આઇઆઇટીની પ્રવેશ પરિક્ષાની તૈયાર કરાવનારી સંસ્થા સુપર 30ના સ્થાપક અને જાણીતા ગણિતશાસ્ત્રી આનંદ કુમારને અમેરિકાના પ્રતિષ્ઠિત ટીચિંગ એવોર્ડથી સન્માનિત કરાયા છે. તેમને આ સન્માન જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષિત કરવામા તેમના યોગદાન બદલ આપવામાં આવ્યું છે.
કેલિફોર્નિયાના સેન જોસમાં ફાઉન્ડેશન ફોર એક્સેલન્સ સંગઠનના કાર્યક્રમમાં આનંદ કુમારને એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડ 2019થી સન્માનિત કરાયા હતા. આ અવસરે આનંદ કુમારે જણાવ્યું હતું કે, લોકોને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપવાને કારણે વૈશ્વિક સ્તર પર ફેરફાર આવશે. જેનાથી ગરીબી, બેરોજગારી, વસ્તી વધારો, પર્યાવરણને નુકસાન સહિત અન્ય સમસ્યાઓનો ઉકેલ લાવવામાં મદદ મળશે.
આનંદ કુમારે વધુમાં જણાવ્યું હતું કે, આજે ભારતીય અમેરિકનો સહિત વિશ્વભરમાં અલગ-અલગ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામ કરી રહ્યા છે. શિક્ષણથી વધારે સારી કોઇ ભેટ હોઇ શકે નહીં. હાલના સમયમાં ખાલીપણું વધી રહ્યું છે આને શિક્ષણથી જ ભરી શકાય છે. હાલમાં જ આનંદ કુમારના જીવન પર બનેલી ફિલ્મ સુપર 30 રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં ઋતિક રોશને આનંદ કુમારની ભૂમિકા ભજવી હતી.