વિપક્ષની વાત સાંભળવા તૈયાર છીએ, સંસદ બધાની છે, દેશની છે.”
સંસદમાં સરકારને ઘેરવાનો વિપક્ષનો પ્લાન
મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC), સમાજવાદી પાર્ટી, ડીએમકે સહિત અનેક પક્ષો સંસદના શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકારને ઘેરવાની તૈયારીમાં છે. આ સંજોગોમાં શિયાળુ સત્રની શરૂઆત જોરદાર હોબાળો અને ટકરાવ સાથે થઈ શકે છે.
વિપક્ષ સૌથી પહેલા દેશના ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયાના વિરોધમાં એકજૂથ થઈને સરકાર પર ચર્ચા કરવા માટે ભાર મૂકશે. જોકે, સરકારે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે એસઆઈઆરનો મુદ્દો સંસદમાં ઉઠાવી શકાશે નહીં. વિપક્ષી પાર્ટીઓ કેન્દ્ર પર મતદાર યાદીમાંથી લાખો મતદારોના નામ કાઢવા અને વોટ ચોરીના આરોપો લગાવી રહી છે. તેમનું કહેવું છે કે સરકાર એસઆઈઆરના નામે પછાત, દલિત, વંચિત અને ગરીબ મતદારોને યાદીમાંથી હટાવીને પોતાની મનપસંદ મતદાર યાદી તૈયાર કરી રહી છે.

