ઘરબેઠા સ્વદેશી ઉદ્યોગની સફળ ગાથા, PMFME યોજનાથી ચેતનાબેનને મળ્યું બળ
વડોદરા શહેરની લઘુ ઉદ્યોગ સાહસિક ચેતનાબેન ચૌહાણની સફળતા ગાથા આજે મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરતી જીવંત પ્રેરણા બની છે. એક સમય ખાનગી નોકરી કરીને પરિવાર અને બાળકો માટે સમય ફાળવવાના નિર્ણય સાથે તેમણે નોકરી છોડવાનો સાહસિક નિર્ણય લીધો હતો. પરંતુ ઘરબેઠા રહીને પણ પોતાની ઓળખ ઊભી કરી શકાય છે, તે તેમણે પોતાના કાર્ય દ્વારા સાબિત કરી બતાવ્યું. તેમના જીવનપ્રવાસમાં હિંમત, ધીરજ અને સતત મહેનતનું સુંદર સંયોજન જોવા મળે છે.
સ્વાસ્થ્ય જાગૃતતામાંથી વ્યવસાયનો વિચાર
બી.એડ. સુધીનો અભ્યાસ કરેલા ચેતનાબેનને શરૂઆતથી જ કંઈક અલગ અને ઉપયોગી કરવાની ઇચ્છા હતી. કોરોનાકાળ પછી લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે વધેલી જાગૃતિ અને શુદ્ધ ખોરાકની માંગને ધ્યાનમાં રાખીને તેમણે ખાદ્ય પ્રોસેસિંગ ક્ષેત્રમાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો. પતિ અને પરિવારના સંપૂર્ણ સહકાર સાથે વર્ષ 2022માં પરંપરાગત લાકડાની ઘાણીથી તેલ કાઢવાનું મશીન ખરીદી તેમણે ઘાણીનું તેલ બનાવવાનું શરૂ કર્યું. મગફળીના તેલથી શરૂ થયેલો આ વ્યવસાય ટૂંકા સમયમાં જ તેની શુદ્ધતા અને ગુણવત્તાના કારણે લોકોમાં વિશ્વસનીય બન્યો.
PMFME યોજનાથી મળ્યું બળ
ગ્રાહકોની વધતી માંગ અને વિશ્વાસને ધ્યાનમાં રાખીને ચેતનાબેને પોતાના વ્યવસાયને વિસ્તૃત કરવાની દિશામાં પગલાં લીધાં. વર્ષ 2023માં ભારત સરકારની મહત્વકાંક્ષી યોજના ‘પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઑફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝીસ’ અંતર્ગત તેમણે રૂપિયા 10 લાખ સુધીની લોન-લિંક્ડ સબસિડીનો લાભ લીધો. આ સહાયથી કુલ ચાર મશીનો ખરીદી ‘વિશ્વાસ ફૂડ્સ’ નામે પોતાના બ્રાન્ડને મજબૂત આધાર આપ્યો. સરકારી યોજનાની મદદથી નાના સ્તરે શરૂ થયેલો વ્યવસાય હવે સુવ્યવસ્થિત ઉદ્યોગમાં પરિવર્તિત થયો છે.
પરંપરાગત ઘાણીના તેલ અને મૂલ્યવર્ધિત ઉત્પાદનો
આજે ચેતનાબેન મગફળી, તલ, નાળિયેર, અળસી સહિત કુલ 9 પ્રકારના પરંપરાગત ઘાણીના તેલનું ઉત્પાદન કરે છે. તેલ ઉપરાંત બજારની માંગ અને ગ્રાહકોની પસંદગી મુજબ કચરીયું, માવા ચીક્કી, ખજૂરપાક, અડદિયા પાક અને ગુંદર પાક જેવી મૂલ્યવર્ધિત ખાદ્ય વસ્તુઓ પણ તૈયાર કરે છે. તમામ ઉત્પાદનો સ્વદેશી પદ્ધતિથી, કોઈ કેમિકલ કે પ્રિઝર્વેટિવ વગર બનાવવામાં આવે છે. કોલેસ્ટ્રોલ અને ટ્રાન્સફેટ શૂન્ય હોવાને કારણે આરોગ્ય જાગૃત લોકોમાં તેની ખાસ માંગ જોવા મળે છે.
વિશ્વાસ અને પારદર્શિતાથી બનેલો વ્યવસાય
ચેતનાબેનના ઉત્પાદન યુનિટ પર ગ્રાહકો જાતે આવીને તેલ કાઢવાની પ્રક્રિયા જોઈ શકે છે, જે પારદર્શિતા અને વિશ્વાસ બંનેમાં વધારો કરે છે. આ વિશ્વાસ જ તેમના વ્યવસાયની સૌથી મોટી મૂડી બની ગયો છે. આજે તેઓ દર વર્ષે અંદાજે રૂપિયા 30 થી 35 લાખનું ટર્નઓવર કરે છે અને તેમાંમાંથી લગભગ રૂપિયા 7 લાખ જેટલો ચોખ્ખો નફો મેળવે છે. વડોદરા ઉપરાંત આણંદ, નવસારી, વિદ્યાનગર અને ભરૂચ જેવા વિસ્તારોમાં પણ તેમના ઉત્પાદનો પહોંચ્યા છે.
સ્વદેશી વિચાર સાથે ઉજ્જવળ ભવિષ્ય
શરૂઆતમાં મુખપ્રચારથી ફેલાયેલો વ્યવસાય હવે સોશિયલ મીડિયા અને ઑનલાઇન ઓર્ડર સુધી વિસ્તરી ગયો છે. ચેતનાબેન કહે છે કે પરિવારનો સહકાર, કેન્દ્ર સરકારની યોજનાઓ અને રાજ્ય સરકારના બાગાયત વિભાગનું માર્ગદર્શન તેમની સફળતાનું મુખ્ય કારણ છે. સ્વદેશી પદ્ધતિથી ખાદ્ય ઉત્પાદન કરીને લોકોના સ્વાસ્થ્યમાં સુધારો લાવવો એ જ તેમના વ્યવસાયનો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે. તેમની સફળતા આજે અનેક મહિલાઓ માટે આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપી રહી છે.

