27.56 કરોડના પ્રોજેક્ટ્સથી ઉત્તર ગુજરાતને મોટી ભેટ, હર્ષ સંઘવીનું જનસંપર્ક મિશન
બનાસકાંઠા જિલ્લાના વિકાસને નવી ગતિ આપવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે ખાસ મુલાકાતે પહોંચ્યા છે. તેઓ વડગામ, પાલનપુર અને ડીસા સહિતના વિસ્તારોમાં અનેક નવી સુવિધાઓ જનતાને સમર્પિત કરશે. તેમનો આ પ્રવાસ માત્ર કાર્યક્રમો પૂરતો સીમિત નથી, પરંતુ સ્થાનિક લોકો સાથે સીધો સંપર્ક અને તેમનાં પ્રશ્નો જાણવાનો પણ છે. હર્ષભાઈ સંઘવી વડગામમાં નવા લાઈબ્રેરી સંકુલના ઉદ્ઘાટનથી શરૂઆત કરશે, જે યુવાનો માટે અભ્યાસનું મોટું કેન્દ્ર બનશે.
27.56 કરોડનાં વિકાસ કાર્યોનો શુભારંભ
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આજે કુલ 27.56 કરોડનાં વિવિધ પ્રોજેક્ટ્સને લોકો માટે સમર્પિત કરવામાં આવી રહ્યા છે. વડગામમાં તેમના આગમન દરમિયાન સ્થાનિકોએ ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. બસ સ્ટેન્ડથી લઈને સરકારી લાઈબ્રેરી સુધીના માર્ગ પર લોકોની વિશાળ ભીડ જોવા મળી હતી. અનેક લોકોએ ફૂલ વરસાવી તેમની મુલાકાતને યાદગાર બનાવી હતી. આ વિકાસ કાર્યો વડગામ સહિત આસપાસના વિસ્તારોના સામાન્ય નાગરિકોને સીધો લાભ આપશે.
વડગામ, પાલનપુર અને ડીસામાં લોકાર્પણ તથા જાહેરસભા
વડગામ કાર્યક્રમને પૂર્ણ કર્યા બાદ હર્ષભાઈ સંઘવી પાલનપુર તરફ રવાના થયા છે, જ્યાં મલ્ટી પર્પઝ ઈન્ડોર હોલનું ઉદ્ઘાટન થશે. ત્યાર પછી તેઓ ડીસા પહોંચશે અને રમતગમત સંકુલને જનતા માટે ખુલ્લું મૂકશે. આ સંકુલ યુવાનોમાં ખેલ પ્રત્યેની રુચિ વધારવા મહત્વની ભૂમિકા ભજવશે. અંતે ડીસામાં યોજાનાર જાહેરસભામાં નાયબ મુખ્યમંત્રી સંબોધન આપશે, જેને લઈ સ્થાનિકોમાં ભારે ઉત્સુકતા છે. ખાસ કરીને તાજેતરમાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા થયેલા રાજકીય નિવેદનો બાદ આ સભા વધુ મહત્વપૂર્ણ બની છે.

