સમાજમાં દેખાડા અને અનાવશ્યક ખર્ચ રોકવા ઐતિહાસિક નિર્ણય
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વડુ ગામે રવિવારે સદારામ સેવા સમિતિ ગુજરાતના માર્ગદર્શન હેઠળ ઠાકોર સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. સમાજના આગેવાનો અને યુવાનોની સર્વસંમતિથી હાલ ચાલતા ખર્ચાળ રિવાજો અને દેખાડાઓને અટકાવવા નવા સામાજિક નિયમો બનાવવામાં આવ્યા છે. 1 જાન્યુઆરી 2026થી આ નિયમો આખા સમાજમાં ફરજિયાત અમલમાં આવશે. બેઠકમાં અનાવશ્યક વિધિઓને ઓછા કરવાની દિશામાં વ્યાપક ચર્ચા થઈ. ‘એક સમાજ – એક રિવાજ’ના સૂત્ર સાથે આ સુધારેલ બંધારણ સ્વીકૃત થયું.
લગ્ન પ્રસંગે ખર્ચ અને પરંપરાઓને સરળ બનાવતા નવા નિયમો અમલમાં
લગ્ન પ્રસંગે વધેલા ખર્ચા અને બિનજરૂરી ચાલતી પ્રથાઓને અટકાવવા સમાજે અનેક કડક નિર્ણયો કર્યા છે. દીકરા પક્ષને પડલામાં માત્ર જરૂરી દાગીના આપવા નક્કી કરાયું છે, જેમાં મંગળસૂત્ર ચાંદીનું, કાનની બુટ્ટી સોનાની અને પાયલ ચાંદીની રહેશે. ઓઢમણાની જૂની પ્રથા બંધ કરાઈ છે. જાનમાં હવે માત્ર 100 લોકો જ જઈ શકશે અને ત્રણ બાઇકની સાથે સવારી લઈ જવાની પ્રથા દૂર થઈ છે. તમામ સવારો માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે.
દીકરી પક્ષ માટે ખર્ચમાં ઘટાડો, ડિજિટલ આમંત્રણને પ્રોત્સાહન
સમાજે દીકરી પક્ષ પર પડતા વધેલા ખર્ચાને ઘટાડવા માટે નવો નિયમ જાહેર કર્યો છે, જેમાં રસોડા સેટ 11,000 થી 21,000 રૂપિયા સુધી જ આપવા નક્કી કરાયું છે. વાસણ ઢાલ અને ચોટણાં જેવી જૂની પ્રથાઓ રદ કરવામાં આવી છે અને માત્ર પાંચ ઓઢમણા રાખવાની મર્યાદા મુકાઈ છે. લગ્ન પ્રસંગે ડી.જે. વગાડવાની કે એન્ટ્રી પ્રથા રાખવાની મનાઈ છે. વરઘોડા કાઢવો પણ બંધ કરાયો છે. આમંત્રણ હવે ડિજિટલ રાખવાનું રહેશે જેથી અનાવશ્યક ખર્ચો ટળે.
બિનજરૂરી ભેટો, દારૂખાનું અને પ્રદર્શનો પર કડક પ્રતિબંધ
સમાજે યુવતીઓને સગાઈ સમયે મોબાઈલ આપવાની પ્રથા સંપૂર્ણપણે બંધ કરી છે, જેથી ગેરવપરાશ અટકી શકે. દારૂખાનું ફોડવા જેવી ખોટી પરંપરાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. મામેરાની રકમ 11,000 થી 1,11,000 સુધી મર્યાદિત રાખવામાં આવી છે જેથી પરિવારો પર આર્થિક દબાણ ન પડે. આ નિયમોનો હેતુ સમારંભોને સરળ અને સંયમિત બનાવવાનો છે. સમાજના સભ્યોને આ સુધારાઓને સમજદારીપૂર્વક અમલમાં લાવવા અપીલ પણ કરવામાં આવી છે.
મરણવિધિના નિયમો પણ સરળ બનાવી સમય અને ખર્ચ બંનેમાં રાહત
મરણ પ્રસંગે પણ વ્યર્થ ખર્ચાને અટકાવવા નવા નિયમો ઘડાયા છે. 60 વર્ષ પછી મૃત્યુ થાય તો ખીચડી-કઢી બનાવી શકાય, પરંતુ મોટો જમણવાર નહીં રાખવો. મરણના દિવસે માત્ર દીકરી-જમાઈને બોલાવવાનું નક્કી કરાયું છે. બધી વિધિઓ પાંચ દિવસની અંદર પૂર્ણ કરવી રહેશે. સોડો લાવવા પર પ્રતિબંધ મૂકાયો છે. ફૂલ તેરવા માત્ર કુટુંબના પાંચ જ સભ્યો જશે જેથી વિધિઓ સરળ અને શિસ્તબદ્ધ રીતે પૂરી થાય.
સમાજના અગ્રણી ઊપસ્થિતોમાં એકતા, નિયમો ભંગ કરનાર માટે દંડની જોગવાઈ
સમાજના આગેવા નવઘણજી ઠાકોરે જણાવ્યું કે આ નિયમો સમાજના હિત અને વિકાસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. નિયમોના ભંગ માટે 51,000 રૂપિયાનો દંડ નક્કી કરાયો છે, જેનો ઉપયોગ શિક્ષણ અને વિકાસ કાર્યોમાં કરવામાં આવશે. પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું કે વ્યસન ઓછું થવા લાગ્યું છે, પરંતુ ખોટા રિવાજો અને દેખાડા સામે સખત વલણ રાખવું જરૂરી છે. નંદાજી ઠાકોરે પણ લોકોને સંદેશ આપ્યો કે ખર્ચાળ પરંપરાઓ છોડીને બાળકોના ભવિષ્ય અને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

