ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજનામાં મોટો ફેરફાર: રાજ્યમાં વી.સી.ઈ.ના મહેનતાણામાં સમાનતા લાવવા સરકાર સક્રિય
રાજ્યના ગામ વિસ્તારોમાં કમિશન આધારિત રીતે કાર્યરત ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો (VCE)ને વધુ સ્થિર અને યોગ્ય આવક મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે રાજ્ય સરકારના કોઈપણ વિભાગ દ્વારા સોંપવામાં આવેલી કામગીરી માટે વી.સી.ઈ.ને યુનિટદીઠ ઓછામાં ઓછા રૂપિયા 20નું મહેનતાણું મળવાનું રહેશે. આ પગલું ગ્રામ્ય યુવાનોને આર્થિક આધાર આપશે અને તેમની સેવા-ક્ષમતાને વધારશે.
ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના હેઠળ ગામડાંમાં વધતી ઇ-સેવાઓ
માહિતી ટેકનોલોજીના લાભ ગ્રામ્ય વિસ્તારમાં પહોંચાડવા માટે રાજ્ય સરકારે ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના શરૂ કરી છે. શહેર જેવી જ સગવડો હવે ગામડાંમાં ઉપલબ્ધ બને, તે માટે ૭/૧ર, ૮-અ, હકપત્રની નકલ, ખેડૂત નોંધણી, પાકોની ટેકાના ભાવે ખરીદી, જન્મ-મરણ નોંધણી, આવકનું પ્રમાણપત્ર, રેશનકાર્ડ સુધારા સહિતની સેવાઓ વી.સી.ઈ. દ્વારા સરળતાથી પૂરી પાડવામાં આવે છે. આથી ગામજનોએ શહેર સુધી જતી હેરાનગતિમાં ઘટાડો થયો છે.
વિવિધ વિભાગો દ્વારા સોંપાતી કામગીરી અને અસમાન મહેનતાણું
રાજ્ય સરકારના અનેક વિભાગો વી.સી.ઈ.ને વિવિધ યોજનાઓની ડેટાએન્ટ્રી અને અન્ય કાર્ય સોંપે છે. પરંતુ દરેક વિભાગ દ્વારા જુદી જુદી રકમ નક્કી થતાં વી.સી.ઈ.ના મહેનતાણામાં અસમાનતા ઊભી થઈ હતી. એક વિભાગ વધારે ચુકવે તો બીજો વિભાગ ઓછી રકમ નક્કી કરે એવી પરિસ્થિતિથી ગ્રામ્ય સ્તરે સેવા આપતા વી.સી.ઈ.ને આર્થિક અસુરક્ષાનો સામનો કરવો પડતો હતો.
મહેનતાણામાં સમાનતા લાવવા મુખ્યમંત્રીએ આપ્યા નિર્દેશ
આ મુદ્દો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાનમાં આવતા તેમણે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ગાંધીનગરમાં યોજાયેલી ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની 12મી ગવર્નિંગ બોડી બેઠકમાં તેમણે વી.સી.ઈ.ના મહેનતાણામાં સમાનતા લાવવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી. આ પછી પંચાયત વિભાગે પરિપત્ર જાહેર કરીને તમામ વિભાગોને જણાવ્યું કે હવે કોઈપણ કામગીરી માટે વી.સી.ઈ.ને યુનિટદીઠ ઓછામાં ઓછા રૂપિયા 20 ચૂકવવા ફરજિયાત રહેશે.
નવી વ્યવસ્થા હેઠળ કામગીરી સોંપતા પહેલાં જાણ કરવી ફરજિયાત
નવા નિયમ મુજબ, રાજ્ય સરકારના કોઈપણ વિભાગે વી.સી.ઈ.ને કામગીરી સોંપવાની હોય તો તેનું અગાઉથી પંચાયત વિભાગ તથા ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીને જાણ કરવી રહેશે. આથી કામગીરીનું સંકલન વધુ સુવ્યવસ્થિત બનશે અને વી.સી.ઈ.ના કાર્ય અને આવક બંનેમાં સ્થિરતા આવશે. ગ્રામ્ય વિસ્તારોમાં ડિજીટલ સેવાઓને પ્રોત્સાહન આપવા સરકારનો આ નિર્ણય અસરકારક સાબિત થશે.

