હાર્દિક પટેલ સહિત તમામ પાટીદાર નેતાઓ રાજદ્રોહના કેસમાંથી મુક્ત, સુરત સેશન્સ કોર્ટનો મોટો નિર્ણય
ગુજરાતમાં ૨૦૧૫ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા સૌથી ચર્ચિત અને ગંભીર એવા રાજદ્રોહના કેસમાં આજે સુરત સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈ સહિતના તમામ આરોપીઓને આ કેસના તહોમતમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આ કેસ પરત ખેંચવા માટે કરવામાં આવેલી અરજીને મેહરબાન કોર્ટે ગ્રાહ્ય રાખી છે.
શું હતો સમગ્ર મામલો?
વર્ષ ૨૦૧૫માં જ્યારે પાટીદાર અનામત આંદોલન ચરમસીમાએ હતું, ત્યારે સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ અને અન્ય સાથીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ ૧૨૪A (રાજદ્રોહ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસનો આરોપ હતો કે હાર્દિક પટેલે આંદોલનકારીઓને ઉશ્કેરતા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ હિંસક નિવેદન આપ્યું હતું. આ કેસ છેલ્લા ૧૦ વર્ષથી કાનૂની પ્રક્રિયામાં હતો.
કોર્ટની કાર્યવાહી અને સરકારની અરજી
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા પાટીદાર આંદોલન સાથે જોડાયેલા કેસો પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત સરકારી વકીલ દ્વારા સુરત સેશન્સ કોર્ટમાં કેસ પરત ખેંચવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીના અનુસંધાને આજે કોર્ટે પોતાનો આદેશ સંભળાવતા જણાવ્યું હતું કે સરકારનો કેસ પરત ખેંચવાનો નિર્ણય યોગ્ય છે અને તમામ આરોપીઓને આરોપમુક્ત (Discharge) કરવામાં આવે છે.
બચાવ પક્ષની દલીલ
આ કેસમાં હાર્દિક પટેલ અને અન્ય નેતાઓ વતી જાણીતા એડવોકેટ યશવંતસિંહ વાળા એ ધારદાર રજૂઆતો કરી હતી. તેમણે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આ કેસ રાજકીય પ્રેરિત હતો અને આંદોલન દરમિયાન આપેલા નિવેદનોનો ખોટો અર્થ ઘટાવવામાં આવ્યો હતો. આખરે કોર્ટે તેમની દલીલો અને સરકારના પક્ષને ધ્યાને રાખીને આરોપીઓને મોટી રાહત આપી છે.
પાટીદાર નેતાઓમાં ખુશીનો માહોલ
આ ચુકાદા બાદ પાટીદાર નેતાઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજ અને સંસ્થાઓ દ્વારા આ ગંભીર કેસો પરત ખેંચવાની માંગણી કરવામાં આવી રહી હતી. હાર્દિક પટેલ, જેઓ હાલમાં વિરમગામથી ધારાસભ્ય છે, તેમને આ નિર્ણયથી મોટી રાજકીય અને કાનૂની રાહત મળી છે. અલ્પેશ કથીરિયા અને અન્ય નેતાઓએ પણ ન્યાયતંત્ર પર વિશ્વાસ વ્યક્ત કરતા આ નિર્ણયને આવકાર્યો છે.

